સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને PM મોદીની ‘દિવાળી ભેટ’, 59 મીનીટમાં 1 કરોડની લોન

0
547

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને એક કલાક કરતા પણ ઓછા સમયમાં એક કરોડ રૂપિયાની લોન આપતી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી સરકારે આ વ્યાપારીઓ માટે 12 મોટા અને ઐતિહાસિક નિર્ણય લીધા છે. જેની અસર પણ જોવા મળે છે. આ પ્રસંગે વડાપ્રધાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ક્રમમાં ભારતે મારેલી છલાંગના પણ વખાણ કરતા તેને અવિશ્વસનિય ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ (MSME) માટે સરકારની સપોર્ટ એંડ આઉટરીચ ઈનિશેટિવના લોંચિંગ પ્રસંગે 59-મીનીટ લોન પોર્ટલનું અનાવરણ કર્યું હતું. પોર્ટલ લોંચ કર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, આ પોર્ટલ મારફતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને માત્ર 59 મીનીટમાં જ 1 કરોડ રૂપિયા સુધીની લોનની મંજૂરી મળી જશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે MSME સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે 12 નીતિઓને અંતિમ રૂપ આપી દીધું છે. આ નીતિઓને ‘દિવાળીની ભેટ’ ગણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ નીતિઓથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મુડી/ક્રેડિટ સુધી પહોંચ વધશે. તેમણે કહ્યું હતું કે, આ નીતિઓની આ સેક્ટરને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો ઉભી થશે. 59 મીનીટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોનની યોજના પણ આ 12 નીતિઓમાં શામેલ છે. MSMEના વખાણ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ સેક્ટરના કારણે ભારત એક ઈકોનોમિક પાવરહાઉસ બની ચુક્યું છે. આ આઉટરીચ પ્રોગ્રામ 100 દિવસ સુધી ચાલશે અને આને અંતર્ગત 100 જીલ્લાઓને આવરી લેવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેંકિંગમાં ભારતે મારેલી છલાંગને અવિશ્વસનીય ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતે એ કામ કરી બતાવ્યું છે જેની લોકોએ કલ્પના પણ નહોતી કરી. હવે ભારતે ઈઝ ઓફ ડુઈંગના ટોપ 50 દેશોની યાદીમાં આવવું દૂર નથી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેંક દ્વારા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશ રેંકિંગ 2018માં ભારતે 23 પોઈન્ટની છલાંગ લગાવીને 77 મો ક્રમાંક હાંસલ કરી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here