સંસદથી શેરબજાર સુધી સંગ્રામ : કોર્પોરેટ ગવર્નન્સ મુદ્દે પ્રશ્નાર્થ

0
74
અદાણી જૂથના શૅરોમાં એક સપ્તાહમાં રૂ. 8,76,525 કરોડનું ધોવાણ
અદાણી જૂથના શૅર ગુરુવારે પણ 2.7 ટકાથી 28 ટકા સુધી તૂટયા, ગ્રુપની માર્કેટ કેપમાં એક દિવસમાં રૂ. 1,32,765 કરોડનું ધોવાણ

મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અદાણી જૂથ પર ગંભીર આક્ષેપોના પગલે અદાણી જૂથના શૅરોમાં પાંચ દિવસથી ચાલી રહેલા કડાકાથી જૂથના શૅરોમાં અંદાજે ૧૦૮ અબજ ડોલર એટલે કે રૂ. ૮,૭૬,૫૨૫ કરોડનું ધોવાણ થયું છે, જે ભારતના શૅરબજારના ઈતિહાસમાં કોઈપણ કંપનીનું સૌથી મોટું ધોવાણ છે. છેલ્લા એક સપ્તાહમાં જૂથને થયેલા અબજો-કરોડો રૂપિયાના નુકસાન પછી અંતે અબજોપતિ ગૌતમ અદાણી આગળ આવ્યા અને કહ્યું કે, બજારની ઊથલ-પાથલના કારણે જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ફુલ્લી સબસ્ક્રાઈબ થયેલા રૂ. ૨૦,૦૦૦ કરોડના એફપીઓને રદ કરવાનો નિર્ણય બુધવારે લેવાયો હતો. બીજીબાજુ અદાણી જૂથ પર સ્ટોક સાથે ચેડાં કરવાના અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આક્ષેપો મુદ્દે ગુરુવારે સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષે અદાણી જૂથ પર જેપીસી અથવા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ પંચ રચવાની માગણી કરી છે.  અમેરિકન શોર્ટ સેલર અને રિસર્ચ કંપની હિન્ડેનબર્ગે ગયા બુધવારે એક રિપોર્ટમાં દાવો કર્યો કે અદાણી ગ્રુપ દાયકાઓથી ખુલ્લં-ખુલ્લા શૅરોમાં ગડબડ કરે છે અને તે એકાન્ટિંગ છેતરપિંડી કરી રહ્યું છે. હિન્ડેનબર્ગના ૧૦૬ પનાના આ રિપોર્ટ પછી બુધવારથી જ અદાણીના શૅરોમાં અબજો રૂપિયાનો કડાકો બોલાવાનું શરૂ થયું છે, જે ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. શૅરબજારમાં આજે અદાણી જૂથની ૧૦ લિસ્ટેડ કંપનીઓના શૅરો ૨.૭ ટકાથી લઈને ૨૮ ટકાથી વધુ તૂટયા હતા. કંપનીના શૅરોમાં આવેલા કડાકા પછી અદાણી જૂથે તેની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિ.નો બુધવારે ફુલ્લી સબસ્ક્રાઈબ થયેલો રૂ. ૨૦,૦૦૦ કરોડનો એફપીઓ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન અંદાણી જૂથ પર હિન્ડેનબર્ગના આક્ષેપોના પડઘા ગુરુવારે સંસદમાં પડયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ગૌતમ અદાણીને પીએમ મોદીના ‘મિત્ર’ ગણાવતા વિપક્ષે હિન્ડેનબર્ગના અહેવાલોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફત તપાસ કરાવવાની માગણી કરી હતી. આ મુદ્દે ગુરુવારે સંસદના બંને ગૃહો વારંવાર બંધ રહ્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો કે, સરકાર એલઆઈસી, એસબીઆઈ અને અન્ય જાહેર સંસ્થાઓ પર અદાણી જૂથમાં કથિત રૂપે બળજબરીથી રોકાણ કરવાની તપાસથી ડરતી હોવાથી સંસદના બંને ગૃહો સ્થગિત કરી દીધા હતા. સંસદમાં વિપક્ષના હોબાળાની અસર પણ શૅરબજારમાં અદાણીના શૅરો પર જોવા મળી હતી.આ બધા હોબાળા વચ્ચે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કંપનીના બોર્ડના આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, બજારમાં હાલ જોવા મળી રહેલી ભારે વોલેટિલિટીને ધ્યાનમાં રાખતા રોકાણકારો પાસેથી ઊંચી કિંમત વસુલવી નૈતિક રીતે અયોગ્ય છે. ગ્રુપના સૂત્રોએ કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઈઝના શૅર ખુલ્લા બજારમાં રૂ. ૧૫૬૫.