હૈતીમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પ્રદર્શનમાં 6 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

0
998
વેનઝુએલાની એક પરિયોજનામાં કૌભાંડના વિરોધમાં હૈતી ખાતે કરાયેલ વિરોધ પ્રદર્શનમાં 6 લોકોના મોત થયા હતા અને અનેક ઇજાગ્રસ્ત થયા હતા. આ પરિયોજના હેઠળ લોકોને તેલની કિંમતમાં સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ તેમાં મોટા કૌભાંડ થયાના ખુલાસા પછી સમગ્ર હૈતીમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. ભ્રષ્ટાચારની તપાસમાં નિષ્ફળ રહેલા રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસના રાજીનામાંની માંગણી કરવામાં આવી રહી છે.
પેટ્રોકારિબે પરિયોજના હેઠળ 3.8 અબજ ડોલર ખર્ચ થયા હતા, પરંતુ તેમાં મોટા પાયે કૌભાંડ થયાના ખુલાસા પછી તપાસની માંગ કરવામાં આવી હતી. રવિવારે હૈતીમાં હજારો લોકોએ નેશનલ પેલેસ તરફ કૂચ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ રસ્તાઓ પર ચક્કાજામ કર્યા હતા અને ટાયર બાળ્યા હતા. જે પછી પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
હૈતીના સિનેટે પોતાની તપાસ રિપોર્ટમાં આરોપ લગાવ્યા હતા કે, પૂર્વ રાષ્ટ્રપતિ માર્ટિલના કાર્યકાળમાં ઓછામાં ઓછા 14 પૂર્વ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હતા, પરંતુ કોઇને પણ સજા આપવામાં આવી નથી. હાલમાં સમગ્ર દેશમાં આ કૌભાંડ વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસ સાથે અથડામણના બનાવો સામે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here