0
1459

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીથી લઇ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીએ 17 વર્ષના સીએમ અને પીએમ કાર્યકાળ દરમિયાન પોતાને મળેલી ભેટ-સોગાદો ક્યારેય ઘરે લઇ ગયા નથી. પરંતુ આ ભેટ-સોગાદોની જાહેર હરાજી કરીને તેમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરી રહ્યા છે. આ અગાઉ 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સમારંભોમાં મળેલી ભેટોની હરાજી કરીને તેમાંથી મળેલા નાણાં ગુજરાતની કન્યાઓની કેળવણી માટે ફાળવી દીધા હતા. નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યાના સાડાચાર વર્ષમાં તેમને મળેલી ભેટોની પણ હરાજી કરીને લોક કલ્યાણ માટે નાણાં વાપરવાનો નિર્ણય કર્યો છે. આમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી શરૂ કરેલી આ પહેલા દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ ચાલુ રાખી છે. જેથી કહી શકાય કે, દેશમાં હજુ પણ ‘ગુજરાત મોડલ’નો પ્રયોગ ચાલુ રાખવામાં આવ્યો છે.

  • મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ભેટ-સોગાદોમાંથી 19 કરોડ એકઠા કર્યા હતા

    ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નવેમ્બર– 2001થી 2014 સુધીમાં 13 વખત નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટેના આ પ્રેરક સંકલ્પ તરીકે કુલ મળીને 15,464 ભેટસોગાદો જમા કરાવી અને તેની હરાજીમાંથી રૂ.18 કરોડ 91 લાખ જેટલું માતબર ભંડોળ મેળવ્યું હતું.

    સોના-ચાંદીની જ 103 જેટલી ભેટ-સોગાદો હતી

    ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીને મળેલી 3064 ભેટ-સોગાદોમાં ચાંદીના કડાં સહીત ચાંદી– સોનાની મૂર્તિઓ, કલાકૃતિઓ, કલામય રથ, ધાતુની અનન્ય કલાકૃતિઓ, ઘડિયાળો, સ્મૃતિભેટો અને ચંદ્રકો, કાષ્ટ કલાકૃતિઓ, શાલ–પાઘડીઓ, કલા છત્રીઓ, સિક્કા,અવનવી ફોટોફ્રેમ, તલવારો અને તીરકામઠા, આદિવાસી અને અન્ય કોમના પરંપરાગત વસ્ત્રો સહીતની અનેક આકર્ષક ભેટ-સોગાદો હતી. જેમાં સોના-ચાંદીની જ 103 જેટલી ભેટ-સોગાદો હતી.

    વડાપ્રધાન તરીકે 4 વર્ષમાં મળેલી 1900 ગિફ્ટની ઓનલાઈન થશે હરાજી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 વર્ષમાં મળેલી 1900 ગિફ્ટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમાં પાઘડી, હાફ જેકેટ અને શાલ જ નહીં, પરંતુ રામજીનું ધનુષ અને હનુમાનજીની ગદા પણ સામેલ છે. પાઘડીની હરાજી રૂ. 800થી શરૂ થશે જ્યારે શાલની કિંમત રૂ. 500થી શરૂ થશે. સૌથી મોંઘી સરદાર વલ્લભભાઈ પટેલની મેટાલિક મૂર્તિ છે. તેની હરાજીની કિંમત રૂ. 10,000થી શરૂ થશે, જ્યારે એક જ દોરામાંથી બનેલી ફ્રેમ પેન્ટિંગની હરાજી રૂ. 5000થી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here