200 MLD પાણી નર્મદામાંથી મેળવવાની આરંભાતી તૈયારી 

0
873

200 MLD પાણી નર્મદામાંથી મેળવવાની આરંભાતી તૈયારી 

જામનગર શહેર અને જિલ્લામાં એપ્રિલ-મે માસ જેવી પાણીની ભિષણ કટોકટી તોળાઇ રહી છે અને ડેમો ડૂકી ગયા બાદ દરરોજ ર૦૦ એમએલડી પાણી નર્મદામાંથી મેળવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. હાલ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી વિતરણ શરૂ કરાયું હોવાનું કલેકટર રવિશંકરે જણાવ્યું છે. જામનગરને નર્મદાનું ર૦૦ એમએલડી પાણી મળ્યા બાદ પણ દેવભૂમિ દ્વારકા સુધી નર્મદાના નીર પહોંચશે કે કેમ ? તે અંગે પણ પ્રશ્નો સર્જાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગત ચોમાસામાં નહિંવત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થયેલ નથી અને થોડુ ઘણું જે પાણી હતું તેના પણ તળીયા દેખાવા લાગ્યા છે. શિયાળો હાલ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શિયાળાની શરૂઆતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા કલેકટરે જિલ્લાની પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે બેઠક બોલાવ્યા બાદ જામનગર શહેરને હાલ તો ૧૦પ એમએલડી પાણી સસોઇ, રણજીતસાગર તેમજ નર્મદામાંથી મળી રહ્યું છે. પરંતુ સસોઇ અને રણજીતસાગર ડૂકવાની તૈયારીમાં આવી ગયા છે ત્યારે પાણીની કટોકટી નિવારવા માટે વધારાનું પાણી નર્મદામાંથી મેળવવું પડશે અને આ માટેનો માસ્ટર પ્લાન બનાવી રાજય સરકારમાં મોકલી દેવાયો હોવાનું જણાવ્યું છે. હાલ ધ્રોલ અને જોડીયામાં પાણીના પ્રશ્ને બોકાસો બોલી રહ્યો છે. જિલ્લાની પાણીની સ્થિતિ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે પણ સતત ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે એપ્રિલ-મે માસમાં પાણીની કટોકટી સર્જાતી હોય છે. પરંતુ ગત ચોમાસામાં નહિંવત વરસાદને કારણે તળના પાણી પણ નીચે ગયા છે. તેવા સમયે જિલ્લામાં પાણીની કટોકટી વધુ ગંભીર જણાઇ રહી છે. તંત્ર હાલ સ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે.

હાલ કાલાવડ, ધ્રોલ અને જોડીયા તાલુકામાં છેલ્લા ત્રણ માસ પાણીની સ્થિતિ વિકટ રહે છે ત્યારે આ તાલુકાઓમાં પણ પાણીની સ્થિતિ વિકટ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગામડાઓમાં પાણીની કટોકટી નિવારવા ટેન્કરો શરૂ કરી દેવાયા છે. અહિં એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર માટે ર૦૦ એમએલડી પાણી નર્મદાની પાઇપલાઇનમાંથી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલારના દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાણીની કટોકટી પણ ગંભીર બનવા જઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં પાણી માટે કદાચ બેડા યુદ્ધ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here