બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી જાતીય સતામણીના આરોપોમાંથી મુક્ત

0
1011

બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી જાતીય સતામણીના આરોપોમાંથી મુક્ત

– વિનોદરાય અને ડાયના એડલજી વચ્ચે તીવ્ર મતભેદ

– એડલજી ઈચ્છે છે કે જોહરીનું રાજીનામું જ લઈ લેવું જોઈએ : રાય કહે છેકે કમિટિનો નિર્ણય ફાઇનલ

ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરીને તેમના પર મહિલાઓ દ્વારા મુકવામાં આવેલા જાતિય સતામણી અંતર્ગતના ‘મીટુ’ આરોપમાંથી ભારતીય ક્રિકેટ બોર્ડની કમિટિએ મુક્ત જાહેર કર્યા છે. આરોપોની સત્યતા ચકાસવા કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશને ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી જેના વડા નિવૃત્ત ન્યાયાધીશ રાકેશ શર્માએ કહ્યું હતું કે જોહરી સામે તેઓ બીસીસીઆઈના હોદ્દેદાર તરીકે અને તે અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યાં તેમણે મહિલાઓ જોડે અણછાજતો વ્યવહાર કર્યો હતો તેવા જુદા જુદા આરોપ મુક્યા હતા તેની તપાસ કરતા એ સ્પષ્ટ બને છેકે આ આરોપ જુઠ્ઠા પાયા વગરના અને ઉપજાવી કાઢેલાં હતા. રાહુલ જોહરીની પ્રતિષ્ઠા અને હોદ્દાને ઠેસ પહોંચાડવા માટેનો તેની પાછળ નિમ્ન ઈરાદો હોય તેમ જણાંયું હતુ.  ત્રણ સભ્યોની કમિટિમાં જસ્ટિસ રાકેશ શર્મા ઉપરાંત દિલ્હીના મહિલા કમિશનના ચેરપર્સન બરખા સિંઘ અને ધારાશાસ્ત્રી તેમજ એકટિવિસ્ટ વીણા ગોવડા સામેલ હતા.

જોહરીને આ સમગ્ર તપાસ પુરી થાય ત્યાં સુધી એટલે કે ત્રણ અઠવાડિયા માટે રજા પર ઉતારી દેવાયા હતા પણ હવે તે પુનઃ બીસીસીઆઈના સીઈઓનો હોદ્દો સંભાળી શકશે.

નિવૃત્ત જસ્ટિસ રાકેશ શર્માએ તેમને ક્લીન ચીટ આપી હતી પણ કમિશનની અન્ય સભ્યોનો એવો સૂર હતો કે ભલે રાહુલ જોહરી પરના આરોપો પાયાહીન હતા આમ છતાં તેમણે મહિલાઓ સાથે કઈ રીતે વર્તન કરવું તે માટેનું નિષ્ણાત પાસેથી કાઉન્સેલિંગ કરવું જરૃરી છે. જોકે આ સૂચન માત્ર હોઈ રાહુલ જોહરી પર આમ કરવાની ફરજ નહીં પાડી શકાય.

જોકે જેવો આ ચૂકાદો જાહેર થયો તે સાથે જ એડમિનિસ્ટ્રેટિવ કમિટિના વડા વિનોદ રાય અને સભ્ય ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન ડાયના એડલજી વચ્ચે મતભેદ બહાર આવ્યા છે.

વિનોદ રાય  માને છે કે, જોહરીની સામે તપાસ થઈ તે યોગ્ય છે. જ્યારે ડાયના હજુ પણ તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે છતાં એવું ઈચ્છે છે કે રાહુલનું રાજીનામું લઈ લેવામાં આવે. આ ઉપરાંત રાહુલે મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ તો કરાવવું જ જોઈએ તેવો આગ્રહ રાખે છે.

ડાયના એવું પણ ઈચ્છતા હતા કે રીપોર્ટ મીડિયા સમક્ષ હજુ જાહેર ના થાય પણ વિનોદરાયે આજે જ રીપોર્ટ અને તેનો ચૂકાદો જાહેર કરી દીધો હતો.

ડાયનાને બીસીસીઆઈના અન્ય ઓફિસિયલ્સનો પણ ટેકો છે. તેઓ ઈચ્છે છે કે ત્રણ સભ્યોની પેનલનો ચૂકાદો આખરી નહીં માનતા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનો ઈંતેજાર કરવો જોઈએ.

ડાયના અને ઓફિશિયલ્સે વિનોદ રાયે જે રીતે કમિટિ નિયુક્ત કરીને ચૂકાદો આપી દીધો તેની કાયદેસરતા સામે જ પ્રશ્નાર્થ ખડા કર્યા છે. રાહુલ જોહરીની આ બંને જૂથોની લડાઈનો ફાયદો થશે તેમ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here