વ્યાજ દર વધતા ઉદ્યોગો દ્વારા ધિરાણ ઉપાડ નબળો પડયો

0
43

– ફેબુ્રઆરીમાં ઔદ્યોગિક ધિરાણમાં વાર્ષિક ધોરણે સાત ટકા વધારો થયો હતો જે છેલ્લા ૧૨ મહિનાની નીચી સપાટી

– ઔદ્યોગિક ધિરાણમાં જોવા મળેલી જોરદાર વૃદ્ધિ વર્ષના પાછલા ભાગમાં નરમ પડી

ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ઔદ્યોગિક ધિરાણમાં જોવા મળેલી જોરદાર વૃદ્ધિ વર્ષના પાછલા ભાગમાં નરમ પડી ગયાનું જણાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ધિરાણ આંકો પર નજર નાખતા જણાય છે કે ફેબુ્રઆરીમાં ઔદ્યોગિક ધિરાણમાં વાર્ષિક ધોરણે  સાત ટકા વધારો થયો હતો જે છેલ્લા ૧૨ મહિનાની નીચી સપાટીએ હતો. વ્યાજ દરમાં વધારાની ઔદ્યોગિક ધિરાણ પર અસર પડી હોવાનું જણાવાઈ રહ્યું છે. 

ગયા નાણાં વર્ષના ઓકટોબરમાં ઔદ્યોગિક વૃદ્ધિનો આંક ૧૩.૬૦ ટકા રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રારંભમાં ઔદ્યોગિક ધિરાણમાં જોવા મળેલા વધારાથી દેશમાં ખાનગી ક્ષેત્ર તરફથી વિસ્તરણ કાર્યક્રમ અથવા મૂડી ખર્ચમાં વધારો થયાના સંકેત મળતા હતા.

ફેબુ્રઆરીમાં નોન-ફૂડ ધિરાણ વૃદ્ધિ ૧૫.૯૦ ટકા રહી હતી જેની સરખામણીએ ઔદ્યોગિક વૃદ્ધિ ઘણી જ ઓછી કહી શકાય એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. ગયા વર્ષના ઓકટોબરમાં નોન-ફૂડ ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૭.૧૦ ટકા વધારો થયો હતો. કોરોના બાદ દેશમાં અર્થતંત્રમાં શરૂ થયેલી રિકવરીને પરિણામે ગયા નાણાં વર્ષના પ્રારંભમાં  ધિરાણમાં વધારો જોવા મળ્યો હતો.

બેન્કિંગ ક્ષેત્રમાં નીચા વ્યાજ દરો પણ ગયા વર્ષે ધિરાણ ઉપાડમાં વધારા માટે એક કારણ રહ્યું હતું. જો કે રિઝર્વ બેન્કે મે ૨૦૨૨થી રેપો રેટમાં અઢી ટકા વધારો કરી તેને ૬.૫૦ ટકા કર્યો છે. પ્રમાણમાં ઊંચા વ્યાજ દરને  કારણે ધિરાણ વૃદ્ધિ મંદ પડી હોવાનું અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

ફેબુ્રઆરીના અંતે સમાપ્ત થયેલા ૧૨ મહિનામાં બેન્કોએએકંદરે રૂપિયા ૧૮.૪૦ ટ્રિલિયન લોન પેટે છૂટા કર્યા હતા. આમાંથી માત્ર રૂપિયા ૨.૧૪ ટ્રિલિયન ઔદ્યોગિક ધિરાણ રહ્યું હતું એમ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા ધિરાણ આંક પરથી જણાય છે. 

બેન્કો દ્વારા સૌથી વધુ વ્યક્તિગત લોન્સ છૂટી કરાઈ હોવાનું પણ આંકડા જણાવે છે. બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિમાં સૌથી મોટો હિસ્સો વ્યક્તિગત લોન્સનો રહ્યો છે. ફેબુ્રઆરીના અંતે સમાપ્ત થયેલા ૧૨ મહિનામાં છૂટી કરાયેલી નવી લોન્સમાંથી ૩૭ ટકા લોન્સ પરસનલ લોન્સ રહી હતી. 

ફેબુ્રઆરીના અંતે બાકી પડેલી નોન-ફૂડ ધિરાણનો એકંદર આંક રૂપિયા ૧૩૪.૧૫ લાખ કરોડ કરોડ રહ્યો હતો જેમાંથી રૂપિયા ૩૧.૯૦ લાખ કરોડ ઔદ્યોગિક લોન હતી એમ પણ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here