મગફળીમાં ફયુચર ટ્રેડીંગનો 13 વર્ષ બાદ આજથી પુન: પ્રારંભ થશે

0
51

– ફરજીયાત ડીલિવરી ધોરણે વાયદાનો વેપાર થશે

– ડીલિવરી સેન્ટર બિકાનેર-રાજસ્થાન અને ગોંડલ-ગુજરાત રહેશે

તેલિબીયામાં પ્રમુખ મગફળી(ફોતરાં સાથે)માં ૧૩ વર્ષ બાદ ફરી વાયદનો વેપાર-ફયુચર્સ ટ્રેડીંગનો પ્રારંભ થશે. નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ (એનસીડીઈએક્સ) ખાતે જુલાઈ ૨૦૨૩, ઓગસ્ટ ૨૦૨૩ અને સપ્ટેમ્બર ૨૦૨૩ મહિનાની એક્સપાઈરીના ત્રણ વાયદામાં આજે ૨૦,જૂન ૨૦૨૩ થી  ટ્રેડીંગનો પુન: પ્રારંભ થશે.

આ વાયદામાં ફરજીયાત ડીલિવરી ધોરણે રૂ.૧ના ટીક સાઈઝમાં ક્વિન્ટલ દીઠ ક્વોટેશન-બેઝ મૂલ્ય રહેશે, જેમાં ક્વોન્ટિટી ફરક ત્રણ ટકા વધઘટનો રહેશે. ટ્રેડીંગ પાંચ મેટ્રિક ટન યુનિટમાં અને ડીલિવરી પાંચ મેટ્રિક ટનમાં થઈ શકશે. આ માટે ડીલિવરી મથક રાજસ્થાનનું બિકાનેર અને વધારાનું ડીલિવરી મથક ગુજરાતનું ગોંડલ રહેશે. પોઝિશન લિમિટ મેમ્બર પ્રમાણે ૨,૫૦,૦૦૦ મેટ્રિક ટન અથવા માર્કેટ વાઈડ ઓપન ઈન્ટેસ્ટના ૧૫ ટકા એમાંથી જે વધુ હશે એ રહેશે. ગ્રાહક પ્રમાણે આ પોઝિશન લિમિટ ૨૫,૦૦૦ મેટ્રિક ટનની રહેશે. 

નજીકના મહિનાના કોન્ટ્રેક્ટસ માટે મેમ્બર પ્રમાણે પોઝિશન લિમિટ ૬૨,૫૦૦ મેટ્રિક ટન અથવા મેમ્બરની એકંદર પોઝિશન લિમિટના ૨૫ ટકા જે વધુ હશે એ રહેશે. ગ્રાહક મુજબ પોઝિશન લિમિટ ૬૨૫૦ મેટ્રિક ટનની રહેશે. મગફળીના આ વાયદાના વેપારમાં દરેક રૂ.એક લાખના વેપાર દીઠ ચાર્જ રૂ.૩ રહેશે. ન્યુનતમ આરંભિક માર્જિન ૧૨ ટકા જરૂરી રહેશે. મહત્તમ ઓર્ડર સાઈઝ ૫૦૦ મેટ્રિક ટનની રહેશે.
ઉલ્લેખનીય છે કે એનસીડીઈએક્સ ખાતે અગાઉ મગફળીમાં વાયદાનો વેપાર-ફયુચર ટ્રેડીંગ વર્ષ ૨૦૦૬માં શરૂ કરાયું હતું, પરંતુ  ડિસેમ્બર ૨૦૦૯માં બિઝનેસ સંબંધિત જોખમોને લઈ એમાં ટ્રેડીંગ અટકાવી દેવાયું હતું. જે હવે ૧૩ વર્ષ બાદ એનસીડીઈએક્સ ખાતે ફરી શરૂ થઈ રહ્યું છે. એનસીડેક્સ દ્વારા વાયદા પુન:શરૂ કરવાની જાહેરાતને સી.પી.એ.આઈ અને આઈ.વી.પી.એ જેવા સંગઠનોએ આવકારી છે. 
આ પ્રસંગે કોમોડિટી પાર્ટીસીપન્ટસ એસોસીયેશન ઓફ ઈન્ડિયા(સીપીએઆઈ)ના પ્રમુખ નરિન્દર વાધવાએ જણાવ્યું હતું કે, મગફળીના વાયદા કોમોડિટીમાં રોકાણ કરનારા કારોબારીઓ, ટ્રેડરો માટે કારોબારની વિપુલ તકો ઊભી કરશે, કેમ કે આ ખાદ્ય તેલિબીયાંની બજારમાં વિશેષ માગ છે. મગફળી ભારતમાં માત્ર તેલ જ નહીં પણ સમગ્ર ફૂડ ઈન્ડસ્ટ્રી માટે મહત્વની કોમોડિટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here