મોદીના કોંગ્રેસ પર ચાબખાં: ’18 વર્ષથી કોંગ્રેસને હરાવું છું, મારો સામનો કરવાને બદલે માતાનું નામ ઉછાળે છે’

0
754

-કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ગગડતા રૂપિયાની તુલના મોદીના માતા સાથે કર્યા બાદ રાજકારણ ગરમાયું હતું


છતરપુર:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા વિશે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદીએ મધ્ય પ્રદેશમાં એક રેલી દરમિયાન જણાવ્યું કે, ‘હું 17-18 વર્ષથી કોંગ્રેસને હરાવી રહ્યો છું અને આ સ્તરે પહોંચ્યો છું. મારો સામનો કરવાને બદલે હવે મારી માતાને ગાળો આપો છો? શું કોંગ્રેસને આ શોભે છે? કોંગ્રેસ જો એમ વિચારતી હોય કે મારી માને ગાળો આપવાથી તેમના નેતાઓની ડિપોઝિટ બચી જશે તો તે કાન ખોલીને સાંભળી લે કે પ્રજા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.’

રાજ બબ્બરે મોદીના માતા અંગે ટિપ્પણી કરી

રાજ બબ્બરે ગુરુવારે ઈન્દૌરમાં એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે, ‘યુપીએ સરકાર દરમિયાન ડોલર સામે રૂપિયો ગગડતા નરેન્દ્ર મોદીએ રૂપિયાના અવમૂલ્યનની તુલના મનમોહન સિંહની ઉંમર સાથે કરી હતી. પરંતુ આજે રૂપિયો એટલો ઘસાયો છે કે તેનું મૂલ્ય પીએમ મોદીની માતા હીરાબાની ઉંમર સુધી પહોંચી જશે.’

રાજ બબ્બરની આ ટિપ્પણીથી વડાપ્રધાનના ભાઈ પ્રહલાહ મોદીએ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભગવાના આશિર્વાદથી મારી માતની લાંબી ઉંમર છે અને કોંગ્રેસને આનાથી ઈર્ષ્યા થાય છે. જો કે કોંગ્રેસ પાર્ટી નરેન્દ્રભાઈથી હેરાન છે અને મારી માતાએ જ તેમને જન્મ આપ્યો છે.

મોદીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, ‘કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા બચ્યા નથી એટલે મારી માતાને રાજકારણમાં ઢસડવા પ્રયાસ કરે છે. જે માતાને રાજકારણના ર ની ખબર નથી જે મા પૂજા-પાઠ, ઘરમાં ભગવાનના નામનું સ્મરણ કરવામાં સમય વિતાવે છે તેમને રાજકારણમાં લઈ આવ્યા?’ મોદીએ જણાવ્યું કે મારા માતા હીરાબાની ઉંમર 97 વર્ષ છે. તે પોતાના ચોથા પુત્ર અને સૌથી નાના દીકરા પંકજ મોદી સાથે ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here