તા.1 લી માર્ચથી ચાર મોટા શહેરોની તમામ નીચલી કોર્ટો પુનઃ ધમધમતી થશે

કોરોનાના કેસ ઘટતાં આખરે ગુજરાત હાઇકોર્ટનો બહુ મહત્વનો નિર્ણય અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની નીચલી કોર્ટો શરૂ કરવા આખરે હાઇકોર્ટની લીલીઝંડી ., 11 મહિનાઓ બાદ નીચલી કોર્ટો ધમધમતી થશે, વકીલ આલમમાં પણ ભારે ખુશીની લાગણી

0
306
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

અમદાવાદ, તા.5

કોરોના મહામારીના કારણે આખરે છેલ્લા 11 મહિના બાદ ગુજરાત રાજયના મુખ્ય ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ નીચલી કોર્ટો તા.1લી માર્ચથી રાબેતા મુજબ કાર્યરત કરવા ગુજરાત હાઇકોર્ટે આજે બહુ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને પગલે હવે તા.1 લી માર્ચથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરોની તમામ નીચલી અદાલતો ફરી એકવાર રાબેતા મુજબ કોર્ટ કામગીરીથી અને વકીલો-પક્ષકારો તેમ જ કોર્ટ કર્મચારીઓની ચહલપહલથી પુનઃ ધમધમતી થશે. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને અનિલ સી.કેલ્લાએ ગુજરાત હાઇકોર્ટના આ મહત્વના નિર્ણયને તેમ જ હકારાત્મક અભિગમને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્ણયને પગલે તા.1 લી માર્ચથી ચારેય મોટા શહેરોની તમામ નીચલી અદાલતો કાર્યરત થવાથી વકીલો-પક્ષકારોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.

હાઇકોર્ટે તેના નિર્ણયમાં રાજયના આ ચારેય મહાનગરોમાં તમામ નીચલી કોર્ટો સવારે 10-45 વાગ્યાથી સાંજે 6-10 વાગ્યા સુધી કાર્યરત રાખવા પણ ઠરાવ્યું છે. તો, બીજીબાજુ, આ શહેરોમાં જે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હોય ત્યાની કોર્ટોને શરૂ નહી કરવા પણ સ્પષ્ટ તાકીદ કરાઇ છે. બાકી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ નીચલી કોર્ટો તા.1 લી માર્ચથી ચાલુ કરી દેવા હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 11 મહિનાઓથી રાજયની તમામ નીચલી કોર્ટો બંધ હતી, જેના કારણે વકીલો, પક્ષકારો સહિતના સંબંધિત અસરકર્તા લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જો કે, કોરોનાની અસર ધીરે ધીરે ઘટતા અને તેનું સંક્રમણ ઓછુ થતાં ગુજરાત હાઇકોર્ટે થોડા સમય પહેલાં રાજયના મોટા ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયની તમામ નીચલી કોર્ટો શરૂ કરવા લીલીઝંડી આપી હતી પરંતુ આ ચાર મોટા શહેરોની નીચલી કોર્ટો જયાં સુધી કોરોના મહામારીની પરિસ્થિતિ વધુ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી નહી ખોલવા તાકીદ કરી હતી. દરમ્યાન હવે કોરોના મહામારીની અસર નોંધપાત્ર રીતે ઘટતા અને કોરોનાના કેસોમાં પણ અસરકારક ઘટાડો નોંધાતા આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે, હવે રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એ ચારેય મહાનગરોમાં આવેલી તમામ નીચલી અદાલતો તા.1 લી માર્ચથી શરૂ કરી દેવા લીલીઝંડી આપી છે,

દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને અનિલ સી.કેલ્લાએ હાઇકોર્ટના મહત્વના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ચારેય મહાનગરો સહિતની નીચલી કોર્ટો તાકીદે શરૂ કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે હકારાત્મક અભિગમ અપનાવી બાર કાઉન્સીલની લાગણી અને માંગણીને ગ્રાહ્ય રાખી વકીલો-પક્ષકારોના હિતમાં નિર્ણય કર્યો છે તે ખરેખર આવકાર્ય છે. ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારે છે. હાઇકોર્ટના આ નિર્ણયથી વકીલો-પક્ષકારોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. તા.1 લી માર્ચથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરની તમામ નીચલી અદાલતો ફરી એકવાર વકીલો-પક્ષકારો અને કોર્ટ કર્મચારીઓની ચહલપહલ અને કોર્ટ કામગીરીથી પુનઃ ધમધમતી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here