40 કિલો ચાંદીની લૂંટ SRPના PSI અને બે કોન્સ્ટેબલે કરી હતી

0
1026

અમદાવાદ: સરખેજમાં ગઈ કાલે વેપારીને માર મારીને ૪૦ કિલો ચાંદીની લૂંટ કરી ફરાર થઈ જવાના ચકચારી કિસ્સામાં એસઆરપીના પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલોની સંડોવણી સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

સરસપુરથી વેપારી ૪૦ કિલો ચાંદી લઈને જઈ રહ્યો હતો તે સમયે ત્રણેય પોલીસ કર્મચારીઓએ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી તેમને રોક્યા હતા. વેપારીનું અપહરણ કરી ત્રણેય જણા સરખેજ લઈ ગયા હતા. જ્યાં તેમને મારી ૪૦ કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર એસઆરપીના પીએસઆઈ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

સંતોષભાઈ પોપટભાઈ ૪૦ કિલો ચાંદીના ચોસલા એક્ટિવા પર માણેકચોકના વેપારીને આપવા જતા હતા ત્યારે ગોમતીપુર પાસે બે ગઠિયાઓએ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને તેમને રોક્યા હતા. સાહેબને મળવાનું છે તેમ કહીને બંને ગઠિયાઓ સંતોષભાઈને લઈ ગયા હતા અને ત્રણ કલાક સુધી શહેરની અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા. બાદમાં બંને જણા સંતોષભાઈને સરખેજ લઈ જઇ તેમને માર માર્યો હતો અને ૧૮ લાખની ૪૦ કિલો ચાંદી લૂંટી ગયા હતા. લૂંટારુઓ સંતોષભાઈનું એક્ટિવા લઈને પણ જતા રહ્યા હતા. ત્યાર બાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ કરવા ગયા હતા.

ઘટનાની શરૂઆત ગોમતીપુરથી થઇ હોઈ તેમને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. ત્યાં ગોમતીપુર પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કરતાં તેઓ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. શહેરકોટડા પોલીસે પણ ફરિયાદ લેવાનો ઈન્કાર કરતા ંઅંદાજિત સાત કલાક સુધી ત્રણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા. અંતે મોડી રાતે ગોમતીપુર પોલીસે સંતોષભાઈની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

ગોમતીપુરના અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને ખાનગી સૂત્રો દ્વારા પોલીસને માહિતી મળી હતી કે ક્રાઈમ બ્રાંચના અધિકારી બની એસઆરપી ગ્રૂપ-૧૩ના પીએસઆઈ અને બે કોન્સ્ટેબલોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.બી. ટંડેલે પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. સંતોષભાઈએ ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને
આવેલા બંને શખસોને ઓળખી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here