થિયેટર એક જાદુઇ સ્થળ છે: આયુષ્માન

0
406
ટિકિટોના અને થિયેટરોની અંદર વેચાતા ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધવા લાગ્યા છતાંય લોકો પરિવાર સાથે પોતપોતાના બજેટ મુજબ ટિકિટો લઇને થિયેટરનો આનંદ લેવા લાગ્યા જ હતા
ટિકિટોના અને થિયેટરોની અંદર વેચાતા ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધવા લાગ્યા છતાંય લોકો પરિવાર સાથે પોતપોતાના બજેટ મુજબ ટિકિટો લઇને થિયેટરનો આનંદ લેવા લાગ્યા જ હતા

ક્રૂર ૨૦૨૦ની વિદાય બાદ બૉલીવૂડના હાલના શ્રેષ્ઠ કલાકારોમાંનો એક આયુષ્માન ખુરાના કહે છે કે, જૂનું અને કપરું ૨૦૨૦નું વર્ષ વીતી ગયાનો મને ભારે આનંદ છે. હું એકદમ હળવા મૂડમાં આવી ગયો છું. આ વર્ષે આપણને ઘણું શીખવાડ્યું. વધુ પડતું મેળવી લેવાની લાલચને આપણે ક્યાંક ને ક્યાંક રોકી દેવી પડશે. આપણી પ્રાથમિકતા શું છે અને કેવી નાની ચીજો પણ આપણને ખુશીઓથી ભરી દે છે, કેવી વર્તણૂક આપણને સારો માણસ બનાવી શકે છે એ આપણે હવે શીખી લેવું પડશે.આયુષ્માન કહે છે કે આ જાતની શીખ લઇને હવે આપણે વર્ષ ૨૦૨૧ને વધાવવા તૈયાર રહેવું પડશે. જોકે, આયુષ્માન પોતે આના માટે તૈયાર જ છે અને તે વાતનો તેને વિશ્ર્વાસ છે કે થિયેટરો શરૂ થઇ ગયાં છે ત્યારે આ નવું વર્ષ ઘણું જ શાનદાર બની રહેશે. તેણે તાજેતરમાં આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે પોતે દર્શકો માટે શું શું નવું લઇને આવશે.આ વર્ષમાં તેની ત્રણ ફ્લ્મિો આવી રહી છે, જેમાં જંગલી પિક્ચર્સની ‘ડૉક્ટરજી’, ‘ચંડીગઢ કરે આશિકી’ અને અન્ય એક પ્રોજેક્ટ પણ સામેલ છે. તે કહે છે કે મને આશા છે કે આ બધી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે. નવું વર્ષ ધીમે ધીમે બહેતર બનતું જશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. આ વર્ષે હું આપણા દેશના દર્શકોનું ભરપૂર મનોરંજન કરી શકીશ એવી આશા રાખું છું. કોરોનાનો કપરો કાળ પૂરો થયા બાદ લોકો હવે પૂરા પરિવાર સાથે ઘરની બહાર નીકળશે જ. કોવિડ-૧૯ પહેલાં જેવી પરિસ્થિતિ હતી તેવી જલદીથી પાછી આવશે. લોકો બહાર નીકળીને જે રીતે પોતાની હરેક પળોને માણતા હતા તેવો માહોલ ફરી જોવા મળશે.

થિયેટર્સમાં ફિલ્મ જોવાનું એક અલગ જ આકર્ષણ હોય છે. તે કહે છે કે થિયેટર એક એવું જાદુઇ સ્થળ છે જે આપણને અલગ જ દુનિયામાં લઇ જાય છે. ખુશીઓની અનુભૂતિ કરાવે છે. અલગ અલગ મુદ્દા પર વિચારવાની પ્રેરણા પણ આપે છે.

આયુષ્માનની વાત તો સાચી છે. તે કહે છે તેવો અનુભવ આપણને સહુને થયો છે. આજથી પચાસ વર્ષ પહેલાં જ્યારે ટેલિવિઝન્સ આવ્યાં ત્યારે પણ લોકો એવું માનતા કે ઘેર ઘેર ટી.વી. આવી ગયા પછી થિયેટરોમાં કાગડા ઊડશે. જોકે, આ માન્યતા સદંતર ખોટી પડી. એ જમાનો સિંગલ સ્ક્રીન થિયેટરોનો હતો એની જગ્યાએ પછી તો મલ્ટિપ્લેક્સ થિયેટરો પણ આવવા લાગ્યાં. મોંઘવારી પણ વધી. ઘરની અંદર અનેક વિચારો અને બાબતોનું મન પર આક્રમણ થઇ રહ્યું હોય, વારંવાર કોઇ ફેમિલી મેમ્બર કે આગંતુકની ખલેલ આપણને હેરાન કરતી હોય ત્યારે થિયેટર જેવી ફીલિંગ્સ આવતી નથી. એક ચિત્તે ફિલ્મનો આનંદ માણી શકાતો નથી. આથી જો એક વાર કોરોનાની વેક્સિન આવી જશે અને નિયમોમાં વધુ છૂટછાટ મળશે ત્યારે વધુ ને વધુ લોકો થિયેટરમાં જઇને ફિલ્મો માણવાની શરૂ કરશે જ. એમાં કોઇ શંકાને સ્થાન નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here