Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

0
1058

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. મેઘાણીનગર પોલીસે ઘરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને એક યુવકની ધરપકડ કરી છે. યુવક તેના જ ઘરમાં કોલ સેન્ટર ચલાવતો હતો અને વિદેશી નાગ‌િરકો સાથે ઠગાઇ કરતો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે ત્યારે તેના ઘરમાં ૮૪ લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આ રોક્ડ રકમ કોલ સેન્ટરની હોય તેવું પ્રાથ‌િમક તપાસમાં લાગી રહ્યું છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોવોડમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા વી.એસ.સિંધવ અને તેમની ટીમને બાતમી મળી હતી કે બંગલા એરીયામાં આવેલ સ્વામી ટેઉરામ સોસાયટીમાં રહેતા દીપેશ રાધાણી પોતાના ઘરમાં ગેરકાયદે કોલ સેન્ટર ઊભું કરીને વિદેશી નાગરીકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી રહ્યો છે. બાતમીના આધારે પીએસઆઇ તેમજ તેમની ટીમે સ્વામી ટેઉરામ સોસાયટીમાં મોડીરાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી દિનેશ રાધાણી નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે તેના ઘરની જડતી કરતા વિદેશી નાગરીકોના નામ-નંબરના ડેટા તેમજ લેપટોપ હાર્ડ‌િડસ્ક, મે‌િજકજેક, વિદેશના એજન્ટના નામ મળી આવ્યા છે.
પોલીસે આરોપી પાસેથી ૮૪ લાખ રૂપિયા રોક્ડા પણ જપ્ત કર્યા છે. વિદેશી નાગ‌િરકોને લોન આપવાનું તેમજ અલગ અલગ સ્કીમો બતાવીને દીપેશ છેતરતો હતો. મેઘાણીનગર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર દીપેશ પહેલાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને ત્યારબાદ તેણે પોતાના ઘરેથી કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
કોલ સેન્ટરમાં કામ કરતા લોકો પોલીસને બાતમી આપી દેતા હોવાથી તેને એકલા શરૂ કર્યું હતું. જોકે પોલીસને માહિતી લીક થઇ જતાં ગઇ કાલે તેના ઘરે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી શહેર પોલીસે ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે, પરંતુ આટલી ભારે માત્રામાં રોક્ડ ક્યારે જપ્ત કરી નથી.
મેઘાણીનગરમાં પહેલી વખત પોલીસે કોલ સેન્ટર સાથે ૮૪ લાખ રૂપિયા રોક્ડા જપ્ત કર્યા છે. પોલીસનું માનવું છે કે વિદેશી નાગ‌િરકો સાથે ઠગાઇ કરીને આ રૂપિયા દીપેશે ભેગા કર્યા છે. પોલીસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે આ સિવાય આટલી માતબર રકમ તેની પાસે ક્યાંથી આવી અને તે કોની પાસે રૂપિયાના હવાલા પડાવે છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી દીપેશ તેના ઘરમાંથી કોલ સેન્ટર ચલાવતો હતો. પોલીસે બાતમીના આધારે ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના થોડાક દિવસ પહેલાં કાયદેસર કોલ સેન્ટરની આડમાં નવરંગપુરા પોલીસે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું અને ૧૯ લોકોની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here