૨૦૫ કરોડના ત્રણ પુલો સહિત રૂા.૬.૭૭ કરોડના નવનિર્મિત અતિથિ ગૃહનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

0
1109

રૂા. ૨૦૫ કરોડના ત્રણ પુલો સહિત રૂા.૬.૭૭ કરોડના નવનિર્મિત
અતિથિ ગૃહનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

આગામી દિવસોમાં રૂા.૨૨૫ કરોડનાં ખર્ચે માસર ખાતે નવા પુલ સહિત
૪૫ કરોડના ખર્ચે ગરૂડેશ્વર ખાતે નવો પુલ બનશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વપર્ણ પૂર્વે નર્મદા જિલ્લાને મળી માર્ગ/પુલોની વિકાસ કાર્યોની ભેટ

રાજપીપળા ખાતે વિકાસ કાર્યોનાં લોકાર્પણ સમારોહ દરમિયાન નર્મદા જિલ્લા સહિત રાજપીપળા અને કેવડીયાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને કારણે આજે વૈશ્વિક ઓળખ મળી ચૂકી છે. તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે અહીં આવનાર વિશ્વભરનાં પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારના જાગૃત પદાધિકારીઓની સરાહના કરતાં, શ્રી નીતિનભાઇ પટેલે આદિવાસી પ્રજાજનોને ગુમરાહ કરીને તેમને ગેરમાર્ગે દોરનારા તત્વોને જડબાતોડ જવાબ આપતાં વિકાસ કાર્યોની હંમેશા ટીકા કરતા તત્વો વિકાસને સાંખી નથી શકતા તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે આગામી થોડા સમયમાં જ નર્મદા જિલ્લાની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવશે. ત્યારે અહીં વિદેશી હુંડીયામણ સાથે સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર પ્રોજેકટ સમગ્ર આદિવાસી વિસ્તારની કાયાપલટ કરશે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્થાનિક જરૂરીયાતનાં તમામે તમામ વિકાસ કાર્યો રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયા છે તેમ જણાવ્યું હતું. એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં નિર્માણમાં અનોખુ યોગદાન આપનારા સરદાર સાહેબનાં પ્રયાસોની ઝાંખી કરાવતા શ્રી પટેલે, ૫૯૨ દેશી રજવાડાઓને એક કરવાનું ભગિરથ કાર્ય સરદાર સાહેબે કર્યું છે તેમ ઉમેર્યું હતું.

દેશની એકતા અને અખંડતીતાને આવનારી પેઢી અને દુનિયા હજારો વર્ષ સુધી યાદ રાખે તે માટે એકતાની આ વિરાટ પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વિશ્વાર્પણ થઇ રહયું છે. જે આ પ્રદેશ માટે વિકાસના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું.

સ્થાનિક આદિવાસી ખેડૂતો, જમીનદારોને યોગ્ય વળતર અથવા જમીનની સામે જમીન આપીને તેમને વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવ્યાં છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આદિવાસીઓના નામે જુઠ્ઠાણાં ચલાવતા તત્વોને ગુજરાત અને દેશ વિરોધી કૃત્ય કરનારાઓનું આ ષડયંત્ર છે, તેમ જણાવ્યું હતું.

જાગૃત આદિવાસી નેતાઓ પ્રજાજનોની સેવા માટે સેતુંનું કામ કરી રહયાં છે, ત્યારે વિકાસને જોઇને ગાંડા થતાં આવા તત્વોને ગુજરાતમાં સ્વયં આવીને ગુજરાતનો સાચો વિકાસ નજરો નજર જોવાનો પણ અનુરોધ કર્યો હતો.

દેશના ખેડૂતો માટે અનેક સત્યાગ્રહો કરીને ખેડૂતો માટે જીવનપર્યંત લડત ચલાવનારા સરદાર સાહેબના જીવનમાંથી ભાવિ પેઢી હંમેશા પ્રેરણા મેળવતી રહેશે, તેમ જણાવતાં ભરુચના સંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાંથી સ્થાનિક ગ્રામજનો ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં છે, ત્યારે અહીં સર્જનારી રોજગારીની તકોને કારણે નર્મદા જિલ્લાની કાયાપલટ થશે તેમ જણાવ્યું હતું.

