ગુજરાતના ખેડૂતોની ખેતપેદાશો-બાગાયતી પાકોની સંગ્રહ ક્ષમતા વર્ધન માટે

0
743

ગુજરાતના ખેડૂતોની ખેતપેદાશો-બાગાયતી પાકોની સંગ્રહ ક્ષમતા વર્ધન માટે

ર૦૨૨ સુધીમાં કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા ૩૦ લાખ મેટ્રિક ટન કરવાની નેમ:-મુખ્યમંત્રીશ્રી

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • મલ્ટી કોમોડીટી કન્ટ્રોલ એટમોસ્ફિયર ટેકનોલોજી સાથેના કોલ્ડ સ્ટોરેજ માટે રૂ. પ૦ કરોડનું પ્રાવધાન બજેટમાં કર્યુ છે
  • ૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં REFCOLD ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકે
  • ગુજરાતમાં ૩૭પ થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ-૧૪૦થી વધારે મિકસ કોમોડીટી કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે
  • વાયબ્રન્ટ-ર૦૧૯માં જોડાઇ નેટવર્કીંગનો લાભ લેવા ઇંજન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોની ખેતપેદાશો અને બાગાયતી પાકોના સંગ્રહની ક્ષમતા વર્ધન માટે રાજ્યમાં ર૦રર સુધીમાં હાલની કોલ્ડ સ્ટોરેજ સંગ્રહ ક્ષમતા વધારીને ૩૦ લાખ મેટ્રીક ટન કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ સેવ્યો છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં મલ્ટી કોમોડીટી કન્ટ્રોલ એટમોસ્ફીઅર ટેકનોલોજી સાથેના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રૂ. પ૦ કરોડનું પ્રાવધાન રાજ્યના બજેટમાં કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજીની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટને ખૂલ્લુ મૂકયુ હતું.

આ ત્રિદિવસીય રેફકોલ્ડ REFCOLD પ્રદર્શનીમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના વિવિધ દેશોના ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતની ખેતપેદાશથી લઇને ફૂડ પ્રોડકટ ઇન્ડસ્ટ્રીઝ સુધીની સમગ્ર વેલ્યુચેઇનમાં આજે રેફ્રીજરેશન ફેસેલીટીઝ અને કોલ્ડ સ્ટોરેજની ભૂમિકા લગાતાર વધતી રહી છે.

અગાઉ આવી સુવિધાઓના અભાવે ખેડૂતને પોતાના ઉત્પાદનો બહુ નજીવા ભાવે વેચી દેવા પડતા અને આર્થિક નુકશાન વેઠવા વારો આવતો એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે હવેનો સમય બદલાયો છે. કેન્દ્રની વર્તમાન NDA સરકાર કિસાનોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના ધ્યેય મંત્ર સાથે પ્રોડકટીવીટી સાથોસાથ પ્રોફિટેબિલીટીને પણ અહેમિયત આપે છે.

આ સંપૂર્ણ પ્રક્રિયામાં કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેશન ફેસેલીટીઝ મહત્વનું પરિબળ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત દુધ, ફળ-ફળાદી, શાકભાજી અને સી-પ્રોડકટસ જેવી હાઇલી પેરીશેબલ ફૂડપ્રોડકટના ઉત્પાદનમાં અગ્રણી છે. તેની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ ફેસેલીટીઝને પ્રોત્સાહન માટે આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ૩૭પ થી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ તેમજ ૧૪૦થી વધારે મિકસ કોમોડીટી કોલ્ડ સ્ટોરેજ છે તેની છણાવટ કરતાં કહ્યું કે, કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ઇરેડીયેશન પ્લાન્ટ સ્થાપવા રૂ. પ કરોડ સુધીની સબસીડી તેમજ કૃષિ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય નિકાસને વેગ આપવા એર કાર્ગો-સી.કાર્ગો માટે રૂ. ૧૦ લાખ સુધીની ટ્રાન્સપોર્ટેશન સબસીડી પણ આપવામાં આવે છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને ઉર્વરા ભૂમિ ગણાવતાં આ કોન્ફરન્સ-એકઝીબિશનમાં સહભાગી થયેલા એકઝીબીટર્સને રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠે કોલ્ડ ચેઇન વૃધ્ધિનો તેમજ સૌર ઊર્જાના વિનિયોગથી કોલ્ડ સ્ટોરેજ-રેફ્રિજરેશન સુવિધાઓના ખર્ચને ઓછો કરવાની વ્યૂહાત્મકતાનો પણ લાભ લેવા ગુજરાતમાં આવવા આહવાન કર્યુ હતું.