૨૫ના ભાવે મળી રહ્યો હોય ત્યારે કંપનીમાં રૂ. ૩,૧૧૨-૩,૨૭૬ની પ્રાઈસ બેન્ડથી એફપીઓમાં રોકાણ કરીને રોકાણકારો પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી શકે છે. આથી એફપીઓ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.ગૌતમ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિક તરીકે ચાર દાયકાના મારા પ્રવાસમાં મને રોકાણકાર કોમ્યુનિટી સહિત બધા જ હિસ્સેદારોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. મારા માટે મારા રોકાણકારોના હિત સર્વોચ્ચ છે અને બાકી બધું ત્યાર પછી આવે છે. તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે એફપીઓ રદ કરવામાં આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ રદ કરવાના નિર્ણયની જૂથની કંપનીઓ પર વિપરિત અસર પડી હતી અને આજે પણ અદાણી જૂથની કંપનીઓમાં ગાબડાં યથાવત્ રહ્યા હતા. જેને પગલે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિનું આજે એક દિવસમાં વધુ રૂ.૧,૩૨,૭૬૪ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. જે છેલ્લા છ દિવસમાં ૧૦૦  અબજ ડોલરથી વધુ એટલે કે રૂ.૮,૭૬,૫૨૫ કરોડ ધોવાઈ જઈને રૂ.૧૦,૪૩,૩૬૩ કરોડના તળીયે આવી ગયું હતું. અદાણી જૂથમાં ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈસીઝ લિમિટેડનો શેર વધુ ૨૬.૭૦ ટકા તૂટીને રૂ.૧૫૬૫.૨૫, આવી ગયો હતો. જ્યારે  અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ ૬.૧૩ ટકા એટલે કે રૂ.૩૦.૧૫ ઘટીને રૂ.૪૬૨, અદાણી પાવર પાંચ ટકા રૂ.૧૦.૬૦ તૂટીને રૂ.૨૦૨.૧૫, અદાણી ટ્રાન્સમિશન ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૭૩ તૂટીને રૂ.૧૫૫૭.૨૫, અદાણી ગ્રીન એનજીૅ ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૧૫.૩૦ તૂટીને રૂ.૧૦૩૮.૦૫, અદાણી ટોટલ ગેસ લિ, ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૯૦.૧૫ તૂટીને રૂ.૧૭૧૧.૫૦, અદાણી વિલમર પાંચ ટકા નીચલી સર્કિટમાં રૂ.૨૨.૧૫ ઘટીને રૂ.૪૩૧.૪૫, એનડીટીવી લિ. પાંચ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૨૨૨.૮૫ રહ્યા હતા. જોકે, આજે શૅરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી. પરંતુ ત્યાર પછી લોકલ ફંડોની લેવાલીએ બજાર પોઝિટિવ ઝોનમાં રહ્યું હતું. અલબત અંબુજા સિમેન્ટ અને સબસીડિયરી એસીસી લિમિટેડના શેરો અદાણી દ્વારા ફાઈનાન્સ મેળવવા માટે ગીરવે મૂકાયાના વહેતા થયેલા અહેવાલોનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવતા તથા પ્રમોટર્સ દ્વારા માત્ર આ શેરો વેચવામાં નહીં આવે એ સંબંધિત નોન-ડિસ્પોઝલ અન્ડરટેકિંગ આપ્યું હોવાનું જણવાતા અંબુજા સિમેન્ટ અને એસીસીમાં ઘટાડો અટક્યો હતો અને અંબુજા સિમેન્ટ્સ ૫.૩૩ ટકા એટલે કે રૂ.૧૭.૮૫ વધીને રૂ.૩૫૨.૪૫, એસીસી ૯૫ પૈસા વધીને રૂ.૧૮૪૫.૩૫ બંધ રહ્યા હતા.  બીજીબાજુ અદાણી જૂથની કંપનીઓના સ્ટોકમાં તીવ્ર કડાકાથી રોકાણકારોના હિતો જાળવવા માટે એનએસઈએ અદાણી એન્ટરપ્રાીઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટને ટૂંકાગાળાની વધારાની સર્વેલન્સ હેઠળ મૂક્યા છે. જૂથની કંપનીઓમાં સટ્ટાખોરી અને શોર્ટ-સેલિંગ પર નિયંત્રણ મૂકવા આ પગલું લેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here