રાજ બબ્બરે ગગડતા રૂપિયાની તુલના PM મોદીના માતાની ઉંમર સાથે કરી, રૂપાણીએ માફી માગવા કહ્યું

0
646

એજન્સી, ઈન્દૌર:

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ગુરુવારે ઈન્દૌરમાં એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત વાકપ્રહાર કરતા ગગડી રહેલા રૂપિયાના મૂલ્યની તુલના પીએમ મોદીના માતા હીરાબાની ઉંમર સાથે કરી હોવાના મામલે વિવાદ વકર્યો છે.

બબ્બરે ઈન્દૌરમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, ‘તેઓ (પીએમ મોદી) કહેતા હતા કે ભારતીય રૂપિયો ગગડીને વડાપ્રધાન મનમોહન સિંહની ઉંમરની નજીક પહોંચી ગયો છે. પરંતુ આજે રૂપિયાનું અવમૂલ્યન એટલી હદે થયું છે કે, હવે તે તમારા માતૃશ્રીની ઉંમર સુધી પહોંચી ગયો છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની હાલમાં ઉંમર 97 વર્ષ છે.

ભાજપે આ પ્રકારના નિવેદનને હલકી કક્ષાનું રાજકારણ ગણાવતા રાજ બબ્બર પાસે માફીની માગ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે બબ્બરની માફીની માગ કરી છે. રૂપાણીએ જણાવ્યું કે ‘કોંગ્રેસ સાવ હલકું રાજકારણ કરી રહી છે. ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનની તુલના વડાપ્રધાન મોદીના માતૃશ્રીની ઉંમર સાથે કરવી તે તેમની (રાજ બબ્બર) હલકી માનસિકતા છતી કરે છે. તેમણે તાત્કાલીક આ મામલે માફી માગવી જોઈએ.’

દરમિયાન રામ મંદિર નિર્માણ અંગે રાજ બબ્બરે જાહેરસભામાં જણાવ્યું કે તેમનો પક્ષ ક્યારે રામ મંદિરની વિરુદ્ધ નથી અને હવે તો મુસ્લિમ સમાજ પણ રામ મંદિર બને તેવું ઈચ્છે છે. જો કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે અને તેમનો નિર્ણય જ અંતિમ ગણાશે તેમ રાજ બબ્બરે જણાવ્યું હતું. ભાજપ પર કટાક્ષ કરતા બબ્બરે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે જે ભાજપને રામનું નામ યાદ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here