સુરત દરેક સ્થિતિમાંથી પોતાનો રસ્તો શોધી કાઢે છે – શ્રી શ્રી રવિશંકર

0
726

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે યોજાયેલા પ્રદર્શન ‘એનર્જી ઈન્ટરનેશનલ’નો ઉદ્દઘાટન સમારંભ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્લેટીનમ હોલમાં યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ધી આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર ગુરૂદેવ શ્રીશ્રી રવિ શંકરજીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ત્રણ દિવસના એક્સ્પોમાં અતિથિ વિશેષ તરીકે ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સના રાજેશ કુમાર ઈન્દ્રકાન્ત મોદી, રીન્યુએબલ એનર્જી પ્રમોશન એસોસીએશનના પ્રમુખ પ્રો. એ.જી.ઐયર, નવી દિલ્હી ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટના ચેરમેન વિશ્વ મોહન બંસલ, વડોદરાની જીયુવીસીએલના ટેકનીકલ ડાયરેકટર  કે.એમ ભુવા, ડીજીવીસીએલના એમ.ડી.સુશ્રી આદ્રા અગ્રવાલ,કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનના સાઈટ ડાયરેકટર એમ.પી.હાંસોરા,તથા સંસદ સભ્ય શ્રીમતી દર્શના જરદોશ તેમજ સુરત અને દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા યોજાઈ રહેલા એનર્જી ઈન્ટરનેશનલ પ્રદર્શનના શુભારંભ માટે આપણને આંતરીક ઉર્જાને જગાડી એનો સમાજ સેવા અને અહિંસાના પ્રચારમાં ઉપયોગ કરી વિશ્વ સ્તરે નામના પ્રાપ્ત એવા ગુરૂદેવ શ્રીશ્રી રવિશંકરજી મળ્યા છે એ આપણું અહોભાગ્ય છે. આવનારા સમયમાં ઉર્જા ઉત્પાદનની સાથે સાથે જ ઉર્જા સંરક્ષણ અને ઉર્જાના સક્ષમ ઉપયોગનું મહત્વ પણ વધવાનું છે ત્યારે ચેમ્બરે આ પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરની એનર્જી કોન્કલેવનું આયોજન કર્યું છે.તેમણે એમ પણ કહયું કે સુરત એવું શહેર છે જયાં ન્યુકલીયર, થર્મલ, ગેસ બેઝડ,નેપ્યા બેઝડ હાઈડ્રો અને સોલાર એમ બધા પ્રકારની ઉર્જાનો વપરાશ થાય છે.

સમારંભના મુખ્ય અતિથિ અને ધી આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર ગુરૂદેવ શ્રીશ્રી રવિ શંકરજીએ કહયું હતું કે હું લગભગ દસેક વર્ષ બાદ સુરત આવ્યો છું અને જોઉં છું તો સુરતની સુરત જ બદલાઈ ગઈ છે. ગુજરાતમાં સુરતનું મહત્વ છે અને સુરતની વિશેષતા છે કે એ દરેક સ્થિતિમાંથી પોતાનો રસ્તો શોધી કાઢે છે. સુરતના લોકોમાં આંતરીક ઉર્જા ઘણી છે અને એટલે જ સુરતના માત્ર હિરાઓ જ નથી ચમકતા પણ સુરતની પ્રતિભા વિશ્વભરમાં ચમકી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે અમારા આશ્રમમાં પણ ઘણા સુરતવાસીઓ મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રમાં ભારતમાં ઘણું કામ થઈ રહયું છે. દેશના અંતરીયાળ વિસ્તારોમાં પણ સોલાર પાવર પહોંચી રહયો છે. સુરતની ચેમ્બરે આ પ્રદર્શન યોજીને એનર્જી એફીશિયન્સી વિશે જાગૃતિ લાવવાનું જે કામ શરૂ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here