‘3 વર્ષ શું કરી રહ્યા હતા..’ વિધાનસભાથી મંજૂર બિલોને લટકાવી રાખતાં રાજ્યપાલ પર સુપ્રીમકોર્ટ બગડી

0
71
ગત સપ્તાહે કહ્યું હતું કે 'રાજ્યપાલ કોઈ ચૂંટાયેલી સરકાર નથી...'
બિલ લંબિત રાખવાના કેસમાં સુપ્રીમકોર્ટે પૂછ્યાં તીખાં સવાલ

નવી દિલ્હી : વિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે ત્રણ વર્ષથી શું કરી રહ્યા હતા? કેરળ અને પંજાબના કેસમાં પણ સુપ્રીમકોર્ટે આવા જ કેસમાં સુનાવણી કરી હતી. કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે. કોર્ટની આ ટિપ્પણી ગવર્નર આર.એન.રવિ તરફથી 10 બિલ પાછા સરકારને મોકલ્યાં બાદ આવી છે. ગવર્નર આર.એન.રવિએ જે 10 બિલ પરત કર્યા હતા તેમાંથી 2 તો અગાઉની એઆઈએડીએમકે સરકાર દ્વારા મંજૂર કરાયા હતા. તેને લઈને સુપ્રીમકોર્ટે કડક ટિપ્પણી કરતાં પૂછ્યું કે આખરે ત્રણ વર્ષ સુધી તમે બિલને દબાવી કેમ બેઠાં હતા? તેનું શું કરી રહ્યા હતા? ગવર્નર તરફથી બિલ પરત કરાયા બાદ વિધાનસભાએ શનિવારે ફરી વિશેષ સત્ર બોલાવ્યો હતો. આ સત્રમાં તમામ 10 બિલ ફરી પસાર કરાયા અને ગવર્નરે મંજૂરી માટે ફરી મોકલી દેવાયા. ઉલ્લેખનીય છે કે પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિતને પણ ગત અઠવાડિયે સુપ્રીમકોર્ટે નસીહત કરી હતી કે સરકાર સાથે મળીને કામ કરે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રૂડની બેન્ચે કહ્યું હતું કે ગવર્નર કોઈ ચૂંટાયેલી સરકાર નથી. તેમણે સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ અને આવા કેસ અમારા સુધી આવવા જ ન જોઈએ. સોમવારે તમિલનાડુના કેસમાં બેન્ચે કહ્યું કે એસેમ્બલીએ બિલ ફરી મંજૂરી કરી દીધા છે અને હવે તે મંજૂરી માટે ગવર્નર પાસે મોકલાયા છે. હવે જોવાનું એ છે કે ગવર્નર શું કરે છે? હવે આ કેસમાં 1 ડિસેમ્બરે આગામી સુનાવણી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here