મે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…

0
704

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન દશૅન અણમોલ છે.આગમકાર ભગવંતોએ એટલું વિપુલ સાહિત્ય આપેલું છે કે કોઈપણ પ્રસંગ કે ઘટના આગમના માધ્યમથી ઉજાગર કરી શકાય છે.ચિલ્ડ્રન્સ ડે આવે ત્યારે નાના બાલૂડા અયવંતાની યશોગાથા વણૅવાય.મધસૅ ડે છે તો ચાલો પ્રસ્તુત વિષય ઉપર ચિંતન કરીએ.

‘ મા ‘ અને તેના ઉપકારો વિશે અનેક વિદ્ગાન ચિંતકો,લેખકો,સાહિત્યકારો,કવિઓ સહિત અનેક લોકોએ દુહા,છંદ,કાવ્ય અને લેખો દ્રારા મમતાળુ મા નો અનેરો મહિમા વણૅવ્યો છે.કવિ દુલા કાગ કહે છે…

” ભક્તિ થકી તો ભજતા મહેશ્ર્વર આવી મળે,
ન મળે એક જ મા, કોઈ ઉપાયે કાગડા “.

એમ કહેવાય છે કે ” મા ” નો અથૅ દુનિયાની બધી જ ભાષાઓમાં ” મા ” જ થાય છે. માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે મા નો ફાળો અમૂલ્ય છે.ચીં…ચીં…કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે. અંગ્રેજીનું ખૂબ સરસ વાક્ય છે…ગોડ કુડ નોટ બી એવરીવેર,ધેરફોર હી મેઈડ મધસૅ.” કવિ બાલમુકન્દ દવેએ પણ આ જ વાત કરી કે ” ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય તેથી તેણે માતાનું સજૅન કર્યુ હશે.”

કયારેક અચાનક ઠેસ વાગે ને તો સૌથી પહેલાં મા યાદ આવે.એ..’મા’ બોલાય જાય.એટલે જ કવિ કહે છે… અણધાયૉ આવી ઘટમાં દુઃખના ઘા,નાભિથી વેણ નીકળે,મોઢે આવે મા”.આઠ – દશ વષૅના એક બાળકની માતાનું અચાનક અવસાન થતાં નિર્દોષ બાળક બોલી ઉઠ્યો…મારા માટે તો આખા જગતનું મૃત્યુ થઈ ગયું છે.બાળક કહે છે…હવે કોણ મારી શાંતિથી, પ્રેમથી,વાત્સલ્યથી,સ્નેહથી સાર સંભાળ લેશે ? હવે કોણ કહેશે કે બેટા તું જમ્યો ? એટલે જ કહેવાય છે કે પિતાને ભલે “ઘરનો મોભ ” કહેવાય પરંતુ “ઘરનું છાપરૂ અને છજ્જુ “તો માત્ર માતા જ બની શકે.

કાઠીયાવાડની બહેનો વહેલી સવારના કવિ શ્રી બોટાદકરની પંક્તિ લલકારતી સાંભળવા મળે છે… મીઠા મધુ ને મીઠા મેહૂલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.

જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યું કે જગતમાં ત્રણનો ઉપકાર કદી વાળી શકાતો નથી તેમાં જન્મદાત્રી માતાને પ્રથમ સ્થાન આપેલું છે. મધસૅ ડે હોય અને માતા ત્રિશલાના ઉપકારને કેમ વિસરી શકાય ? તારક તીથઁકર ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરને પોતાની કૂખે જન્મ દેનારી રત્નકુક્ષિણી ત્રિશલા માતાનો ઉપકાર જિન શાસન ઉપર અનંતો છે.”ત્રિશલા માતા એટલે વાત્સલ્યની મૂર્તી”.પોતાના ગભૅમાં રહેલા બાળકનું હલન – ચલન થોડી વાર માટે સ્થિર થતાં જ માતા ત્રિશલા ચિંતીત બને છે કે મારા બાળકને કાંઈ થયું તો નહીં હોય ને ? પ્રભુ મહાવીરની પ્રથમ માતા દેવાનંદા મોક્ષમાં અને માતા ત્રિશલા બારમા દેવલોકે બીરાજમાન છે.ગભૅથી લઈને પોતે જીવે ત્યાં સુધી પોતાના બાળકોની ખેવના કરે તેને મા કહેવાય . ” ભૂલો ભલે બીજું બધું, મા – બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના ,એહ વિસરશો નહીં.” રાજકોટના આરતીબેન ડેલીવાળા ( ખારા )ખૂબ જ સુંદર સ્તવન સંભળાવે છે…યાદ આવે મારી મા,યાદ આવે મારી મા,

નાની હતી ત્યારે લાડ લડાવતી,મુખમાં માખણ દેતી,
ગોઠણભેર ચાલતા પડી જાઉ તો,દોડીને કાખમા તેડી લેતી”.

ઈતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે ધન્ય છે ભગવાન શ્રી રામની માતા કૌશલ્યાને,શ્રી કૃષ્ણની માતા જશોદાને,અર્જુનની માતા કુંતીને,વિવેકાનંદજીની માતા ભુવનેશ્ર્વરીને,ગાંધીજીની માતા પુતળીબાઈને..હા શિવાજીની માતા જીજાબાઈને કેમ ભૂલાઈ !શિવાજીને નિંદરુ ના આવે,માતા જીજાબાઈ બાળ ઝૂલાવે.આજે પણ એવી ઘણી માતાઓ છે કે પોતાના વ્હાલસોયા સંતાનોને પારણામાં જ સાધુ વંદના,રત્નાકર પચ્ચીસી સંભળાવતા હોય છે.
મધસૅ ડે અવસરે જગતની સવૅ માતાઓને ભાવપૂવૅકના વંદન.

” મા ” વિશેની થોડી અમૃત કણિકાઓનું રસપાન કરીએ….
@ જેને ન આપી શકાય કોઈ ઉપમા તે ” મા “.
@ પ્રેમને સાકાર થવાનું મન થયું ને ” મા ” નું સજૅન થયું.
@ શબ્દકોષમાં કદાચ “મા” નો શબ્દાથૅ મળશે પરંતુ ભાવાથૅ તો હ્રદયકોષમાં જ મળશે.
@ કહેવાય છે કે બધા જ તીર્થોની શરૂઆત “મા” ના ચરણોથી થાય છે.
@ ભગવાનને ભજવાથી ” મા ” મળતી નથી પરંતુ ” મા ” ને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે.
@ ” મા ” એક એવી ઋતુ છે કે જેને કદી પાનખર આવતી નથી.
@ એક માતા સો શિક્ષકની ગરજ સારે.
@ “મા ” અને “ક્ષમા ” બંને એક છે કેમ કે માફી આપવામાં બંને નેક છે.
@ “મા ” એટલે વ્હાલ ભરેલ વીરડો અને મંદિર કેરો દિવડો.
@ મા તે મા બીજા બધા વગડાના વા.
@ વોટ ઈઝ હોમ વીધાઉટ મધર ?
@ માતાનું હ્રદય બાળકની પાઠશાળા છે.
@ માતા એ તો “જગતની શાતા” છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here