રાફેલ ડીલઃ ફ્રાન્સમાં સરકાર અને દસોલ્ટ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

0
481

પેરીસ: ફ્રાન્સના એક ભ્રષ્ટાચાર વિરોધી એનજીઓએ ફ્રાન્સ સરકારને ભારત સાથે થયેલ રાફેલ ‌ડીલને લઇને ફ્રાન્સની નાણાકીય બાબતોના પ્રોસિકયુટર કાર્યાલયમાં ફ્રાન્સ સરકાર અને રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટ એવિયેશન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આ કેસમાં તપાસ કરવાની માગણી કરી છે.
શેરપા નામના આ એનજીઓ આર્થિક અપરાધો વિરુદ્ધ કાનૂની જંગ લડે છે. એનજીઓએ પોતાની ફરિયાદમાં પૂછયું છે કે કઇ પરિસ્થિતિમાં ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાન માટે ભારત સાથે સમજૂતી થઇ હતી અને અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદગી કરવા પાછળ કયા કારણો અને પરિબળો જવાબદાર હતા?
ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ મીડિયા પાર્ટમાં છપાયેલ અહેવાલ અનુસાર એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો શક જાહેર કરવામાં આવ્યો છે. એનજીઓએ આશા વ્યકત કરી છે કે નેશનલ પબ્લિક પ્રોસિકયુટર ઓફિસ તેેની તપાસ કરશે અને ટૂંક સમયમાં કોઇ નિર્ણય પર આવશે.
ભારતમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ રાફેલ ડીલમાં મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું શરૂ કર્યા બાદ ફ્રાન્સમાં પણ રાફેલ ડીલને લઇને ઘણો વિવાદ છેડાયો છે. રાફેલ ડીલ ર૦૧૬માં કરવામાં આવી હતી.
ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ફ્રાન્સવા ઓલાન્દેએ એવું જણાવ્યું હતું કે તેમની પાસે અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટતર તરીકે પસંદ કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. ઓલાન્દેના આ નિવેદનને પગલે રાફેલ ડીલને લઇને ફ્રાન્સમાં ભારે વિવાદ છેડાયો છે અને આ રાફેલ ભ્રષ્ટાચારમાં ફ્રાન્સ સરકારની પણ સાંઠગાંઠ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here