ભારતમાં કોરોનાની વધુ એક લહેરનો ખતરો : WHOની ચેતવણી

0
60
– આજથી દેશભરની હોસ્પિટલોમાં બે દિવસની મોક ડ્રિલ
– દેશમાં કોરોનાના નવા 5357 કેસ, એક્ટિવ કેસ ૩૨ હજારને પાર : વધુ 11ના મોત સાથે મૃત્યુઆંક 5,30,965ને પાર

– હરિયાણા, કેરળ અને પુડ્ડુચેરીમાં જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત, વૃદ્ધો અને ગંભીર બીમાર લોકોને વધુ સતર્ક રહેવા સુચના ભારતમાં કોરોનાના કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે અનેક રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા સતર્ક રહેવા આદેશ અપાયા છે. એવામાં હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓએ) પણ ભારતને લઇને કોરોના મામલે ચેતવણી જાહેર કરી છે અને કોરોનાની નવી લહેર આવી રહી હોવાની ભીતિ વ્યક્ત કરી છે. ડબલ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું છે કે ભારતના નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી હોવાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે દેશમાં કોરોનાની નવી લહેરનો ખતરો વધી ગયો છે.  
તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે વર્તમાન કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રસીકરણ પર વધુ ધ્યાન આપવું પડશે અને વધુ મજબૂતાઇથી કોરોનાનો સામનો કરી શકે તેવી રસીનો ઉપયોગ વધારવો પડશે. ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાના નવા ૫૩૫૭ કેસો સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૩૨,૮૧૪એ પહોંચી છે. કોરોનાને કારણે દેશમાં વધુ ૧૧ લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૩૦,૯૬૫એ પહોંચ્યો છે. 
જ્યારે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪.૪૭ કરોડને પાર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં કોરોનાની રસીના કુલ ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે હવે માસ્ક પહેરવાનું પણ કેટલાક રાજ્યોમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધુ છે. જ્યારે કેરળમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે માસ્ક પહેરવુ ફરજિયાત કરી દીધુ છે. કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ મોત ૬૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડિત લોકોમાં જોવા મળ્યું છે. 
 હરિયાણા, કેરળની જેમ જ પુડ્ડુચેરીમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. હોસ્પિટલો, રેસ્ટોરંટ, દારુની દુકાનો, મનોરંજન સ્થળો વગેરે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાં પણ જો કોરોનાના કેસો વધશે તો ત્યાં પણ માસ્ક પહેરવુ ફરજિયાત કરવામાં આવી શકે છે. બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલ ૧૦થી ૧૧ તારીખ સુધી ચાલશે, જે દરમિયાન રાજ્ય સરકારો દ્વારા હોસ્પિટલોમાં કોરોના સામે પહોંચી વળવાની શું સુવિધા છે તેની ચકાસણી કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા જાજ્જરની એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. આ પહેલા તેમણે સાતમી એપ્રીલે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક યોજી હતી અને રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રિલની સુચના આપી હતી.  
અમેરિકાના સંશોધનમાં ખુલાસો 
ગર્ભમાં બાળકના મગજમાં કોરોના ઘૂસ્યો, એકનું મોત
– ગર્ભવતી માતા થકી કોરોના બાળક સુધી પહોંચ્યો, મગજને ભારે નુકસાન પહોંચાડયું 
ગર્ભમાં વિકસી રહેલા બાળકમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું હોવાનો ખુલાસો થયો છે. અમેરિકા દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જોવા મળી હતી. જેને કારણે બાળકના મગજને નુકસાન પહોંચ્યું હતું.  
આ ઘટનામાં એક બાળકનું માત્ર ૧૩ મહિનામાં જ મોત નિપજ્યું હતું. બાળકના મૃતદેહના પરીક્ષમાં સામે આવ્યું હતું કે બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારે તેની માતાને કોરોના સંક્રમણ થયું હતું જેની અસર બાળક પર થઇ હતી, જેને કારણે જન્મ બાદ તેનું મોત નિપજ્યું હતું. પીડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત આ સંશોધનને મિયામી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. 
જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બે બાળકોના જન્મ એ માતાઓ થકી થયા હતા જેને ૨૦૨૦માં કોરોનાનું સંક્રમણ થયું હતું. તે સમયે અમેરિકામાં કોરોનાની રસી ઉપલબ્ધ નહોતી. બાળકોને જન્મ થયો તે જ દિવસે એટેક આવ્યો હતો. અને તેમનો માનસિક વિકાસ બહુ જ ધીમી ગતીએ થયો હતો. એક બાળકનું જન્મના ૧૩ મહિના બાદ મોત નિપજ્યું હતું જ્યારે બીજા બાળકને ધર્મશાળામાં રાખવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીના બાળ રોગ નિષ્ણાત પ્રોફેસર ડો. મર્લિન બેનીએ જણાવ્યું હતું કે સંશોધનમાં સામે આવ્યું કે બાળકોના લોહીમાં કોવિડ એંટીબોડીનું સ્તર ઉચુ હતું, જેનાથી એ સાબિત થાય છે કે વાઇરસ માના પ્લેસેંટા અને બાદમાં બાળકમાં સ્થળાંતર થાય છે. બાળકોના મગજમાં વાઇરસની અસર જોવા મળી હતી. 
કોરોનાના દૈનિક 20 હજાર કેસની આગાહી IIT કાનપુરના પ્રોફેસરે કરી હતી

– કોરોનાના કેસો વધે તો પણ પહેલા જેવી ગંભીર પરિસ્થિતિ નહીં, લોકો સાજા થઇ રહ્યા છે 
દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. એવામાં કાનપુરની આઇઆઇટીના પ્રોફેસરે ચેતવણી આપી છે કે આગામી બે મહિનામાં ભારતમાં દરરોજ કોરોનાના નવા ૧૫થી ૨૦ હજાર કેસો સામે આવી શકે છે. આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્રા અગ્રવાલે કહ્યું હતું કે હાલ કોરોનાના વધી રહેલા કેસોને ટ્રેક કરવા માટે આપણી પાસે જે મોડયુલ છે તે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. તાજેતરમાં ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં બહુ જ મોટો ઉછાળો આવી રહ્યો છે. જે જોતા આગામી બે મહિનામાં કોરોનાના દૈનિક ૨૦ હજારથી વધુ કેસો સામે આવી શકે છે. 
કોરોના સામેની રસીના અભિયાન અંગે વાત કરતા અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં મોટા ભાગના લોકોને કોરોના રસીનો ડોઝ મળી ગયો છે અને મોટા ભાગના લોકોને કોરોના થઇ ચુક્યો છે. જોકે રસીને કારણે તેમને રક્ષમ મળ્યું છે. હાલ કોરોનાના કેસોમાં ઉછાળો જરૂર આવશે પણ તેને કોરોનાની લહેર ના કહી શકાય. જો કેસોની સંખ્યા વધે તો પણ પહેલા જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય કેમ કે લોકો કોરોનાને હરાવી રહ્યા છે અને સાજા થઇ જાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here