સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા

0
1157

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૩૫ મીટર ઊંચાઈએ આવેલી દ્રશ્ય ગેલેરી-અનોખું નઝરાણું
  • સ્વયંસંચાલિત આઠ પથ-પાયામાં ફેલાયેલું અદ્યતન પ્રદર્શન અને શ્રેષ્ઠ ભારત ભવન

   બનશે આકર્ષણના કેન્દ્રો

  • સ્ટેચ્યુના નિર્માણમાં ૭૦ હજાર ટન સિમેન્ટ, ૨૪ હજાર ટન સ્ટીલ અને ૧૭૦૦ મે. ટન કાંસુ

   વપરાયું છે

.. .. .. .. .. ..

આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એકસૂત્રે બાંધીને પોતાના શક્તિ-સામર્થ્યનો વિશ્વને પરિચય આપનારા લોહપુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ના નિર્માણ દ્વારા વિરલ વ્યક્તિને ગુજરાતે વૈશ્વિક ઓળખ આપી છે. આ સ્મારકના નિર્માણથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાના નિર્માણનો સંકલ્પ સાકાર થયો છે.

વિશ્વની સૌથી ઊંચી એવી કાંસ્ય આચ્છાદિત પ્રતિમાની ઊંચાઈ ૧૮૨ મીટર છે. સરદાર સરોવર પ્રોજેક્ટથી માંડીને આસપાસનો કુદરતનો શ્રેષ્ઠ નજારો નિહાળી શકાય તે માટે આ પ્રતિમામાં ૧૩૫ મીટરની ઊંચાઈએ ૨૦૦ વ્યક્તિઓને સમાવતી દ્રશ્ય ગેલેરીનું પણ નિર્માણ કરાયું છે. પ્રતિમાની અંદર દ્રશ્ય ગેલેરી સુધી જવા માટે એક મીનીટમાં ૨૪૦ મીટરની ઝડપથી ઊંચે ચડતી ૨૪ વ્યક્તિઓને સમાવતી અતિ ઝડપી એવી બે લિફ્ટનું નિર્માણ કરાયું છે. દ્રશ્ય ગેલેરી મુલાકાતીઓ માટે અતિ રોમાંચક ક્ષણ બની રહેશે.

 

આ સ્મારકના પાયામાં ૪,૬૪૭ ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલું વિશાળ અને અદ્યતન પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત આ પરિસરમાં આઠ સ્વયં સંચાલિત પથ હશે અને એક એપ્રોચ બ્રિજ પણ હશે. આ ઉપરાંત આ સંકુલની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે ૨૬૪ની બેઠક ક્ષમતા ધરાવતા કાફેટેરિયાની સુવિધા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં દેશના પ્રત્યેક રાજયને સાંકળી લેવામાં આવશે. ત્રણ તારક હોટેલની પણ અહીં સુવિધા ઊભી થશે.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવા આ સ્મારકના નિર્માણમાં ૭૦ હજાર ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૮,૫૦૦ ટન રિ-ઈન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૬૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. જયારે સ્ટેચ્યુના નિર્માણમાં ૧૭૦૦ મેટ્રીક ટન કાંસુ પણ વાપરવામાં આવ્યું છે.

આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે ૨૫૦ ઈજનેરો અને ૩૭૦૦ કારીગરોએ દિવસ-રાત કામ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૪મી જન્મજયંતિએ આ સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે સમગ્ર વિશ્વમાં સરદાર પટેલની આ સૌથી ઊંચી પ્રતિમા એકતા, અખંડિતતા અને શાંતિ માટે વૈશ્વિક પ્રેરણારૂપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here