દેશવ્યાપી ‘સ્વસ્થ ભારત યાત્રા’નો પ્રારંભ : ગુજરાતમાં આગામી તા.૧૯ નવેમ્બરે દાંડી ખાતે આગમન

0
1167

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે

દેશવ્યાપી ‘સ્વસ્થ ભારત યાત્રા’નો પ્રારંભ :
ગુજરાતમાં આગામી તા.૧૯ નવેમ્બરે દાંડી ખાતે આગમન

ગુજરાતમાં ૨૪ દિવસ દરમિયાન ૧૨ જિલ્લા-શહેરોમાં

૭૯૧ કિ.મી. ભ્રમણ કરી ‘શુદ્ધ અને પોષણક્ષમ આહાર’ અંગે સંદેશો આપશે

ગાંધીનગર ખાતે

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને

રાજયકક્ષાની ફૂડ સેફ્ટી સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત-સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૬મી ઓકટોબર-૨૦૧૮થી ૨૭મી જાન્યુઆરી-૨૦૧૯ સુધી સમગ્ર દેશમાં ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ના ઉપક્રમે જનજાગૃતિ માટે સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ અંતર્ગત ‘ઈટ હેલ્ધી, ઈટ સેઈફ, ઈટ ફોર્ટીફાઈડ અને નો ફૂડ વેસ્ટ’ની થીમ નક્કી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ યાત્રા વિવિધ સ્થળોએથી શરૂ થઈને ૧૮ હજાર કિ.મી.નું ભ્રમણ કરીને નવી દિલ્હી ખાતે સંપન્ન થશે. આ સ્વસ્થ ભારત યાત્રાનું ગુજરાતમાં નવસારી જિલ્લાના દાંડી ખાતે તા.૧૯મી નવેમ્બર-૨૦૧૮ના રોજ આગમન થશે તેમ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજયકક્ષાની ફૂડ સેફ્ટી સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે જણાવ્યું હતુ.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. એચ.જી. કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ભારતયાત્રા તા.૧૯મી નવેમ્બર-૨૦૧૮થી ૧૨મી ડિસેમ્બર-૨૦૧૮ એટલે કે ૨૪ દિવસ સુધી દાંડી-નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા-પંચમહાલ, સંતરામપુર-બાલાસિનોર(મહિસાગર) નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાલનપુર એમ ગુજરાતના ૧૨ જિલ્લા-શહેરોમાં કુલ ૭૯૧ કિ.મી.નો પ્રવાસ-ભ્રમણ કરશે. જેમાં NCC કેડેટ્સ સહિત વોલેન્ટીયર્સ મોટી સંખ્યામાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રભાત ફેરી, શેરી નાટક અને વિવિધ પ્રદર્શનના માધ્યમથી પ્રજાજનોમાં ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. ઉપરાંત પ્રજાજનોમાં નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના નિયંત્રણ માટે હેલ્ધી ફૂડ માટેની અપીલ કરતા ઓડિયો, વીડિયો તેમજ તજજ્ઞ ન્યુટ્રિશિયન દ્વારા ખોરાક અંગે સમજણ આપવામાં આવશે. સ્વચ્છ વાતાવરણમાં બનેલા ખોરાકને પ્રમોટ કરવા માટે જુદા જુદા પ્રદર્શન જેવા કે ‘‘ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ’’ ‘‘RUCO’’, ફૂડ એડલસ્ટ્રેશન, ખોરાકમાં ભેળસેળને નાથવા માટે આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ દ્વારા સંદેશો આપવામાં આવશે.

રાજયના નાગરિકોને ફોર્ટીફાઈડ ફૂડ મળી રહે તથા માઈક્રોન્યુટ્રીશનની ઉણપ તેમજ કુપોષણને નાથવા માટે ઈન્ડિયન મેડિકલ એસોશિએશન તરફથી આ યાત્રા દરમિયાન જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. લગ્ન સમારંભ, હોટેલ્સ, જાહેર મેળાવડા વગેરેમાં બનતા ભોજનનો બગાડ ન થાય તેમજ સમાજના ગરીબ વર્ગને આ ખોરાક યોગ્ય ચેનલથી પહોંચે તે માટે એન.જી.ઓ. દ્વારા સમજ આપવામાં આવશે. સ્વસ્થ ભારત યાત્રા સફળતાપૂર્વક પાર પડે અને ગુજરાતની પ્રજાને સ્વસ્થ, સ્વચ્છ, પોષણયુક્ત ખોરાક મળી રહે અને છેવાડાના માનવીને પણ શુદ્ધ અને સારું ભોજન મળી રહે તે અંગે માહિતગાર કરવામાં આવશે. આ યાત્રાના સુચારુ આયોજન માટે રાજયકક્ષાએ મુખ્ય સચિવશ્રી તેમજ જિલ્લાકક્ષાએ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને એડવાઈઝરી કમિટીની રચના પણ કરવામાં આવી છે તેમ પણ ડૉ. કોશિયાએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ શ્રી વી.જી.વણઝારા, એન.સી.સી.ના અધિકારીશ્રી, માહિતી, શહેરી વિકાસ, શિક્ષણ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here