મધ્યપ્રદેશ અને મિઝોરમમાં મતદાન જારી: 70 ઈવીએમ ખોટકાતાં લાંબી કતારો લાગી

0
552

ભોપાલ: મધ્યપ્રદેશની ર૩૦ અને મિઝોરમની ૪૦ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મિઝોરમમાં તમામ ૪૦ સીટ અને મધ્યપ્રદેશના નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાની ત્રણ બેઠક પરસવાડા, બૈહર અને લાંજી પર સવારે સાત વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે એમપીમાં બાકીની રર૭ બેઠકો પર સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે. સવારે ૯-૦૦ વાગ્યા સુધી મધ્યપ્રદેશમાં ૧૦ ટકા અને મિઝોરામમાં ૧પ ટકા મતદાન થયું હતું.
આજે મતદાન શરૂ થયા બાદ મધ્યપ્રદેશમાં ૭૦ જેટલા ઇવીએમ ખોટકાયા હતા જેના કારણે મતદાનની પ્રકિયા અટકી જતાં મતદાનમથકો પર લાંકી કતારો લાગી ગઇ હતી. બીજી બાજુ ગુણામાં ચૂંટણી ફરજ દરમિયાન એક સ્પે‌િશયલ પોલીસ અધિકારીનું મોત થયું હતું, જ્યારે ઇન્દોરમાં બે પ્રિસાઇડીંગ ઓફિસરોના હાર્ટએટેકના કારણે મોત થયા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અનેે ભાજપના નેતાઓએ પોતપોતાના પક્ષનો વિજય થવાનો દાવો કર્યો હતો.
હિન્દી બેલ્ટના સૌથી આગત્યના ગણાતા રાજ્ય મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છેલ્લા ૧પ વર્ષથી સત્તારૂઢ છે અને તેનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે. ભાજપ અહીં જીતનો ચોગ્ગો લગાવવા આતુર છે, જ્યારે કોંગ્રેસ હારનો સીલસીલો અટકાવીને વિજયનો સ્વાદ ચાખવા મથી રહી છે. ભાજપે એમપીની તમામ 230 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે 229 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જતારાની એક સીટ કોંગ્રેસે લોકતાંત્રિક જનતાદળ માટે છોડી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ)ના 208, બહુજન સમાજ પાર્ટી (બસપા)ના 227, બહુજન મુક્તિ પાર્ટીના 34, જનાધિકાર પાર્ટીના 32, સમાજવાદી પાર્ટી (સપા)ના 52, શિવસેનાના 81 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ 1094 અપક્ષ ઉમેદવારો આ વખતે મેદાનમાં છે.
મધ્યપ્રદેશમાં આજે પાંચ કરોડથી વધુ મતદારો 2899 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે છિંદવાડામાં પરિવાર સાથે પૂજા કરી હતી અને ત્યાર બાદ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ એમપીમાં 140 બેઠક જીતી સરકાર બનાવશે. છેલ્લા 15 વર્ષથી રાજ્યની જનતા પરેશાન છે અને તેમની ફરિયાદો કાને ધરવામાં આવી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે મધ્યપ્રદેશમાં મતદાનનો દિવસ છે. રાજ્યના તમામ મતદારોને મારો આગ્રહ છે કે તેઓ પુરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે. તેમણે મિઝોરમની જનતાના વખાણ કરતા જણાવ્યું કે, તેઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરશે.
મતદાન કરતા પહેલા સીએમ શિવરાજસિંહે બુધનીમાં નર્મદા નદીના કિનારે પૂજા-અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે, એમપીમાં ફરીથી ભાજપની સરકાર બનશે અને જનતાનું કલ્યાણ થશે. બુધની બેઠક પર સીએમ ચૌહાણનો મુકાબલો કોંગ્રેસના અરુણ યાદવ સાથે છે. યાદવ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે અને બુધની વિસ્તારમાં તેમનું સારું વર્ચસ્વ છે.
બીજી તરફ મિઝોરમ પર એક નજર કરીએ તો અહીં કોંગ્રેસનો સત્તા પર કબ્જો છે અને મુખ્ય વિપક્ષી મિઝોરમ નેશનલ ફ્રન્ટ (એમએનએફ) સાથે તેની સીધી ટક્કર છે. મિઝોરમમાં લલ થનહવલા ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા આતુર છે તો ભાજપ પૂર્વોત્તરના આ આખરી ગઢમાં પણ કોંગ્રેસને હરાવવા પુરુ જોર લગાવી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here