પેપર લીકનું કાવતરૂં પખવાડિયા અગાઉ ઘડાયુંઃ ભાજપને થયેલા ડેમેજને કંટ્રોલ કરવાની કવાયત શરૂ

0
1147

અમદાવાદ

દિલ્હી નજીક ગુડગાંવથી પોલીસ લોકરક્ષક પરીક્ષાના પેપરની ‘આન્સર કી’ લઈને આવેલો યશપાલ સોલંકી હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. પણ, યશપાલને દિલ્હી મોકલનાર ભાજપના બે સ્થાનિક સસ્પેન્ડેડ નેતા મનહર પટેલ, મુકેશ ચૌધરી ઉપરાંત ગાંધીનગરની રુપલ શર્મા પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સસ્પેન્ડેડ વાયરલેસ PSI પી.વી. પટેલ સહિતના આરોપી દસ દિવસના રિમાન્ડ દરમિયાન કૌભાંડની કડી વર્ણવવા લાગ્યાં છે. ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસની ભરતી પરીક્ષાના પખવાડિયા અગાઉ આ કૌભાંડી મંડળીના નિશ્ચિત લોકોની મિટીંગ યોજાઈ હતી. મનહર અને નિશ્ચિત લોકોની મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગ પછી વડોદરામાં રહેતા લુણાવાડાના યશપાલ સોલંકીને દિલ્હી નજીક ગુડગાંવથી પેપર લાવવાનું કામ સોંપાયું હતું.

દરમિયાન, ગાંધીનગર પોલીસે આજે આરોપીઓના મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની રૂટીન કામગીરી કરવામાં આવી રહ્યાની વિગતો જાહેર કરી છે. રાજ્યના લાખો પરિવારોને સ્પર્શતી ઘટનામાં પોલીસ તપાસની વિગતો જાહેર કરવાના બદલે પોલીસ મૌન ધારણ કરીને બેઠી છે.

ભાજપની આબરૂ બચાવવા પોલીસને ડેમેજ કન્ટ્રોલની કામગીરી સોંપાઈ

પોલીસ પેપર ‘લીક’ કૌભાંડમાં ભાજપના બે સ્થાનિક નેતાની ધરપકડ અને ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાના મુદ્દે આબરૂના લીરા ઉડી રહ્યાં છે. ભાજપની આબરૂ બચાવવા માટે પોલીસને ડેમેજ કન્ટ્રોલની કામગીરી સોંપવામાં આવી છે. ATSના એસ.પી. હિમાંશુ શુક્લા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી દિપન ભદ્રન, ગાંધીનગર એસપી મયૂર ચાવડા અને CID ક્રાઈમના એસપી (પરીક્ષા બોર્ડના સભ્ય) વિરેન્દ્રસિંહ યાદવના નેજાતળે ટીમો તપાસમાં લાગી ગઈ છે. જે.કે. ભટ્ટ પછી ગુજરાત સરકાર માટે ‘ડેમેજ કન્ટ્રોલર’ તરીકે ઉપસી રહેલાં હિમાંશુ શુક્લાની મંજુરી બાદ જ તપાસની દશા-દિશા નક્કી કરવામાં આવી રહી છે.

પેપર મેળવ્યું તે આરોપી બનાવવા SOGની ટીમો કાર્યરત કરાઈ

ગુજરાત પોલીસના સુત્રોએ જણાવ્યું કે, પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાના અનેક ઉમેદવારોએ પેપર મેળવ્યાં હોવાની આશંકા છે. પેપર મેળવ્યું હોય તેવા ઉમેદવારને આરોપી બનાવવા માટે SOGની ટીમો કાર્યરત કરાઈ છે. મનહર પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી અને વાયરલેસ PSI વી.પી. પટેલ, આ ચાર આરોપીના મોબાઈલ ડેટા તપાસીને પેપર મેળવ્યું હોય તેવા નામ શોધી કાઢી SOGને દોડતી કરાય છે. જો કે, પેપર મેળવનારને આરોપી ગણતી પોલીસ હજુ સુધી મુખ્ય સુત્રધારોને શોધી કાઢવાના મુદ્દે ગંભીર જણાતી નથી.

મનહર પટેલના ડ્રાઈવર જયેન્દ્ર રાવલ સહિત ચારની પૂછપરછ

પેપર કૌભાંડમાં સૌથી પહેલા રૂપલ શર્મા હાથમાં આવી હતી. રૂપલની પૂછપરછમાં બાયડ ભાજપના નેતા મનહર પટેલનું નામ ખૂલ્યું હતું. પોલીસની ગતિવિધીની જાણ થતાં જ મનહર ભાગવા લાગ્યો હતો. ફોન ટ્રેસ કરતાં પોલીસને મનહર પટેલ અને જયેન્દ્ર રાવલની મુલાકાત થયાની વિગતો જાણવા મળી હતી. ગાંધીનગર પોલીસે મનહરનો ડ્રાઈવર ગણાવીને જયેન્દ્ર રાવલ ઉપરાંત નવા વખા વાઘડિયા, ભરત મુળજી ચૌધરી ઉપરાંત મુકેશ ચૌધરીના ભાઈ સંદિપ ખડકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, આ ચાર વ્યક્તિમાંથી જેનો રોલ જણાશે તેની ધરપકડ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here