અયોધ્યા કેસ: વટહુકમ નહીં લાવવાના સંકેત, કોર્ટના ચુકાદાની રાહ જોઈશું: અમિત શાહ

0
1135

નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા ધર્મસભા-સંમેલનો યોજીને કેન્દ્રની મોદી સરકાર પર વટહુકમ લાવવાનું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આગામી વર્ષના જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાનારી રામમંદિર-અયોધ્યા વિવાદ કેસની સુનાવણીની રાહ જોશે.
અમિત શાહે જણાવ્યું હતું કે અયોધ્યા કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેની સુનાવણી ન થાય અને કોર્ટ કોઈ ચુકાદો ન આપે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. સૂત્રોના દાવા અનુસાર ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે સરકારે હજુ સુધી વટહુકમ લાવીને અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામમંદિર નિર્માણનો કોઈ નિર્ણય કર્યો નથી.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર રામમંદિર નિર્માણના મુદ્દે કોઈ ઉતાવળ કરીને નવો વિવાદ છેડવાના પક્ષમાં નથી. વટહુકમ લાવીને આ મુદ્દો વિપક્ષના હાથમાં આપી દેવા કરતાં સરકાર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે ત્યાં સુધી રાહ જોવા ઈચ્છે છે.
હાલ સમગ્ર દેશની નજર પાંચ રાજ્યમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓ પર છે ત્યારે અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપ હિન્દી બેલ્ટનાં ત્રણ સૌથી મહત્ત્વનાં રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા અને શાખ બચાવી લેશે. આ ત્રણેય રાજ્યમાં ભાજપની સરકાર સામે પ્રજામાં ઉગ્ર આક્રોશ અને અસંતોષ હોવાની વાતોને પણ શાહે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આ રાજ્યનાં ચૂંટણી પરિણામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેજ બૂસ્ટ કરશે અને ર૦૧૯ની લોકસભા ચૂંટણી પણ અમે જીતીશું.
અયોધ્યા મુદ્દે અમિત શાહે આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામમંદિરના પક્ષમાં જ આવશે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે અયોધ્યા જમીન વિવાદ કેસ કોર્ટમાં નવ વર્ષથી ચાલે છે અને છતાં પણ કોંગ્રેસે તેની સુનાવણી ર૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવાની માગણી કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ જજને મહાભિયોગના હથિયારથી ડરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર પર રામમંદિર નિર્માણ માટે સતત વધી રહેલા દબાણ વચ્ચે ધર્મગુરુ રામભદ્રાચાર્યએ દાવો કર્યો છે કે ૧૧ ડિસેમ્બર બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને મોટો નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી આચારસંહિતા સમાપ્ત થયા બાદ વડા પ્રધાન મોદી સાધુ-સંતો સાથે ચર્ચા કરશે અને રામમંદિર નિર્માણ અંગે મોટો ફેંસલો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here