નવને કચડી નાખનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના 103 દિવસ પછી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

0
69
25 ઓક્ટોબરની સુનાવણીમાં શું દલીલો થઈ હતી?
કલમ 506 હેઠળ પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો

અમદાવાદ: નવને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હવે બહાર રહી દીકરાને જામીન અપાવવા મહેનત કરશે. 20 જુલાઈની મોડીરાત્રિએ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટનાસ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હતા. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલે પોતાના વકીલ નિસાર વૈદ્ય મારફતે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પર પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરીને કોર્ટમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. આ અકસ્માતમાં પ્રજ્ઞેશ પટેલનો આક્ષેપ છે કે, તેઓ ઘટનાસ્થળે આવીને લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવ્યા બાદ પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી. જેની ફાઈનલ સુનાવણી 25 ઓક્ટોબરે જજ એમ.આર.મેંગડેંની કોર્ટમાં થઈ હતી. અરજદાર ઉપર લોકો સાથે ઘર્ષણ કરવાનો ગુનો છે જેના માટે IPCની કલમ 504 લાગે, જેમાં મહત્તમ બે વર્ષની સજાની જોગવાઈ છે અને આ જામીનપાત્ર ગુનો છે. આ અકસ્માતનો બનાવ 20 જુલાઈની રાત્રે 12.30 થી 1.15 કલાક વચ્ચે બન્યો હતો. જેમાં ચાર્જશીટ પ્રમાણે પ્રજ્ઞેશ પટેલને તથ્ય દ્વારા કરાયેલા અકસ્માતની જાણ હતી. પ્રજ્ઞેશ પટેલ તથ્યને લઈને CIMS હોસ્પિટલ ગયા ત્યારે તેમને પોલીસને ફોન કરીને બનાવ અંગે જાણ કરી હતી, જેનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ છે. ડોક્ટરે પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, રાત્રે 1.45 કલાકે પ્રજ્ઞેશ પટેલ તથ્યને હોસ્પિટલ લાવ્યા હતા. તથ્યને માથામાં, પીઠ ઉપર, ગાલ અને પગના ભાગે ઇજા થઇ હતી. તથ્યએ ડોક્ટરને એક્સિડન્ટ થયો હોવાનું જણાવ્યું હતું અને લોકોએ માર માર્યાનું જણાવ્યું હતું. અન્ય એક સાહેદે જણાવ્યું હતું કે, તેને ગાડીમાં સવાર તથ્યની મિત્ર ધ્વનીનો ફોન આવ્યો હતો. તેઓ કીઆ ગાડી લઈને તેને લેવા ઘટનાસ્થળે ગયા હતા, પરંતુ ત્યાં ધ્વની નહોતી. તથ્યના પિતા તથ્યને લઈ જતા હતા અને રોડ ઉપર લાશો પડી હતી. દરેક સાહેદના નિવેદન મુજબ પ્રજ્ઞેશ પટેલ પર ફક્ત IPCની કલમ 504 મુજબ જ ગુનો બને છે. અરજદાર જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તથ્યને લોકો મારતા હતા. આથી તેને છોડાવીને હોસ્પિટલ લઈ ગયા. સેશન્સ કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવતા આ ઘટના ગંભીર હોવાનું કારણ આપ્યું હતું, પરંતુ અરજદારનો આમાં કોઈ ભાગ છે જ નહીં. અરજદાર સામે અગાઉના જે 10 ગુના છે. જેમાં તેને જામીન મળી ચૂક્યા છે. જે જમીનમાં પણ આગાઉના ગુના કોર્ટે જોયા જ હતા. અગાઉના કેસમાં અરજદાર દોષિત ઠર્યા નથી. સરકારી વકીલ મિતેષ અમીને દલીલ કરી હતી કે, આ કેસ ગંભીર છે. આરોપી ઉપર અગાઉ પણ ગુન્હા નોંધાઇ ચૂક્યા છે. આ ઘટનામાં અગાઉ એક થાર ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેથી પોલીસ અને લોકો ભેગા થયા હતા. જ્યાં તથ્યએ બેદરકારીપૂર્વક ગાડી ચલાવતા 9 લોકોના મૃત્યુ થયા હતા. 9 મૃતકોમાંથી 3 તો પોલીસ કર્મચારી છે. અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેમાંથી 1 વ્યક્તિ હજી પણ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં છે. પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળે આવ્યા અને તેમની પત્નીને ગાડીમાંથી રિવોલ્વર લાવવા કહ્યું, લોકોને ધમકી આપી. તેમજ સાહેદોને ઘટનાસ્થળે ધમકાવીને તથ્યને ત્યાંથી લઈ ગયા. આરોપી છૂટે તો સાહેદોને ધમકાવે તેવી શક્યતા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દિધી છે. તેઓએ કેન્સરની સારવારને લઈને હંગામી જામીન અરજી પણ દાખલ કરી હતી. હાઇકોર્ટે તે માટે આરોપીનો ટેસ્ટ કરાવવા કહ્યું હતું. જોકે, આરોપીએ તેમાં સહયોગ આપ્યો નહિ. આરોપીને ગુજરાત બહાર સારવાર લેવા જવાનું હતું અને અહિની હોસ્પિટલમાં કેન્સરની તપાસ કરાવી નહિ. આરોપી ઉપર સામૂહિક બળાત્કાર, જમીનના ખોટા કાગળોની બનાવટ, IPCની કલમ 307 સહિતના ગુનાઓ છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા