મુંબઈ હુમલો: આરોપીઓની જાણકારી આપનારને ૩પ.પ કરોડનું ઈનામ આપવાની અમેરિકાની જાહેરાત

0
1047

વોશિંગ્ટન: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ર૬ નવેમ્બર, ર૦૦૮ના દિવસે થયેલા આતંકી હુમલાની આજે ૧૦મી વરસી છે. આ ચોંકાવનારા ઘટનાક્રમમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના ૧૦ આતંકીઓએ એકસાથે અનેક સ્થળે હુમલો કરીને ૧૬૬ લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં અમેરિકી નાગરિક પણ સામેલ હતા. હવે ૧૦ વર્ષ બાદ અમેરિકાએ મુંબઈ આતંકી હુમલાના આરોપીઓની જાણકારી આપનારને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ મુંબઈ હુમલાના આરોપી આતંકીઓ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી આપનારને આશરે રૂ.૩પ.પ કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોમ્પિયોએ જણાવ્યું કે મુંબઈ આતંકી હમુલાના ષડ્યંત્ર સાથે સંકળાયેલા આરોપીઓ હાફિઝ સઈદ, ઝકીર-ઉર-રહેમાન લખવીને પકડાવનારને પ૦ લાખ ડોલર (અંદાજે ૩પ.પ કરોડ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે.
અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું કે આતંકી હુમલાના ૧૦ વર્ષ બાદ પણ ગુનોગારો પકડાય નહીં અને તેમને સજા ન મળે તે તમામ પીડિતોનું અપમાન છે. તમામ દેશો ખાસ કરીને પાકિસ્તાનની જવાબદારી છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રસ્તાવ હેથળ આ હુમલાના તમામ દોષીઓને સજા અપાવે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલો આતંકી હુમલો લગભગ ૬૦ કલાક સુધી ચાલ્યો હતો. આ હુમલામાં ૩૦૦થી પણ વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેના કારણે એક તબક્કે ભારત અને પાકિસ્તાન યુદ્ધની દિશામાં આગળ વધી ગયા હતા.
આજે મુંબઈ હુમલાની દસમી વરસી છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે મૃતકો અને શહીદોને યાદ કર્યા હતા. તેમણે ‌િટ્વટ કરીને જણાવ્યું કે આજથી દસ વર્ષ પહેલાં મુંબઈમાં થયેલા આતંકી હુમલાથી પીડિત વ્યક્તિઓ અને પરિવારોને અમે યાદ કરીએ છીએ. પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસ અને સુરક્ષાકર્મીઓને અમારા નમન. ન્યાયને સુનિશ્ચિત કરવા અને આતંકવાદને પરાસ્ત કરવા માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
મુંબઈ હુમલામાં શહીદ થયેલા જવાનોને અને મૃતકોને દેશ દર વર્ષે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. આ વખતે પણ મુંબઈમાં મેરેથોન સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે એક કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.
મુંબઈનો આતંકી હુમલો ભારતના ઈતિહાસનો સૌથી મોટો એટેક ગણાય છે. ર૦૦૮ની ર૬ નવેમ્બરે આધુનિક હથિયારોના જથ્થા સાથે લશ્કર-એ-તોઈબાના ૧૦ આતંકીઓ કરાચીથી સમુદ્રના રસ્તે નૌકા દ્વારા મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી), હોટેલ તાજ, હોટલ ટ્રાઈડેન્ટ અને એક યહૂદી કેન્દ્રને નિશાન બનાવ્યા હતા. આ તમામ મુંબઈના સૌથી અગત્યના અને જાણીતા સ્થળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here