ગુજરાતના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી સૌથી પહેલી કેન્દ્રને સુપ્રત કરાઇ

કોરોના વેકસીન માટે સમગ્ર દેશમાં ગુજરાતના હોમગાર્ડ જવાનોનો અનોખો વિક્રમ હોમગાર્ડ ભવન, લાલદરવાજા ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી : ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો.નીરજા ગોત્રુ, જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવત, અશોક પટેલ, ડિવીઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ સહિતના મહાનુભાવોએ વિશેષ પરેડમાં હાજરી આપી

0
521
હોમગાર્ડ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
હોમગાર્ડ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

અમદાવાદ, તા.૨૬

દેશના ૭૨મા પ્રજાસત્તાક દિન નિમિતે આજે શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા હોમગાર્ડ ભવન ખાતે આજે વિશેષ પરેડ, સલામી, રાષ્ટ્રગાન, મેડલ જાહેરાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો.નીરજા ગોત્રુ, અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવત, અમદાવાદ પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલ, ડિવીઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ, ઉમેશ પરદેશી, દિપક પટેલ સહિતના મહાનુભાવોએ વિશેષ પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સ્ટેટ કમાન્ડન્ટ જનરલ ડો. નીરજા ગોત્રુ અને અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન દરમ્યાન કપરા કાળમાં ડોકટરો, નર્સો, પોલીસ તંત્રની સાથે હોમગાર્ડ જવાનો, જીઆરડી, બોર્ડર વીંગ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ પણ બહુ ઉમદા અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. માનદ્ અને નિષ્કામ સેવા હોવાછતાં હોમગાર્ડ જવાનોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદરૂપ બનવાની સાથે સાથે રાજયના નાગરિકોને અને જરૂરિયાતમંદ લોકોને ખાવા-પીવાની કે આરોગ્ય વિષયક સહિતની અનેકવિધ સેવામાં ખડેપગે સરાહનીય ફરજ બજાવી હતી. હવે ભારત દેશમાં કોરોના વેકસીનની શોધ થઇ ગઇ છે અને તેના રસીકરણની કામગીરી ચાલી રહી છે  ત્યારે સૌથી નોંધનીય અને વિક્રમજનક કહી શકાય એવી બાબત એ છે કે, કોરોના વેકસીનના રસીકરણ માટે સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત અને અમદાવાદના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી અને વિગતો કેન્દ્ર સરકારમાં સુપ્રત કરી દેવાઇ છે. કોરોના વેકસીનના રસીકરણના હવે બીજા તબક્કામાં ફેબ્રુઆરી માસના પ્રારંભિક બે સપ્તાહમાં પોલીસ તંત્રની સાથે સાથે હોમગાર્ડ જવાનોને કોરોના વેકસીનની રસીકરણની કામગીરી હાથ ધરાશે.

ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો.નીરજા ગોત્રુ અને અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવતે વધુમાં જણાવ્યું કે, હોમગાર્ડ જવાનોની સેવા એ એક નિષ્કામ અને નિ:સ્વાર્થ સેવા છે, જે હરહંમેશ પોલીસ તંત્રની સાથે ખભેખભો મિલાવી ફરજમાં તૈનાત રહે છે અને નાગરિકોની સેવા કરવા માટે પણ સદાય તત્પર રહે છે. કોરોના કાળમાં ગુજરાતના ૩૦૦થી વધુ હોમગાર્ડ જવાનો કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમાંથી દસ જવાનોના અકાળે મૃત્યુ નીપજતાં તેઓને રાજય સરકારની જાહેરાત મુજબ, ૨૫-૨૫ લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવાય તેના બહુ અસરકારક પ્રયાસો હાથ ધરાયા હતા, ત્રણ હોમગાર્ડ જવાનોના પરિવારજનોને સહાયની રકમ ચૂકવાઇ ગઇ છે, જયારે બાકીના કિસ્સામાં ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રસંગે અમદાવાદ પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલ અને ડિવીઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હોમગાર્ડ જવાનો માટે વિવિધ યોજનાઓ અને લાભો જાહેર કરાયા છે, તેનો પણ જવાનોએ લાભ લેવો જોઇએ. ખાસ કરીને સ્કીલ્સ પ્રોગ્રામ, આર્થિક લોન સહાય, શિષ્યવૃત્તિ સહિતની બાબતોમાં હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારજનોને સારી મદદ મળી રહે તેમ છે. હોમગાર્ડ જવાનોએ પણ તેમની ફરજમાં સદાય સજાગ અને તત્પર રહેવું જોઇએ કારણ કે, તેમની ફરજ અને કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહેતી હોય છે. એટલા માટે કે, ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ કે, માનવસર્જિત આપદાઓ કે દુર્ઘટનાઓ દરમ્યાન પણ હોમગાર્ડ જવાનો હરહંમેશ ખડેપગે સેવામાં તૈનાત રહી બહુ નોંધનીય, ઉમદા અને સરાહનીય કામગીરી બજાવતા હોય છે.

 

બોક્ષ : હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ અને મુખ્યમંત્રી મેડલની જાહેરાત કરાઇ

લાલ દરવાજા, હોમગાર્ડ ભવનના વિશાળ પટાંગણમાં ઉજવાયેલા ૭૨ મા પ્રજાસત્તાક પર્વ દરમ્યાન આજે ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો.નીરજા ગોત્રુ, અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવત, અમદાવાદ પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલ અને ડિવીઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ દ્વારા હોમગાર્ડ જવાનોની વિશેષ પરેડમાં ભાગ લઇ તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને આજના લોકશાહી પર્વ નિમિતે હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ અને મુખ્યમંત્રી મેડલની જાહેરાત કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી મેડલમાં ૩૦ હોમગાર્ડ જવાનોના નામોની જાહેરાત થઇ હતી તો, રાષ્ટ્રપતિ મેડલમાં હોમગાર્ડ અધિકારી તરીકે બહુ નોંધનીય અને પ્રશંસનીય કામગીરી કરનાર આર.કે.ભોઇ અને કાંતિભાઇ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here