સમુદ્રયાન પ્રોજેક્ટ : દરિયામાં છ હજાર મીટર ઊંડાણમાં જઈને ટીમ સંશોધન કરશે

0
64
ભારતના અર્થ સાયન્સ મંત્રાલયે સમુદ્રમાં સંશોધન કરવા માટે ડીપ ઓશન મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ સમુદ્રયાન પ્રોજેક્ટ ૨૦૨૬માં લોંચ થશે. સમાનવ યાન સમુદ્રના પેટાળમાં છ હજાર મીટરના ઊંડાણમાં જઈને મહત્ત્વના સંશોધનો કરશે. કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પોલિસીના ભાગરૂપે આ મિશન શરૂ કરાયું છે. એ જ રીતે ધુ્રવ પ્રદેશના સ્ટડી માટે ૨૦૨૮ સુધીમાં પોલર રિસર્સ જહાજ પણ મોકલવામાં આવશે. બંને પ્રોજેક્ટ આ પ્રકારના ભારતના પ્રથમ પ્રોજેક્ટ બની રહેશે.
કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રી કિરણ રિજીજૂના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પોલિસીના ભાગરૂપે ડીપ ઓશન મિશન શરૂ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષ માટે આ પ્રોજેક્ટને ૪૦૭૭ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ મિશનમાં જ સમુદ્રયાન લોંચ થશે, જેમાં ત્રણ સભ્યોની ટીમ સબમરીનમાં છ હજાર મીટરની ઊંડાઈએ જઈને સમુદ્રી જીવસૃષ્ટિ, બાયોડાયવર્સિટી, સમુદ્રી રિસોર્સિસ અને ઈકોસિસ્ટમ તેમ જ સમુદ્રના ખનીજોનો અભ્યાસ કરશે. આ પ્રકારે સમુદ્રી મિશન મોકલનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બનશે. અગાઉ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીને આવો અભ્યાસ હાથ ધર્યો હતો. સમુદ્રના રિસોર્સનો ઉપયોગ કરીને ટકાઉ તેમ જ ઈકોસિસ્ટમમાં ખલેલ પાડયા વગર અર્થતંત્રને ફાયદો થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં પગલાં ભરવામાં આવશે.
અર્થ સાયન્સ મંત્રીના કહેવા પ્રમાણે બ્લૂ ઈકોનોમી પોલિસીના કારણે દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનો ફાયદો થશે. તેનાથી કેટલીય નવી નોકરીઓનું સર્જન થશે. જે સબમરીન દરિયામાં ઉતરશે તેને મત્સ્ય-૬૦૦૦ નામ આપવામાં આવ્યું છે. આ સબમરીનને ૨૦૨૬માં દરિયામાં ઉતારવામાં આવે એવી શક્યતા છે. મત્સ્ય-૬૦૦૦ સબમરીનનું નિર્માણ ચેન્નાઈમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીમાં થઈ રહ્યું છે.કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાાન મંત્રીએ ભારતના બીજા એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટની પણ માહિતી આપી હતી. ભારત ૨૦૨૮ સુધીમાં ધુ્રવ પ્રદેશમાં સંશોધન કરવા માટે પોલર રિસર્ચ વેસલ મોકલશે. આ જહાજ બનાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. વિદેશી કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. વિદેશી સાધનોની મદદથી આ જહાજ દેશમાં જ બનાવવામાં આવશે અને પછી ઉત્તર ધુ્રવમાં મોકલાશે. એન્ટાર્ક્ટિકાના અભ્યાસ માટે ભારત પહેલી વખત રિસર્ચ જહાજ મોકલશે. તે માટે ૨૬૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here