ગીરઃ સિંહોને હિંસક બનાવવામાં જંગલ ખાતાંની જંગાલિયત પર શંકા

0
1083

દેવળિયા પાર્કમાં ડાલામથ્થાંની ડણક નામશેષ; હવે સિંહણ અને બચ્ચાં જ જોવા મળશે
પીઢ, નિવૃત કર્મચારીઓ કહે છે, સિંહોને કલાકો સુધી એક સ્થળે પરાણે બેસાડી રખાય છે, પાણી પીવા પણ નથી જવા દેવાતા

સાસણ નજીક આવેલા વિશ્વ વિખ્યાત દેવળીયા સફારી પાર્કમાં ગુરૂવારે બનેલી ઘટનાએ સમગ્ર વનતંત્રને હચમચાવી દીધું હતું. બે સિંહોએ એક વનકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો અને અન્ય બેને ઘાયલ કરી દીધા હતા. ગૌરવ અને ગૌતમ નામના બંને સિંહને તો પાંજરે પૂરી દેવામાં આવ્યા છે પરંતુ બે સિંહણ હજુ ધૂંધવાયેલી હોવાનો ખતરાસૂચક ઘટસ્ફોટ થયો છે.

વનવિભાગ ભલે પોતાની ભૂલ સ્વીકારતું નથી પરંતુ આ બનાવમાં વારંવારની રંજાડ અને સિંહોને પૂરતો ખોરાક લેવાનો સમય નથી મળતો તેવા કારણોસર સિંહો છછેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ નજરે જોનારના કહેવા મુજબ રજનીશને એક સિંહ ઢુવામાં ખેંચી ગયો હતો, બાદમાં ત્યાં હાજર અન્ય એક સિંહ એટલે ગૌરવ અને ગૌતમ ( સિંહની જોડી ) ઉપરાંત બે સિંહણ પણ હાજર હતી.

તેણે પણ રજનીશના શરીર ઉપર ડેરો જમાવ્યો હતો. વનવિભાગ એમ જ કહે છે કે બે સિંહની જોડીએ રજનીશે શિકાર કર્યો હતો, પરંતુ શિકાર બાદ બે સિંહણ પણ ત્યાં જ હતી. તો વનવિભાગે બે સિંહને જ કેમ પકડીને સજા કરી છે? બાકીની બે સિંહણે જો માનવ રક્ત ચાખ્યું હશે તો હવે ત્યાં સિંહ દર્શન કરવું પર્યટકો માટે અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે કેટલું સલામત બની રહેશે? કમાણી માટે વનવિભાગની બેદરકારી સામે ન આવે તે માટે ઉચ્ચ અધિકારીઓ આ વાત જાહેર નથી કરતા કે બનાવ સમયે કેટલા જનાવર હાજર હતા.

જો જાહેર કરે તો મોટા ભાગના જનાવરને કેદ કરીને પૂરવા પડે અને તેમ કરવામાં આવે તો દેવળિયાપાર્કમાં સિંહ દર્શન માટે પર્યટકોનો ઘસારો ઓછો થઈ જાય તેમ છે! પરંતુ, નાના કર્મચારીઓના ભોગે આ કેટલું સલામત છે, તેવા સવાલો વનવર્તુળોમાંથી જ ઉપસી રહ્યા છે. અહીં ૧૦ના જૂથમાંથી બંને સિંહ હવે પાંજરામાં છે, માત્ર ચાર સિંહણ અને ચાર બાળસિંહ જ જોવા મળશે.

૧૬ ઓક્ટોબર ૧૯૮૭થી દેવળીયા પાર્કની શરૂઆત થઇ હતી. હુસેનભાઇ નાઈ, ચંપકભાઈ ત્રિવેદી, બાદ સ્વ.ખીમજીભાઈ બેલા વગેરેએ દેવળીયા પાર્કનું વ્યવસ્થાપન કરેલું. તે સમયે સિંહ એકને એક જગ્યાએ બેસી ન રહે, લટાર મારે, પાણી પીવા જાય, તડકો લાગે ત્યારે છાંયડે જઈ બેસે અથવા તો આજુબાજુ નજીકમાં હરે ફરે..તે રીતે તેને મુક્ત રીતે વિહરવા દેવાતા, અને સિંહોને કોઈ પણ પ્રકારની કનડગત ન થાય તેની પુરતી તકેદારી રખાતી હતી.

સિંહે સ્થળાંતર કર્યું હોય તો તે અંગેની જાણ (વાયરલેસ મેસેજ દ્વારા) તત્કાળ કરી અપાતી એટલે પ્રવાસીઓની બસ સ્થળાંતર વાળી જગ્યાએ આવી જતી, અને એ બસ તથા વાહનોને દૂર રાખવામાં આવતા જેથી સિંહોને ખલેલ પરેશાની ન થાય. હવે એવું ધ્યાન નથી રખાતું તેમ જૂના ફોરેસ્ટ કર્મચારીઓનું કહેવુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here