વર્ષ ૨૦૨૨ સુધી ભારતમાં ૧ લાખથી વધુ રેલવે ક્રોસિંગોથી મુક્તિ મળશે

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ¤ રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં ભારતમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ¤ભારત સરકારની યોજનાઓનો સૌથી વધુ લાભ ગુજરાત સરકારે પ્રો-એક્ટીવ અભિગમથી લીધો છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ▪ ¤ શીલજ ચાર રસ્તા પરનો રેલવે ઓવરબ્રિજ લોખંડની ગર્ડરો વડે નવી ડિઝાઈનથી બનેલો રેલવે ઓવરબ્રિજ છે

0
61
અમિત શાહ
અમિત શાહ

અમદાવાદ, તા.૨૧
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વર્ષ: ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે.થલતેજ- શીલજ -રાંચરડા રેલવે ઓવરબ્રિજનું દિલ્હીથી ઈ-લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણમાં ૧૦૫૦ ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વ્યક્તિગત થી માંડી સામૂદાયિક એમ તમામ ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. વધતી વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વ્યાપક ક્ષેત્રમાં માળખાકિય વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચી ચુકી છે. મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ પુરો પાડી ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. દેશના દરેક ઘરમાં એક બેન્ક એકાઉન્ટ ખુલી ચૂક્યું છે.આ ઉપરાંત વર્ષ :૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી પાણીનો નળ પહોંચી જશે.

તેમણે કહ્યું કે,કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજ્ય સરકારે પ્રો-એક્ટીવ અભિગમથી લીધો છે. દેશમાં ગુજરાત રાજ્ય કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવામાં અગ્રક્રમે છે તેના મૂળમાં ગુજરાત સરકારનો લોક વિકાસ માટેનો સકારાત્મક અભિગમ રહેલો છે.

તેમણે કહ્યું કે,અમદાવાદ ઝડપથી વિકસી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેટ્રોના બીજા ચરણની શરૂઆત કરાવી હતી. તે જ રીતે બી.આર.ટી.એસ. નું માળખું વિકસિત કરી પરિવહન સેવાને મજબૂત બનાવી છે.

તેમણે કહ્યું કે, દેશમાં ગયા ડિસેમ્બર માસમાં વીજળીની ખપત અત્યાર સુધીમાં સૌથી વધુ થઈ છે તેનો અર્થ એ છે કે દેશનું અર્થતંત્ર ફરીથી ધબકતું થયું છે.વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી દેશમાં કોરોના અંતની શરૂઆત કરી દીધી છે.

દરમ્યાન નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, અમદાવાદ દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે, ત્યારે શહેરની ૬૫ લાખની જનતાને તમામ પ્રકારની વ્યવસ્થા – સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પર રોજની ૧૦૦ ટ્રેન પસાર થાય છે. તેના કારણે ઘણાં બધાં માનવ કલાકો તથા ઇંધણનો વપરાશ થતો હતો.આ વિસ્તાર પણ છેલ્લા ૧૫ વર્ષમાં ખૂબ ઝડપથી વિકસ્યો છે. જેથી ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી, પરંતુ આ ઓવરબ્રિજના નિર્માણથી આ બધી સમસ્યાઓનો અંત આવશે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે રીતે વિકાસ કાર્યો થઇ રહ્યા છે.તેના કારણે ઉદ્યોગ, ધંધા, સેવા એમ તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે.નર્મદાના નીર ખેતરે -ખેતરે પહોંચ્યા છે. જેથી ગ્રામીણ અર્થતંત્ર ધબકતું થયું છે.આ બધાને કારણે શહેરમાં છેલ્લાં દોઢ દાયકામાં નવી માનવ વસાહતો સ્થપાઈ છે ત્યારે તેમની જરૂરિયાતને પહોંચી વળવા પાણી, રસ્તા,ગટર વ્યવસ્થા સહિતની માળખાકીય જરૂરિયાતો પણ વધી છે. તેમણે કહ્યું કે, નર્મદાના પાણીથી રિવરફ્રન્ટ ઉપરાંત રાજ્યના ચાર કરોડ નાગરિકોને શુધ્ધ પીવાનુ પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. અમદાવાદમાં પણ નર્મદાનું પાણી ફિલ્ટર કરીને નગરજનોને પૂરું પાડવામાં આવે છે.

તેમણે કહ્યું કે, રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા વગેરે માટે તથા ઓક્ટ્રોયની નાબૂદી બાદ રાજ્યના કોર્પોરેશનોને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેના કારણે આજે રાજ્યના નગરો ખૂબ ઝડપથી વિકસિત થઇ રહ્યા છે.તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. ગાંધીનગર થી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે.

તેમણે કહ્યું કે, આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબના બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે. જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મીલો છે જે તેને બનાવે છે.
તાજેતરમાં કલોલમાં રૂ. ૩ કરોડના ખર્ચે લોકાર્પણ થયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ મેડિકલના સાધનો માટે રૂ. ૭૨ લાખની સહાય કરી હતી. તે કેન્દ્રીય ગૃહ મંત્રીની ગુજરાત રાજ્ય માટેની તેમની સંવેદના બતાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કિશોરભાઈ ચૌહાણ,પૂર્વ મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ભાજપના અગ્રણીઓ સર્વશ્રી અનિલભાઈ પટેલ,ઋત્વિજ પટેલ, માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી.વસાવા સહિત માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here