ભારતની લેજન્ડરી બોક્સર અને એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર મેરી કોમ

0
1134

ભારતની લેજન્ડરી બોક્સર અને એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર મેરી કોમ આવતીકાલે ઘરઆંગણે ચાલી રહેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમિ ફાઈનલ રમવા રિંગમાં ઉતરશે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મેરીને ફાઈનલમાં પ્રવેશવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેનો મુકાબલો નોર્થ કોરિયાની મિ હ્યાંગ કિમ સામે થશે.

મેરી કોમ અને મિ હ્યાંગ કિમ વચ્ચે ગત નવેમ્બરમાં એશિયન ચેમ્પિયનશીપની ફાઈનલ રમાઈ હતી, જેમાં મેરી ચેમ્પિયન બની હતી. આ કારણે તે આવતીકાલની સેમિ ફાઈનલ જીતવા માટે ફેવરિટ છે.

મેરીની સાથે સાથે ભારતની લવલીના બોર્ગોહાઈન ૬૯ કિગ્રા વજન વર્ગમાં, સોનિયા ચહલ ૫૭ કિગ્રા વજન વર્ગમાં અને સિમરનજીત કૌર ૬૪ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં પોતપોતાના સેમિ ફાઈનલ મુકાબલા ખેલશે.

ભારતે કુલ ૧૦ બોક્સરોને સ્પર્ધામાં ઉતારી હતી, જેમાંથી ચાર સેમિ ફાઇનલમાં પ્રવેશી છે અને તેમણે મેડલ નિશ્ચિત કરી લીધા છે.

મેરી કોમ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની વુ હુ ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેનો સાતમો મેડલ નિશ્ચિત કરી લીધો હતો. આ સાથે તે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનારી એકમાત્ર મહિલા બોક્સર બની ગઈ છે. હવે તે ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.

ભારત છેલ્લે ૨૦૧૦માં વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યું હતુ. યોગાનુંયોગ તે મેડલ મેરી કોમે જ અપાવ્યો હતો. હવે આ વખતે મેરી તો સ્પર્ધામાં છે જ સાથે સાથે ભારતની અન્ય ત્રણ યુવા બોક્સરો પણ ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદા સાથે રિંગમાં ઉતરવા માટે થનગની રહી છે.

આસામની ૨૧ વર્ષની બોક્સર લવલીના બોર્ગોહાઈન હવે ચાઈનીઝ તાઈપેઈની ચેન નેઈન- ચીન સામે ટકરાશે. લવલીનાએ તાઈપેઈની બોક્સરના વિડિયો જોયા છે અને તેના આધારે પોતાની વ્યુહરચના ઘડી કાઢી છે.

ભારતની યુવા બોક્સરો સોનિયા ચહલ અને સિમરનજીત કૌર પણ પોતપોતાના મુકાબલામાં જીત મેળવવા માટે ઉત્સુક છે.

સેમિ ફાઈનલ્સમાં કુલ ૨૧ દેશોની બોક્સરો વચ્ચે ટક્કર

ઘરઆંગણે ચાલી રહેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગની ૧૦ કેટેગરીમાં કુલ મળીને ૪૦ બોક્સરો સેમિ ફાઈનલમાં પ્રવેશી છે. સેમિ ફાઇનલમાં પ્રવેશેલી સૌથી વધુ પાંચ બોક્સરો ચીનની છે. જ્યારે ભારત ચાર બોક્સરો સાથે બીજા ક્રમે છે. નોર્થ કોરિયા, તુર્કી અને અમેરિકાની ત્રણ-ત્રણ બોક્સરો અંતિમ ચારના મુકાબલા ખેલવા માટે સજ્જ છે. જ્યારે જર્મની, જાપાન, કઝાખ્સ્તાન, નેધરલેન્ડ, ચાઈનીઝ તાઈપેઈ અને યુક્રેનની બે-બે બોક્સરો સેમિ ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, બેલારૃસ,બુલ્ગારિયા, કોલંબિયા, આયર્લેન્ડ, સાઉથ કોરિયા, મોંગોલિયા, રશિયા, થાઈલેન્ડ અને વેલ્સની એક-એક બોક્સર સેમિ ફાઈનલ રમશે. ટૂંકમાં નવી દિલ્હીમાં ચાલી રહેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કુલ ૨૧ દેશોની બોક્સર્સ મેડલ્સ જીતશે તે નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here