રાજસ્થાન ચૂંટણી જંગ: 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના રિપીટ ઉમેદવારોની ટક્કર

0
989

એજન્સી, જયપુર:

રાજસ્થાનમાં આગામી 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની 200 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જો કે નવાઈની વાત એ છે કે 2013માં વિધાનસભા ચૂંટણી લડ્યા હોય એવા 33 રિપીટ ઉમેદવારો વચ્ચે આ વર્ષે પણ જંગ જોવા મળશે. બન્ને પક્ષોએ 43 બેઠકો પર પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ ઉપરાંત 124બેઠકો પરથી બન્ને રાષ્ટ્રીય પક્ષોએ આગામી વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારો પર દાવ ખેલ્યો છે.

33 બેઠકો પૈકી 29 ઉમેદવારો ભાજપના વર્તમાન ધારાસભ્યો છે જ્યારે ચાર કોંગ્રેસના ધારાસભ્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતનો પણ સમાવેશ થાય છે. કરનપુર વિધાનસભા બેઠક પરથી ખાણ મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ અને પૂર્વ કોંગ્રેસ મંત્રી ગુરમીત સિંહ વચ્ચે ટક્કર જામશે. 2013માં ગુરમીત પાલનો 3,853 મતથી પરાજય થયો હતો. હનુમાનગઢ બેઠક પર પાણી પુરવઠા મંત્રી રામ પ્રતાપ અને કોંગ્રેસના ઉમેદવાર વિનોદ ચૌધરી વચ્ચે સીધી સ્પર્ધા થશે. ચૌધરી ગત વિધાનસભામાં 30,487 મતોથી હાર્યા હતા તેમ છતા કોંગ્રેસે આ વખતે તેમને રિપીટ કર્યા છે.

પૂર્વ કોંગ્રેસી મંત્રી રાજેન્દ્ર પરીખ સિકરમાં ભાજપના રતન લાલ જલંધરી સામે ટકરાશે. સિકર બેઠક પરથી ભાજપના ઉમેદવારનો 2013માં 13,015 મતોથી વિજય થયો હતો. આ બેઠક પર લોકતાંત્રિક દલના વાહિદ ચૌહાણ પણ લડી રહ્યા હોવાથી ત્રિકોણીયો જંગ જોવા મળશે.

પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપના ઉમેદવાહ જાબર સિંહ ખારા શ્રીમાધોપુર બેઠક પરથી ચૂંટણી જંગમાં ટકરાશે. જ્યારે ચોમુ બેઠક પર ભાજપના રામ લાલ શર્મા અને કોંગ્રેસના ભગદવાન સહાહી સૈની વચ્ચે મુકાબલો રહેશે. 2013માં શર્મા આ બેઠક 44,473ની લીડથી જીત્યા હતા.

જયપુર બેઠકથી સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રી અરુણ ચતુર્વેદીનો મુકાબલો ગત ટર્મની જેમ કોંગ્રેસના પ્રાપ્તા સિંહ કચ્ચરિયાવાસ સાથે થશે. માલવિયા નગરમાં સ્વાસ્થ્ય મંત્રી કાલિચરણ સરાફ અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અર્ચના શર્મા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે.

કોંગ્રેસના શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ઉમેદવારો રિપીટ છે પરંતુ લોકો 7 ડિસેમ્બરના કોંગ્રેસને મત આપશે કારણ કે લોકોમાં વર્તમાન સરકાર પ્રત્યે ભારોભાર આક્રોશ છે. રાજે સરકાર પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આક્ષેપો છે અને લોકો કોંગ્રેસની તરફ છે.’

આ ઉપરાંત એસસી અનામત બેઠક પર ભાજપે સીટિંગ ધારાસભ્ય મંજૂ ભાગમરને રીપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે પણ મંજૂ દેવીને ફરી ટિકિટ આપી છે. રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં 189 મહિલા ઉમેદવારો સહિત કુલ 2,294 ઉમેદવારોનું ભાવિ 7 ડિસેમ્બરના ઈવીએમમાં સીલ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here