કાશી વિશ્વનાથ મંદિરના ધોરણે મુંબાદેવી મંદિરનો જીર્ણોદ્ધાર થશે

0
82
મુંબાદેવી ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરીને
મંદિરમાંથી ફેરિયાઓને હટાવાશે તેમજ દર્શનાર્થીઓ માટે તમામ પ્રકારની મૂળભૂત સેવા ઉપલબ્ધ કરવામાં આવશે ઐતિહાસીક મુંબાદેવી મંદિરમાં આવતા દર્શનાર્થીઓને વધુ સગવડ આપવા તેમજ પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા મુંબાદેવી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે જે કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મંદિરોના ધોરણે મુંબાદેવી મંદિરનું નવીનીકરણ ંકરાશે.
સ્થાનિકોના મતે દેવી મુંબાના મંદિર પરથી શહેરનું નામ મુંબઈ રાખવામાં આવ્યું છે. 
મુંબાદેવી મુંબઈની અતિ પ્રાચીન મંદિર છે અને સ્થાનિકો તેમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિની ભાવના ધરાવે છે. મંદિરની આસપાસનો વિસ્તાર ગીચ અને ટ્રાફિકગ્રસ્ત છે. પ્રવાસીઓને પણ અહીં આવવાની તેમજ પોતાના વાહન પાર્ક કરવાની તકલીફ પડતી હોય છે. ઉપરાંત તહેવારો દરમ્યાન દર્શનાર્થીઓની સંખ્યા માટે પૂરતી જગ્યા નથી હોતી.
હવે નવીનીકરણ પછી દર્શનાર્થીઓ માટે રાહ જોવાની પૂરતી જગ્યા મળી રહેશે તેમજ વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. મંદિરની આસપાસના સંકુલમાં શૌચાલય, વોશરૃમ, પીવાનું સ્વચ્છ પાણી, અલ્પાહાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
નવીનીકરણની યોજનામાં મંદિરમાંથી ફેરિયાઓ અને સ્ટોલોને હટાવવામાં આવશે. મંદિરનો વિસ્તાર ચારે બાજુથી ખુલ્લો કરવામાં આવશે અને આસપાસનો વિસ્તાર ટ્રાફિક જામથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરાશે. મંદિર વિસ્તારમાં દુકાનો એકસમાન દેખાવની કરવામાં આવશે. આ યોજના વિશે દુકાન માલિકો સાથે વાટાઘાટ પણ થઈ ચુકી છે. ફેરિયાઓને હટાવીને તેમને મુંબાદેવી રોડ પર એક નિર્ધારીત જગ્યા ફાળવવામાં આવશે.
અન્ય સુવિધાઓમાં યાત્રાળુઓ માટે વોકવે, એસ્કેલેટર, પહોળા રસ્તા અને પોલીસ પેટ્રોલિંગની જોગવાઈ કરવામાં આવશે.
મુંબાદેવી મંદિરના નવીનીકરણની યોજના પ્રથમ મહારાષ્ટ્ર રાજ્ય માનવીય અધિકાર પંચે મુંબઈ મહાપાલિકા સામે ફરિયાદ કરી ત્યારે બનાવવામાં આવી. દર્શનાર્થીઓની ફરિયાદ હતી કે મંદિર વિસ્તારની આસપાસ ફેરિયાઓ અને અતિક્રમણ કરનારાનો ત્રાસ વધુ રહે છે અને તેમના માટે ઊભા રહેવાની પણ જગ્યા બચતી નથી. ઉપરાંત મંદિરમાં વોશ રૃમ અને પીવાના પાણીની જોગવાઈ પણ ન થઈ શકતી હોવાની ફરિયાદ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here