14 વર્ષ બાદ પલ્મોનરી ડિસીઝની નેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે

0
1183

14 વર્ષ બાદ પલ્મોનરી ડિસીઝની નેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે

વિશ્વના જુદા-જુદા દેશોમાંથી 60 તબીબો તેમજ ભારતના 400 એક્સપર્ટ હાજર રહેશે તદઉપરાંત ૩૦૦૦ થી વધારે તબીબો આ કોન્ફરન્સ માં ભાગ લેશે.

તબીબો તેમજ તબીબી વિદ્યાર્થિઓના નવા સંશોધનોને પ્રાધાન્ય આપવાનો મુખ્ય હેતુ

20મી નેશનલ કોન્ફરન્સ ઓન પલ્મોનરી ડિસીઝ , (નેપકોન ૨૦૧૮) અમદાવાદમાં 14 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ દેશોમાંથી 60 તબીબો સહિત ભારતના 400 એકસપર્ટ્સ હાજર રહેશે. જેઓ તબીબી વિદ્યાર્થિઓને ફેફસાના વિવિધ રોગો અંગે જ્ઞાન પૂરું પાડશે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ નવા સંશોધનોને પ્રાધાન્ય આપવાનો રહેશે. 29મી નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી આ કોન્ફરન્સ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં ભારતભરમાંથી 3100 તબીબો તેમજ તબીબો-વિદ્યાર્થિઓ ભાગ લેવા માટે આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ તબીબો પોતે કરેલા સંશોધનો રજૂ કરશે અને કેવી રીતે નવા નવા સંશોધનો કરી શકાય તે અંગેની માહિતી પૂરી પાડશે.

ચાર  દિવસની આ કોન્ફરન્સમાં 19 વર્કશોપ યોજવામાં આવશે. જેમાં ટીબી, લંગ કેન્સર, ક્રિટીકલ કેર, એલર્જી, રિસર્ચ, બાળકોના રોગ, ફેફસાના જુદા જુદા રોગો સહિતના મુદ્દાઓ પર રસપ્રદ અને મહત્ત્વની જાણકારી નિષ્ણાંત તબીબો દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોને ફેફસાના રોગ અંગે કેવી રીતે જાગૃત કરી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવશે. આ અંગે નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિજીશીયનના પ્રેસિડેન્ટ ડો. રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 19 વર્ષથી આ કોન્ફરન્સ દેશના જુદા જુદા ભાગોમાં યોજાઇ રહી છે. અગાઉ 2004માં અમદાવાદમાં આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 વર્ષ બાદ આ વર્ષે 20મી કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાશે.

 

આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ નવા સંશોધનોને પ્રેરણા આપવાનો તેમજ નવા સંશોધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની જાણકારી આપવાનો છે. જ્યારે બીજો હેતુ ક્લીન એર, હેલ્ધી એન્વાયરમેન્ટ અને હેલ્ધી લાઇફ પણ છે. કોન્ફરન્સમાં ધુમ્રપાન છોડાવવા માટે ના ઉપાયો વિષે પણ જાણકારી આપવામાં આવશે  જેમાં ઈ-સિગારેટ પણ નુકશાનકારક છે કે નહીં તેના પર ડિબેટ યોજવામાં આવશે તથા સિગારેટથી થતા નુકશાનો અંગેની જાણકારી આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા ઓસ્ટ્રેલીયા, તુર્કી, યુએસએ, જર્મની, યુકે સહિતના દેશોનો નિષ્ણાંત તબીબો પણ હાજર રહેશે જે પોતાના અનુભવો રજૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here