મ્યુનિ.નું ‘અસ્વચ્છતા’ અભિયાન સૈજપુરનું તળાવ ગટરમાં ફેરવાયું

0
1156

અમદાવાદ: તંત્ર દ્વારા ગત તા.૧ મે, ર૦૧૮ના ગુજરાતના સ્થાપના દિવસે એશિયાની સૌથી મોટી ડસ્ટ‌િબન તરીકે ઓળખાતી ખારીકટ કેનાલની સાફસફાઇ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાયું હતું. આની સાથે-સાથે જળસંચયના ભાગરૂપે ૧ર તળાવને ઊંડા કરવાની તેમજ ૬૪ તળાવને સ્વચ્છ કરવાનું અભિયાન પણ હાથ ધરાયું હતું, જોકે ગણતરીના મહિનાઓમાં ખારીકટ કેનાલ તેમજ તળાવોમાં પાછી ગંદકી થવા લાગી છે. સૈજપુર તળાવમાં તો સ્થાનિક સત્તાવાળાઓની આંખ આડા કાન કરવાની નીતિથી બારે મહિના ગટરનું ગંદું પાણી ઠલવાતું રહે છે. પરિણામે સૈજપુર તળાવની ગંદકી પણ ચર્ચાસ્પદ બની છે.
તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સભ્યોએ સૈજપુર તળાવની ગંદકીનો પ્રશ્ન ઉપસ્થિત કરતાં ચેરમેન અમૂલ ભટ્ટ ચોંકી ઊઠ્યા હતા. ચેરમેન ભટ્ટ દ્વારા સંબંધિત અધિકારીઓને તળાવની ગંદકી મામલે લેશમાત્ર બેદરકારી ન દાખવવાની કડક સૂચના તે વખતે અપાઇ હતી. સૈજપુર તળાવમાં ગંદકીનો પ્રશ્ન આજકાલનો નથી, પરંતુ લાંબા સમયથી આ તળાવમાં કચરો ઠલવાતો રહ્યો છે.
આ તો ઠીક પરંતુ સૈજપુર તળાવમાં ગેરકાયદે રીતે ગટરના પાણી ઠલવાઇ રહ્યા છે. તંત્ર દ્વારા ખુલ્લેઆમ ગટરના ઠલવાતા પાણીને રોકવા માટે ગટર કનેકશન કાપવાની કામગીરી કરાતી નથી. આ માટે તંત્રની ગેરકાયદે ગટરના જોડાણ ધરાવનારા સાથેની સાઠગાંંઠ જવાબદાર હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની લાલ આંખના પગલે તંત્રે જેસીબી મશીન વગેરે સાધન દ્વારા કચરો ઉપાડીને તળાવને સ્વચ્છ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સૈજપુર તળાવને હંમેશાં સ્વચ્છ રાખવા ૧,૦૦૦ એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે તળાવમાં આવતા ગટરના પાણીના કારણે થતી દુર્ગંધની સમસ્યાનું નિરાકરણ થશે તેમજ સુએજ દ્વારા શુદ્ધ કરીને તેના પાણીથી તળાવ ભરવામાં આવશે. આ ઉપરાંત તળાવના ગાર્ડનિંગ માટે તેમજ પબ્લિક ટોઇલટની સફાઇ માટેના ન્યૂસન્સ ટેન્કરને ભરવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરી શકાશે તેવો તંત્રનો દાવો છે. છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ભાઇપુરા તળાવનો પ્રશ્ન ચર્ચાયો હતો. શહેરના મોટા ભાગના તળાવ કોરા અને ગંદકીથી ખદબદતા હોઇ મ્યુનિસિપલ સત્તાધીશોની તળાવો પ્રત્યેની ઘોર બેદરકારી જણાઇ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here