અમૂલે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો

0
110
– 4 લાખ પશુપાલકોને ફાયદો થશે, 2 લાખનો અકસ્માત વીમો પણ મળશે
– ચાલુ વર્ષે 3 મહિનાના ગાળામાં બીજી વખત ભાવ વધારો અપાયો, પશુપાલકોમાં ભારે આનંદની લાગણી


નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે અમૂલે પશુપાલકોને ભેટ આપી છે અને અમૂલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂા.૨૦નો વધારો ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ વધારો તા.૧લી એપ્રિલના રોજથી લાગુ પડશે. સાથે સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવામાં આવશે. અમૂલ ડેરી દ્વારા તા.૧લી એપ્રિલ-૨૦૨૩થી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.૨૦નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે  રૂા. 800 થી વધારી 820 ચૂકવવામાં આવશે. 

અમૂલ ડેરી સાથે સંકળાયેલ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના ૪ લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાનો ફાયદો મળશે. ચાલુ વર્ષે ઘાસચારાના ભાવમાં થયેલ વધારાના કારણે પશુપાલકોની મુશ્કેલીઓ વધી હતી જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૨૩ના પ્રારંભે ૧લી જાન્યુઆરીના રોજથી પણ અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે રૂા.૨૦નો વધારો કરાયો હતો. આમ વર્ષ-૨૦૨૩માં પ્રથમ ત્રણ માસમાં જ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે.
વધુમાં ચેરમેન વિપુલભાઈ પટેલના જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદકોના હિતમાં એપ્રીલ-૨૦૨૩થી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ કાર્યરત દૂધ ભરનાર સભાસદને રૂા.૨ લાખનો અકસ્માતથી થતા મૃત્યુ સામે વીમો આપવામાં આવશે. જેનું ૧૦૦ ટકા પ્રિમીયમ અમૂલ ડેરી આણંદ દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત સભાસદની કાયમી અપંગતાને પણ આવરી લેવામાં આવી છે. જે સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થાય તો રૂા.૨ લાખની સાથે તેમના બે બાળકો સુધી પ્રતિ બાળક રૂા.૧૦ હજાર ચૂકવવામાં આવશે. જો સભાસદને કાયમી અપંગતા સર્જાય તો રૂા.૨ લાખની આર્થિક સહાય કરવામાં આવશે. 
પ્રતિ કિલો ફેટે થયેલો વધારો
(પ્રતિ કીલો ફેટ)
જૂનો ભાવ
નવો ભાવ
ભેંસ દૂધ
રૂા.૮૦૦
રૂા.૮૨૦
ગાય દૂધ
રૂા.૩૫૪.૬૦
રૂા.૩૬૩.૬૦
ખેડા-આણંદ જિલ્લામાં અમૂલના પેકિંગ દૂધમાં ભાવ વધારો

આણંદ : ખેડા જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.આણંદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લામાં તા.૧ એપ્રિલથી પેકિંગ દૂધના વેચાણ ભાવમાં વધારો કરી દીધો છે. અમૂલ સ્ટાન્ડર્ડ દૂધમાં ૫૦૦ મીલીનો જુનો ભાવ ૨૮ હતો તે હવે ૨૯ રૂપિયા રહેશે. ૬ લીટરે ૩૩૬ રૂપિયાને બદલે ૩૪૮ રૂપિયા લેવાશે. અમૂલ બફેલો દૂધમાં ૫૦૦ મીલીનો જુનો ભાવ ૩૨ હતો તે હવેથી ૩૪ રૂપિયા રહેશે, ૬ લીટરનો ભાવ ૩૮૪ હતો તે વધારીને ૪૦૮ રૂપિયા કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડમાં ૫૦૦ મીલીનો જુનો ભાવ ૩૧ હતો તેના હવેથી ૩૨ રૂપિયા લેવાશે. ૧ લીટરનો ભાવ ૬૧ હતો તે હવે ૬૪ રૂપિયા રહેશે. ૬ લીટરનો ભાવ ૩૭૧ રૂપિયાથી વધીને ૩૮૪ રૂપિયા કરાયો છે. અમૂલ સ્લીમ અને ટ્રીમ દૂધમાં ૫૦૦ મીલીનો જુનો ભાવ ૨૨ હતો તે વધીને ૨૩ કરાયો છે.જ્યારે ૬ લીટર દૂધનો ભાવ ૨૬૪થી વધીને ૨૭૬ કરાયો છે. અમૂલ ટી સ્પેશિયલનો ૫૦૦ મીલીનો જુનો ભાવ ૨૯ હતો તેને ૩૦ રૂપિયા કરાયો છે.૬ લીટરમાં ૨૬૪ના ૨૭૬ રૂપિયા ભાવ કરાયો છે.અમૂલ તાઝા દૂધમાં ૫૦૦ મીલીનો ભાવ ૨૫ હતો તે વધીને ૨૬ કરાયો છે. ૧ લીટરનો ભાવ ૪૯ને બદલે ૫૨ રૂપિયા કરાયો છે. જ્યારે ૬ લીટરનો ભાવ ૩૦૦થી વધીને ૩૧૨ રૂપિયા થયો છે. જુની કોથળી પર છાપેલા ભાવ રદ ગણાશે તેવું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here