મુંબઈ: ડાન્સ કરતા-કરતા ૧૨ વર્ષની બાળકીનું સ્ટેજ પર મોત

0
956
એજન્સી, મુંબઈ
મુંબઈના કાંદિવલી વેસ્ટમાં મંગળવારના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન એક ૧૨ વર્ષીય બાળકી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. અનીશા શર્મા નામની બાળકી ડાન્સ કરતા કરતા અચાનકથી સ્ટેજ પર જ બેભાન થઈ ગઈ હતી. તરત જ બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. કાંદિવલી વેસ્ટના એકતા નગર સ્થિત આધાર ભવનમાં લોકલ કાઉન્સિલર કમલેશ યાદવ દ્વારા ડાન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સાંજે લગભગ પાંચ વાગ્યે શરૂ થયો હતો પરંતુ આયોજન સ્થળ પર સ્પર્ધકો લગભગ દોઢ વાગ્યાથી પહોંચી ગયા હતા. કાર્યક્રમના આયોજક કમલેશ યાદવે જણાવ્યું કે, અનીશા શર્મા સાંજે ત્રીજા-ચોથા નંબર પર ડાન્સ કરી રહી હતી. તેણે લગભગ એક મિનિટથી પણ ઓછા સમય સુધી ડાન્સ કર્યો હતો અને તે અચાનકથી સ્ટેજ પર પડી ગઈ.
અમે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી. ડોક્ટર્સે કહ્યું કે અનીશાની મોત હાર્ટ એટેકના કારણે થયુ છે. અનીશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ થવાનું અસલી કારણ જાણવા મળશે. આ મામલામાં પરિવારનો આરોપ છે કે સ્પર્ધકોને સમયસર જમવાનું નહીં મળવાના કારણે જ અનીશાનું મોત નિપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here