વડોદરામાં આવાસ યોજનાઓના 575 લાભાર્થીઓએ પોતાના ફાળા પૈકી 39 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી

0
86
વડોદરામાં શહેરી ગરીબોનું શહેરમાં પોતાનું મકાન મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા કુલ 31,234 મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને 9761 મકાનોનું કામ હાલ ચાલુ છે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે સરકારી માલિકીની જમીન પર હાલની સ્થિતિ મુજબ આગામી પાંચ વર્ષમાં બીજા 24,298 મકાનો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવેલા મકાનો પૈકી 575 લાભાર્થીઓએ પોતાના ફાળાની બાકી આશરે 39 કરોડ ની રકમ હજી સુધી જમા નહીં કરાવતા તે તારીખ 15 જૂન સુધીમાં ભરી દેવા નોટિસ આપવામાં આવી છે, અને આ તારીખ સુધીમાં જો બાકી રૂપિયા નહીં ભરાય તો કોર્પોરેશન કોઈપણ જાતની જાણ કર્યા વગર ફાળવેલું મકાન રદ કરી દેશે.
જે મકાનના લાભાર્થી ફાળાની રકમ બાકી છે તેમાં ઇ ડબલ્યુ એસ સયાજીપુરા-સાંઈ રેસીડેન્સીની બાજુમાં, ગોત્રી-ચંદ્ર મોલેશ્વરની બાજુમાં, તાંદળજા-શુભમ પ્લોટની આગળ જતા, હરણી-અંબે વિદ્યાલયની બાજુમાં, એલઆઇજીના સયાજીપુરા-રુદ્રાક્ષ ફ્લેટની સામે, અટલાદરા-પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે, તાંદળજા-સન ફાર્માની પાછળ, માંજલપુર-લક્ષ્મી કૃપાની સામે, હરણી-સિગ્નસની પાછળ, ગોત્રી-પ્રત્યુશા ડુપ્લેક્સની પાસે, વાસણા રોડ-જકાતનાકા થી ગામ તરફ જતા તેમજ એમઆઈજી વાસણા રોડ-સોહમની સામે તથા સમા-ચાણક્યપુરી થી કેનાલ તરફ જતા મકાનોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ આ મકાનો મેળવવા માટે અરજી કરતાં કોર્પોરેશન તરફથી પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવેલ છે. આ યોજનાના લાભાર્થીઓ દ્વારા આજ સુધી મકાનની બાકી રહેતી રકમ જમા કરાવેલ નથી. જેથી કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે લાભાર્થીઓએ મકાનના રૂપિયા ભર્યા નથી તેઓની નામ સાથેની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકેલી છે. આ લાભાર્થીઓની સુનાવણી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તારીખ 29 અને 30 ના રોજ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ, રાવપુરાની કચેરી ખાતે બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધીમાં કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here