ટ્રાયલ ચાલુ છે. આરોપીનું વર્તન સારું નથી તેની સામે ગંભીર ગુના છે. જેથી તેને જામીન આપી શકાય નહીં. પ્રજ્ઞેશ પટેલના વકીલે જણાવ્યું હતું કે, સરકારી વકીલે આ કેસ ઉપર જ વાત કરવી જોઈએ. અગાઉના ગુનાના ઓર્ડર કોર્ટ સમક્ષ મુકાયા જ છે. દરેક કેસને તેના ગુણદોષ ઉપર જોવો જોઈએ. અરજદાર અમદાવાદમાં રહે છે, તેનું કુટુંબ અને મિલકત અહીં જ છે, તે ભાગી જાય તેમ નથી. અમે હંગામી જામીન અરજીમાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો છે. એક સાહેદના અગાઉના નિવેદનમાં બંદૂકની વાત નહોતી. ત્યારબાદના નિવેદનમાં બંદૂકની વાત ઉમેરાઈ છે. ત્યાં રિવોલ્વર નહોતી. આર્મ્સ એક્ટની કલમ પણ ઉમેરાઈ નથી. કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે ચુકાદો આપતાં પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કર્યા હતા. 3 મહિના પહેલા પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરી હતી. તેના વકીલ નિસાર વૈદ્યનું કહેવું હતું કે, તેને મોઢાનું કેન્સર છે અને તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે. જોકે, પ્રજ્ઞેશ પટેલે અગાઉના કેસમાં પણ આ જ આધાર ઉપર જામીન મેળવ્યા હતા અને લોકોને ધમકાવ્યા હતા. જોકે, આ જામીન અરજી અમદાવાદ જિલ્લા કોર્ટે ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. બિલ્ડર લોબીમાં જાણીતો પ્રજ્ઞેશ પટેલ છેલ્લાં ચાર વર્ષથી કોઈ ને કોઈ વિવાદને લઇ ચર્ચામાં રહ્યો છે. 2020માં સૌરાષ્ટ્રની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા હતા. 2021માં ફરી સામૂહિક દુષ્કર્મ કેસમાં સહ-આરોપી અને તેના મિત્ર તેમજ કાચા કામના કેદી જૈમિન પટેલે સાબરમતી જેલમાંથી ન છૂટવાના ડરથી જેલમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પ્રજ્ઞેશ પટેલનું નામ સામે આવ્યું હતું. ત્યારે આજે ફરી પુત્ર તથ્ય પટેલે 180ની ઓવરસ્પીડે જેગુઆર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ ઉપર લોકોને ઉડાવ્યા હતા. એમાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત થયા છે, જેને લઇને ફરી એકવાર પ્રજ્ઞેશ પટેલનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. 3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સૌરાષ્ટ્રની યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી. એ બાદ તેને અમદાવાદ બોલાવવામાં આવી હતી, જ્યાં એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યાં પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ નામના લોકો તેની પાસે આવ્યા હતા. આ શખસોએ નશીલા પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવતીના નગ્ન ફોટા પાડી તેને અવારનવાર બ્લેકમેઇલ કરતા હતા. આરોપીઓ યુવતીને કહ્યું હતું કે તે લોકો ખૂબ જ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે એમ કહી યુવતીને અલગ અલગ હોટલ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં યુવતીને કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા, કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. કોઈને પણ કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળવા પર પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્રપુરી ગોસ્વામીની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ વધુ એક આરોપી જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં જેલમાં બંધ જૈમિન પટેલે સાબરમતી જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જૈમિન પટેલ સેન્ટ્રલ જેલની 200 નંબરની ખોલીમાં કાચા કામના આરોપી તરીકે રહેતો હતો. જૈમિને મરતાં પહેલાં અંતિમ ચિઠ્ઠી લખી હતી. એમાં તેણે લખ્યું હતું કે આ કેસમાં હું બહાર નહીં આવી શકું, મારા પરિવારની માફી માગું છું. જૈમિન સહિતના આરોપીઓ સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં વર્ષ 2020માં બિલ્ડર સહિત ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી જૈમિન પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ સહિત તમામ આરોપીઓ પર ગેંગરેપ માટે IPC કલમ 376D, ફોજદારી ષડ્યંત્ર માટે 120b, વિશ્વાસભંગ માટે 406, અપહરણ માટે 362, અશ્લીલતા માટે 294b અને ફોજદારી ધમકી માટે 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here