નર્મદા જેવા આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રો પણ અનેક કાર્યો કરનારી રાજય અને કેન્દ્ર સરકારનો વિકાસ કાર્યોનો વિરોધ કરનારાઓને ઇંટનો જવાબ પત્થરથી આપવાનો સમય પાકી ગયો છે, તેમ જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યેનકેન પ્રકારે વિરોધ કરનારા તત્વોને સમાજ હીતના તેઓ શત્રુ છે તેમ જણાવી શ્રી મનસુખભાઇ વસાવાએ આદિવાસીઓ વિકાસની સાથે કદમ તાલ મેળવી રહયાં છે જેથી તેમને ભરમાવાનો કોઇ કારસો ફાવવાનો નથી તેમ પણ ઉમેર્યું હતું.

જે વિસ્થાપિતો નથી તેવા લોકો વિસ્થાપિતના નામે લોકોને ભરમાવવાનું કામ કરી રહયાં છે તેમ જણાવતાં છોટાઉદેપુરના સાંસદ શ્રી રામસિંગ રાઠવાએ સ્થાનિક પ્રજાજનો સરદાર સરોવર પ્રોજેકટને કારણે બે પાંદડે થયા છે. ત્યારે વિકાસના કાર્યોમાં વિધ્ન નાખનારા આવા તત્વોને પ્રજાજનો સારી રીતે ઓળખી ગયા છે તેમ જણાવ્યું હતું.

વિશ્વ કક્ષાએ ખ્યાતનામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વૈશ્વિક પર્યટનનો લાભ, સ્થાનિક રહીશો નાના મોટા ઉદ્યોગ-ધંધાથી લઇ શકે તેમ છે તેમ જણાવ્યું હતું. શ્રી રાઠવાએ સત્ય પરેશાન હો સકતા હે, પરાજીત નહીં તેમ પણ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની પૂર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઇ-તિલકવાડા-દેવલીયા રાષ્ટ્ર ધોરી માર્ગના ઓરસંગ અને અશ્વિની નદી ઉપરના બે મોટા પુલો સહિત ગરૂડેશ્વર-કેવડીયા કોલોની રાજય ધોરી માર્ગના ગબાના ખાડી પરના મોટા પુલ સહિત કુલ ૪૪.૨૦ કિલોમીટરના ચાર માર્ગીયકરણના રૂા.૨૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.

રૂા.૨૨૫ કરોડના ખર્ચે માનસર ખાતે પુલનું કામ મંજુર થયું છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગરૂડેશ્વર ખાતે પણ રૂા. ૪૫ કરોડના ખર્ચે અન્ય એક નવો પુલ મંજૂર કરાયો છે તેમ જણાવ્યું હતું

સાથે સાથે રાજપીપળા ખાતે રૂા. ૬ કરોડ ૭૭ લાખના ખર્ચે તૈયાર થયેલા નવર્નિર્મિત અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા નવનિર્મિત વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે તેમની સાથે ભરૂચના સંસદ શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રી રામસીંગ રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી શૈલેષ મહેત-ડભોઇ, અભેસીંગ તડવી-સંખેડા, પ્રવાસન નિગમના ડીરેકટર શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, માજી મંત્રીશ્રી શબ્દશરણ તડવી, પૂર્વ ધારાસભ્યોશ્રી સી.એમ.પટેલ,બાલકૃષ્ણભાઇ-ડભોઇ, મોતીભાઇ વસાવા, વિપક્ષના નેતા શ્રી કિરણભાઇ વસાવા, હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો શ્રી ભરતસિંહ પરમાર, ભારતીબેન તડવી, રંજનબેન ગોહિલ, સુનિલ પટેલ, જયંતિ તડવી, ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી સી.બી.વસાવા, વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here