વીર શહીદોના માનમાં મૌન પાળી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પાઇ

જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વીર શહીદો અમર રહોના નારા ગુંજી ઉઠયા : સિંધી સમાજ તરફથી વીર શહીદોને ગૌરવવંતી સલામી અ્ને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ., ૩૦મી જાન્યુઆરી નિમિતે વીર શહીદોના માનમાં શહીદ દિનની ઉજવણી : અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાયુ, રાષ્ટ્રભકિતનો માહોલ છવાયો

0
326
વીર શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલિ
વીર શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલિ

અમદાવાદ, તા. ૩૦

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન-સન્માન અને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અને સમગ્ર દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખી બે મિનિટનું મૌન પાળી, રાષ્ટ્રધ્વજ ફરકાવી, રાષ્ટ્રગાન કરી, વીર શહીદોને ગૌરવવંતી સલામી અર્પણ કરવા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરના જૂના વાડજ વિસ્તારમાં ભાઉજીની ગલીમાં હનુમાનજી મંદિર ખાતે સિંધી સમાજ તરફથી વીર શહીદોના માનમાં બહુ હ્રદયસ્પર્શી શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જે દરમ્યાન વીર શહીદો અમર રહો, ભારત માતા કી જય. વંદે માતરમ્ ના જોરદાર નારા ગુંજી ઉઠયા હતા ત્યારે એક તબક્કે રાષ્ટ્રભકિતનો માહોલ છવાયો હતો.

આજે શહીદ દિન ના ઉપલક્ષ માં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં હનુમાનજી મંદિર ખાતે સિંધી સમાજ તરફથી અગ્રણી રમેશભાઈ ગીદવાણી, વિજય કોડવાણી અને જવાહર વીરનદાનીના નેજા હેઠળ વીર શહીદોને શ્રદ્ધાંજલિ નો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિંધી સમાજ દ્વારા  દેશના વીર શહીદ જવાનોને યાદ કરી તેમના માનમાં વિશાળ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. એટલું જ નહી, વીર શહીદ જવાનોના માનમાં રાષ્ટ્રગાન ગાયા બાદ વીર શહીદો તુમ અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના જોરશોરથી નારા લાગ્યા હતા. આ દ્રશ્યોને લઇ એક તબક્કે રાષ્ટ્રભકિતનો માહોલ છવાયો હતો. સિંધી સમાજ તરફથી અગ્રણી રમેશભાઇ ગીદવાણી, વિજય કોડવાણી અને જવાહર વીરનદાની સહિતના આગેવાનો દ્વારા વીર શહીદોને ભારે સન્માનજનક રીતે અ્ને ભાવભીની શ્રધ્ધાંજલિ તેમ જ ગૌરવવંતી સલામી અર્પણ કરવામાં આવી હતી અને અમર જવાનોની શૌર્ય ગાથા ને બિરદાવવામાં આવી હતી. શહીદ દિનના માનમાં આજે શનિવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી તંત્ર દ્વારા વિશેષરૂપે સાયરન વગાડવામાં આવી હતી. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે તે માટે રાજયના સામાન્ય વહીવટી વિભાગ તરફથી જે જાહેર અપીલ કરાઈ હતી તેનું મહદઅંશે પાલન કરાયુ હતું. તો આકાશવાણીએ પણ બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખી વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વગાડવામાં આવી હતી, ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરાયુ હતુ.

     અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવી હતી. અમદાવાદની જેમ વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ વીર શહીદોના માનમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા.  શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સરકાર અને તંત્રની સાથે સાથે નાગરિકોએ પણ પૂરતો સહયોગ પૂરો પાડયો હતો, જે સરાહનીય કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here