તેમણે આગામી જાન્યુઆરી-ર૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં પણ આ એકઝીબિટર્સ મૂલાકાત લઇ નેટવર્કીંગનો વ્યાપક લાભ લે તેવી અપિલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સ અને પ્રદર્શની નવિનત્તમ ટેકનોલોજી, ભવિષ્યના પડકારોને પહોચી વળવાના નવા આયામોના વિચાર મંથનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

કેન્‍દ્રીય કૃષિ કલ્યાણ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ દેશ-વિદેશમાંથી રેફ કોલ્ડ-૨૦૧૮ ઇન્ડીયામાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓને આવકારતા કહ્યું કે, ખેતીની સાથે-સાથે ડેરી ઉદ્યોગ પણ આ ક્ષેત્રે વધુ બળવત્તર બને તે માટે આપણે પ્રયાસો કરવા પડશે. ગુજરાતનું અમૂલ ડેરી પ્રોડક્ટ ટેસ્‍ટ ઓફ ઇન્ડીયા બની ગયું છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે કિસાન સંપદા યોજના કાર્યાન્વિત કરી છે. તેનો મહત્તમ લાભ ખેડૂતો અને લોકો લઇ શકે તે માટે જાગૃતિની સાથે સાથે કોલ્ડ સ્‍ટોરેજ, રેફ્રીજરેશન ક્ષેત્રે સંકળાયેલા લોકોએ પણ સક્રિય યોગદાન આપવું જોઇએ.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાંથી કેરી સહિત વિવિધ ફળો, શાકભાજીની નિકાસ થાય છે તેમાં રેફ્રીજરેશન ઉદ્યોગની મહત્‍વની ભૂમિકા રહી છે. રાજ્યમાં ચીકુનું વધુ ઉત્‍પાદન થાય છે ત્‍યારે ચીકુનો ટેસ્‍ટ વિશ્વના લોકો સુધી પહોંચે એવા પ્રયાસો કરીશું તો કાર્યક્રમ ચોક્કસ ફળીભૂત નિવડશે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારે સ્‍ટાર્ટઅપ ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડીયાના નવા નવા આયામો હાથ ધર્યા છે. એમાં પણ આ ટેકનોલોજી વધુને વધુ ઉપયોગી નીવડશે એવી આશા વ્‍યક્ત કરી હતી. તેમણે ગ્‍લોબલ વોર્મિંગના પ્રશ્નને  નાથવામાં પણ આ કાર્યક્રમ મહત્‍વનો બની રહે તેવું મનોમંથન કરવા અનુરોધ કર્યો હતો.

રેફકોલ્‍ડ ઇન્ડીયાના ચેરમેન શ્રી પંકજ ધારકરે સ્‍વાગત પ્રવચનમાં તા. ૨૨ થી ૨૪ નવેમ્‍બર દરમિયાન યોજાનારી રેફકોલ્‍ડ ઇન્ડીયાની વિસ્તૃત વિગતો આપી હતી. તેમજ ઇશરે દ્વારા યોજાતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.

આ પ્રસંગે રેફકોલ્‍ડ ઇન્ડીયાના કો-ચેરપર્સન શ્રી સુબ્રમણ્યમ દીલીપ સરદા, નુરેનબર્ગજોસે, ઇન્ડીયા પ્રા.લિ.ના કવિતા શર્મા સહિત ઇશરેના બોર્ડ મેમ્‍બર્સ, પ્રતિનિધિઓ, દેશવિદેશથી  પધારેલા આ ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિષય નિષ્‍ણાતો તથા ગુજરાત કોલ્‍ડ સ્‍ટોરેજ એસોસીએશનના પ્રમુખ શ્રી આશિષગુરૂ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત  રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here