અમેરિકાની નાટો જેવું સંગઠન બનાવવાની કવાયત યુદ્ધ નોતરશે : ચીનની ચેતવણી

0
49
અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી લશ્કરી સંગઠન નાટો જેવું જ સૈન્ય સંગઠન એશિયા-પેસિફિકમાં બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ તેના આવા પ્રયાસોથી ઘર્ષણનું એવું વમળ સર્જાશે કે આ પ્રદેશ અશાંત બની જશે તેવો ચીને અમેરિકા પર આક્ષેપ કર્યો છે. આ સાથે અમેરિકાનું વિધ્વંશક જહાજ અને કેનેડાની ફ્રિગેટ સ્વ-શાસિત ટાપુ તાઈવાન જલડમરુ મધ્યમાંથી પસાર થતાં ચીન છંછેડાયું છે.ે
માર્ચમાં સંરક્ષણ મંત્રીનું પદ સંભાળ્યા પછી પહેલી વખત આંતરાષ્ટ્રીય સંબોધન કરતાં ચીનના સંરક્ષણ મંત્રી જનરલ લી શાંગફુએ રવિવારે જણાવ્યું હતું કે, શિપિંગની આઝાદીના નામે તાઈવાન જલડમરુ મધ્ય અને દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થતા અમેરિકા સહિતના સૈન્ય જહાજોનું પરિવહન ચીનની ઉશ્કેરણી કરવા સમાન છે.  

તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા હવે એશિયા-પેસિફિકમાં પણ નાટો જેવું સૈન્ય સંગઠન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ આવું સંગઠનો પ્રદેશમાં અશાંતિ પેદા કરશે. એટલું જ નહીં પ્રદેશને વિવાદો અને ઘર્ષણના વમળમાં નાંખી દેશે. શાંગફુએ ચેતવણી આપી કે ચીન અને અમેરિકા વચ્ચેનું ઘર્ષણ કે ભયાનક યુદ્ધ સમગ્ર દુનિયા માટે અસહ્યનીય આપત્તી લાવશે.
સિંગાપુરમાં શાંગરી-લા સંવાદમાં દુનિયાના ટોચના સંરક્ષણ અધિકારીઓને શાંગફુએ કહ્યું કે, કોઈપણ દુર્ભાવના વિના દક્ષિણ ચીન સમુદ્રમાંથી જહાજોના પસાર થવા સામે તેને કોઈ વાંધો નથી. પરંતુ શિપિંગની સ્વતંત્રતાના નામે સૈન્ય જહાજોના પેટ્રોલિંગને ચીનના જહાજો રોકશે. 
તાઈવાન જલડમરુ મધ્યની જળ સીમા નજીક શનિવારે અમેરિકાના મિસાઈલથી સજ્જ વિધ્વંશક જહાજ અને કેનેડાની ફ્રિગેટ પસાર થતાં ઉશ્કેરાયેલા ચીની જહાજે તેનો પીછો કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં ચીનના સંરક્ષણ મંત્રી શાંગફુએ રવિવારે અમેરિકાને ધમકી આપી હતી. દુનિયાની આ સંરક્ષણ પરિષદમાં અમેરિકન સંરક્ષણ મંત્રી લોઈડ ઑસ્ટિન પણ સામેલ હતા.
અમેરિકાએ ઑસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે મળીને ‘એયુકેયુએસ’ સંગઠન બનાવ્યું છે. આ સિવાય અમેરિકા ‘ક્વાડ’ જૂથનું પણ સભ્ય છે, જેમાં ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારત અન્ય સભ્ય દેશો છે. આ સંગઠનો તરફ સંકેત કરતાં શાંગફુએ કહ્યું કે, આજે એશિયા-પેસિફિકને નાના સંગઠનોની નહીં પરંતુ મુક્ત અને સમાવેશક સહકારની જરૂર છે. તેમણે દાવો કર્યો કે ચીન પ્રદેશમાં તંગદિલી હળવી કરવા માગે છે જ્યારે અમેરિકા અસ્થિરતા વધારવા પ્રયત્નો કરી રહ્યું છે.
દરમિયાન અમેરિકન સંરક્ષણ મંત્રી લોઈડ ઑસ્ટિને કહ્યું કે, અમેરિકા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં નાટો જેવું કોઈ સંગઠન બનાવી નથી રહ્યું. જોકે, અમેરિકા આ પ્રદેશના દેશો સાથે સંબંધો સારા રાખવા માગે છે તે હકીકત છે. ઑસ્ટિને પણ ચેતવણી આપી કે તાઈવાન જલડમરુ મધ્યમાં ઘર્ષણ દુનિયા માટે વિનાશક હશે. ચીન સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here