ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે જ સપાટો બોલાવી દીધો છે.

0
1052

એજન્સી, જયપુર:

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે જ સપાટો બોલાવી દીધો છે. પક્ષે ચાર મંત્રીઓ સહિત 11 બળવાખોર નેતાઓની ભાજપમાંથી હકાલપટ્ટી કરી દેતા સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે 7 ડિસેમ્બરના રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકો પર ચૂંટણી જંગ યોજાશે. ભાજપે 11 બળવાખોરોની પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ હોવાની માહિતી ગુરુવારે રાત્રે જાહેર કરી હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન લાલ સૈનીએ તમામ 11 બળવાખોરોને પક્ષમાંથી બરતરફ કરાયા હોવાના ઓર્ડર જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરતર ખેંચવાની છેલ્લી તારીખ પણ હતી.

બરતફર કરાયેલા મંત્રીઓમાં જાહેર સ્વાસ્થ્ય ઈજનેર વિભાગના મંત્રી સુરેન્દ્ર ગોયલ, સામાન્ય વહીવટ વિભાગના મંત્રી હેમસિંહ ભંડાના, દેવસ્થાન મંત્રી રાજકુમાર રીનવા તેમજ જુનિયર પંચાયતિ રાજ અને ગ્રામ્ય વિકાસ મંત્રી ધન સિંહ રાવતનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામને પક્ષે ટિકિટ ફાળવી ન હોવાથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉપરાંત મારવાડ જંક્શનના લક્ષ્મી નારાયણ દેવ, શ્રીગંગાનગરના રાધેશ્યામ ગંગાનગર, સુજનગઢના રામેશ્વર ભાટી, વિરાટનગરના કુલદીપ ધાકડ, ફુલેરાના ડીડી કુમાવત, શ્રીડુંગરગઢના કિસનરામ નાઈ અને ડુંગરપુરના અનિતા કટારાને પણ ભાજપે બહારનો દરવાજો દેખાડી દીધો હતો.

અગાઉ કોંગ્રેસ અને ભાજપ તેમના બળવાખોર નેતાઓને ઉમેદવારી પરત ખેંડવા મનાવવામાં સફ‌ળ રહ્યા હતા પરંતુ કેટલાક નેતાઓએ હઠાગ્રહ છોડ્યો નહતો અને પક્ષના વિરોધમાં અવાજ ઉઠાવતા તેમની વિરુદ્ધ આકરા પગલાં લેવાની પાર્ટીને ફરજ પડી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે અત્યાર સુધી તેમનું ધાર્યું કરાવવામાં સફળ થયા છે જેને પગલે પ્રદેશ ભાજપમાં કેટલાક લોકો રાજેની મનમાનીથી અકળાયા છે અને ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here