જાન્યુ. 25થી વડાપ્રધાન ૨૪ની ચૂંટણી માટે ઉ.પ્ર.ના બુલંદશહરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે

0
12
  • આ વખતે ચૂંટણી વહેલી યોજાશે તે નિશ્ચિત છે
  • અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારંભ પછી જાગેલા જુવાળનો આગામી ચૂંટણીમાં લાભ લેવાનું નરેન્દ્ર મોદી ચૂકે તે સંભવિત નથી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પ્રચાર યુદ્ધનો ઉ.પ્રદેશનાં બુલંદશહરથી પ્રારંભ કરશે. સહજ છે કે અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારંભ પછી જાગેલા જમણેરી જુવાળનો કોઈપણ વડાપ્રધાન લાભ લેવો ચૂકે તે બની જ શકે નહીં.

ભાજપનાં સાધનો જણાવે છે કે, તા. ૨૫મીએ સવારે પશ્ચિમ ઉ.પ્ર.ના આ શહેરમાં રેલીને સંબોધન કરવાના છે. ભાજપના કાર્યકરો જણાવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મોટા પાયે મતદાન થવાની પૂરી શક્યતા છે. બુલંદશહરમાં પણ સારા પ્રમાણમાં ભાજપ તરફી મતદાન થશે તેમ લાગે છે.

ઉ.પ્ર.માં પશ્ચિમ વિભાગમાં લોકસભાની ૧૪ બેઠકો છે તે પૈકી ૮ બેઠકો ભાજપે જીતી હતી જ્યારે (૨૦૧૯મી ચૂંટણીમાં) તેણે ૬ બેઠકો ગુમાવી હતી. આથી તે ગાળો પૂરવા પક્ષના તમામ કાર્યકરોને સાબદા થઈ જવા કહેવામાં આવ્યું છે.

વડાપ્રધાન પોતે જ તેથી ઉ.પ્ર.ના પશ્ચિમ વિસ્તારનાં આ મહત્વનાં શહેરથી ચૂંટણી પ્રચાર યુદ્ધનો પ્રારંભ કરવાના છે. વાસ્તવમાં ભાજપે ૨૦૨૪ની ચૂંટણી માટેનો મંત્ર જ ‘વિજય’ રાખ્યો છે.

ભાજપનાં સાધનો જણાવે છે કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી યોજાયેલી વડાપ્રધાનની આ રેલીમાં આશરે પાંચેક લાખની જનમેદની ઉમટી હતી. વાસ્તવમાં આ રેલી બુલંદશહરને સ્પર્શીને રહેલા નવદા ગામમાં આવેલા મેદાનમાં યોજાઈ હતી.

ઉલ્લેખનીય તો તે છે કે હજી સુધી વિરોધ પક્ષોનાં જૂથ INDIA ગઠબંધનમાં પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે સ્પષ્ટ સમજૂતી થઈ શકી નથી. સમાજવાદી પાર્ટી અને રા.લો.દ. (બાબુ યાદવની પાર્ટી) વચ્ચે પણ સીટોની વહેંચણી નક્કી થઈ શકી નથી. પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ (મમતા બેનર્જી)એ એકલે હાથે ૨૪ની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે પણ ‘સીટ શેરિંગ’ નિશ્ચિત થઈ શક્યું નથી. મંત્રણા ચાલે છે, તેમ કહેવાયું છે. તેવામાં એપ્રિલના અંતમાંથી શરૂ કરી મેના પ્રારંભ સુધીમાં લોકસભાની ચૂંટણી થવાની હોય વિપક્ષો એકજૂથ થઈ ભાજપ સામે ટક્કર આપે તે સંભવિત લાગતું નથી. ભાજપે તો પહેલેથી જ એકલે હાથે ચૂંટણી લડવા નક્કી કરી જ લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here