રાજકોટમાં મવડી નજીક નેપાળી જેવા યુવકની છરી-ધોકાના ઘા મારીને ક્રૂર હત્યા

0
1044

– દારૂપીને બેફામ બબડાટ કરતા યુવકને ચારેક જણાએ રહેંસી નાંખ્યો 

– ઓળખ મેળવવા નેપાળીઓને બોલાવી પોલીસે પૂછપરછ શરૂ કરી 

રાજકોટ

રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. મવડીના સ્મશાન નજીક કણકોટ જવાના રસ્તા પરથી સવારે નેપાળી જેવા દેખાતા એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. માથા અને પગના ભાગે છરી કે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને રહેંસી નાંખવામાં આવ્યો છે. તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલા યુવાનની ઓળખ મેળવવા નેપાળી લોકોને બોલાવી તપાસ શરૂ કરી હતી. મોડી બપોર સુધી હત્યાનો ભોગ બનનારની ઓળખ થઇ નહોતી, પરંતુ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોન જણાવ્યા પ્રમાણે, લાશ જ્યાંથી મળી ત્યાં નજીકમાં જ બનતી નવી બનતી સાઇટ પર આ યુવાન રાત્રીના નશો કરેલી હાલતમાં હોય એ રીતે આટાફેરા કરતો હતો. ચોકીદારે ટપારતાં તેની સાથે ગાળાગાળી કરવા માંડતા ચોકીદાર સહિત ચારેક જણાએ પાઇપથી ફટકારી રોડ પર ફેંકી દીધો હતો. બાદમાં ઘાયલ અવસ્થામાં કલાકો સુધી પડી રહેવાથી મોતને ભેટ્યાનું તારણ નીકળ્યું છે. મારકુટકરનારા ત્રણ-ચાર શખ્સોને પોલીસે ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે અને હત્યાનો ભોગ બનનારની ઓળખ મેળવવા દોડધામ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે સવાસાતેક વાગ્યે હરદિપસિંહ (જાગૃત નાગરિક) મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર આવેલા અક્ષર પરિસર ફલેટના બોર્ડ નજીકથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે રસ્તાની સાઇડમાં એક યુવાનને બેભાન જેવો જોતાં તેણે તુર્ત જ ૧૦૮ને ફોન કર્યો હતો. ૧૦૮ જઇને તપાસ કરતાં, તે મૃત હોવાનું જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી.

બાદમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. માથા, પગ, હાથ અને શરીરના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકાયાનું લાશને જોતાં લાગ્યું હતું. હત્યાનો ભોગ બનનાર યુવાન નેપાળી જેવો લાગતો હતો. આથી પોલીસે નજીકમાં રહેતાં નેપાળી લોકોને બોલાવી મૃતકની ઓળખ થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

પોલીસે હત્યા સ્થળ આસપાસ તપાસ કરતાં હત્યાનો ભોગ બનનાર યુવાન રાત્રીના સમયે નજીકની ગોલ રેસિડેન્સી પાસે આંટાફેરા કરતો હોવાની માહિતી મળી હતી. આથી  પોલીસે એ સાઇટ પર જઇ તપાસ કરતાં માલૂમ પડ્યું કે, એક સિકયુરીટી ગાર્ડ તથા સાથેના ત્રણેક શખ્સોએ મળી આ યુવાનની પાઇપથી ધોલધપાટ કરી હતી અને બેભાન જેવો થઇ જતાં લાશ જ્યાંથી મળી એ સ્થળે ફેંકી દીધો હતો. જેનું સારવારને અભાવે મોત થઇ ગયું હતું. પોલીસે ચારેક શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.

બીજી તરફ પોલીસની તપાસમાં મૃત યુવકના માથા-હાથ-પગમાં તિક્ષ્ણ હથિયાર અને ધોકાના ૧૧ જેટલા ઘાના નિશાન મળ્યા હતા. એફએસએલના અધિકારીએ મૃતદેહનું નિરિક્ષણ કરતાં માથા પાછળ તિક્ષ્ણ હથિયારનો એક ઘા તથા પગમાં અને હાથમાં ધોકા કે બીજા કોઇ બોથડ પદાર્થના અગીયાર જેટલા ઘા ફટકારાયાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here