અયોધ્યામાં હિન્દુ સંગઠનોનો ‘કુંભમેળો’: અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગઈ રામનગરી

0
1154

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) રવિવારે ધર્મસભાનું આયોજન કરી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આજે રામનગરી અયોધ્યામાં પહોંચવાના છે. દેશભરનાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને સાધુ-સંતો ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યામાં એકઠા થઈ રહ્યા છે ત્યારે ૧૯૯રની જેમ સ્થિતિ ન વણસે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર હાઈ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરીને રામનગરીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ૩૦ એસપી, ૧૬૦ ઈન્સ્પેક્ટર, ૧૭પ હેડ કોન્સ્ટેબલ, ૧૩પ૦ કોન્સ્ટેબલ, પીએસીની ૪૮ કંપનીઓ, આરએએફની નવ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એટીએસના કમાન્ડો અયોધ્યાના સંવેદનશીલ વિસ્તારોને કોર્ડન કરી સુરક્ષા પૂરી પાડશે અને ર૪ કલાક ‘રાઉન્ડ ધ ક્લોક’ ડ્રોન કેમેરાથી વોચ રાખવામાં આવશે. તંત્રએ સમગ્ર વિસ્તારને આઠ ઝોન અને ૧૬ સેક્ટરમાં વહેંચી દીધો છે.
ઉદ્ધવ ઠાકરે આજે બપોરે બે વાગ્યે છત્રપ‌િત શિવાજીના જન્મસ્થાનની માટી લઈને અયોધ્યા પહોંચશે. ઠાકરેના આગમન પહેલાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી શિવસેનાના કાર્યકરો ઘણી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વીએચપીએ પણ તેના સમર્થકો અને કાર્યકરોને અયોધ્યા પહોંચવાની અપીલ કરી છે. વીએચપી કેન્દ્રની મોદી સરકાર પર રામમંદિર નિર્માણના મુદ્દે ભારે દબાણ ઊભું કરવા ઈચ્છે છે અને આ માટે જ આ અભૂતપૂર્વ શક્તિપ્રદર્શનને સફળ બનાવવા તેમણે કમર કસી લીધી છે.
ઉદ્ધવ ઠાકરે રામમંદિર નિર્માણની હાકલ કરવા આજે બપોરે અયોધ્યા આવી પહોંચશે અને પૂજારીઓ તથા સાધુ-સંતો સાથે બેઠક કરશે. તેઓ રામલલ્લાનાં દર્શન કરીને સરયૂ કિનારે પૂજા-અર્ચના પણ કરશે. તેમનું કહેવું છે કે લોકસભા ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ જવો જોઈએ.
સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે જણાવ્યું કે રામમંદિર વિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને ભાજપને દેશની સર્વોચ્ચ અદાલત કે બંધારણમાં વિશ્વાસ નથી. તે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દરમિયાનગીરી કરીને અયોધ્યામાં સેનાને તહેનાત કરવી જોઈએ અને સ્થિતિ ન બગડે તે માટે તંત્રને ખાસ આદેશ આપવા જોઈએ. બીજી તરફ કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સીતારમને અખિલેશના નિવેદન પર કહ્યું કે હાલ અયોધ્યામાં શાતિપૂર્ણ માહોલ છે અને સેનાને તહેનાત કરવાની કોઈ જરૂર અમને લાગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here