છેલ્લા ચાર માસમાં ભારતમાં FPIનું રૂ.1.50 લાખ કરોડનું સૌથી વધુ રોકાણ

0
95

– ૬ અબજ ડોલરથી પણ ઓછા રોકાણ સાથે તાઈવાન બીજા ક્રમે

– વિદેશી રોકાણકારો માટે ભારતીય શેરબજારો પ્રથમ પસંદગી

માર્ચ ૨૦૨૩થી ચાર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) દ્વારા ભારતીય ઈક્વિટીઝમાં રૂપિયા ૧.૫૦ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે જે એફપીઆઈનું વૈશ્વિક સ્તરે સૌથી વધુ રોકાણ છે. ભારત બાદ ૬ અબજ ડોલરથી પણ ઓછા રોકાણ સાથે તાઈવાન બીજા ક્રમે રહ્યું છે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે.

ત્રિમાસિક ગાળાની દ્રષ્ટિએ જોવા જઈએ તો તાઈવાનની સરખામણીએ ભારતમાં ત્રણ ગણો ઈન્ફલોઝ રહ્યો છે. આ સમયગાળામાં મુખ્ય ઈન્ડેકસ નિફટીએ પણ નવી ઊંચી સપાટી દર્શાવી છે જ્યારે અન્ય વૈશ્વિક શેરબજારોના ઈન્ડેકસ ઘણાં જ પાછળ છે.
ઘરેલું ઈક્વિટીઝ બજારની સતત સારી કામગીરીને કારણે એમએસસીઆઈ ઈએમમાં ભારતનું વેઈટેજ તબક્કાવાર વધી રહ્યું છે. એમએસસીઆઈ ઈન્ડેકસમાં સૌથી વધુ ૩૦ ટકા હિસ્સો ધરાવતા ચીન સારી કામગીરી દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે.
ડિસેમ્બર ૨૦૨૨થી માર્ચ, ૨૦૨૩ના ગાળામાં નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૦ ટકા જેટલું કરેકશન આવ્યું હતું પરંતુ ત્યારપછી તેમાં રિકવરી હતી અને ઈન્ડેકસ સતત નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યો છે.
બેન્ચમાર્કની સરખામણીએ સ્મોલ તથા મિડકેપ  ઈન્કેડસની કામગીરી જોરદાર રહી છે. માર્ચની નીચી સપાટીએથી સ્મોલ કેપમાં ૩૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, જ્યારે નિફટીમાં ૧૭ ટકા વૃદ્ધિ રહી છે. 
દેશના અર્થતંત્રનું આઉટલુક હાલમાં પોઝિટિવ જણાય રહ્યું છે. એફપીઆઈ ઉપરાંત ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડસના ઈક્વિટી પોર્ટફોલિઓનું મૂલ્ય પણ જૂન ૨૦૨૩ના અંતે વાર્ષિક ધોરણે ૩૩ ટકા વધી રૂપિયા ૨૫.૬૦ લાખ કરોડ જેટલું વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. 
ઈક્વિટી સ્કીમ્સમાં  એપ્રિલ-મેની સરખામણીએ જૂનમાં ઈન્ફલોઝ વધ્યો હતો.  ગયા મહિને ઈક્વિટી સ્કીમ્સમાં રૂપિયા ૫૬૦૦ કરોડનો ઈન્ફલોઝ રહ્યો હતો. એપ્રિલ તથા મેમાં આ આંક અનુક્રમે રૂપિયા ૪૮૬૮ કરોડ તથા રૂપિયા ૩૦૬૬ કરોડ રહ્યો હતો. 
દેશના શેરબજારોમાં તેજીને પગલે રિટેલ રોકાણકારોના સહભાગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  જૂનમાં દેશમાં ડીમેટ ખાતા ખોલવાની સંખ્યા વધી ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી.
ગયા મહિને દેશમાં કુલ ૨૩.૬૦ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા જે મે ૨૦૨૨  બાદ સૌથી વધુ છે. જૂનના અંતે દેશમાંડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૨.૦૫ કરોડ પર પહોંચી છે. જે વાર્ષિક ધોરણે ૨૪.૪૦ ટકા વધુ હતી, એમ અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here