213 અબજ ડોલરનું ફોરેક્સ વેચી RBIએ રૂપિયામાં તીવ્ર વધઘટ અટકાવી

0
91
ભારતીય રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૧૩ અબજ ડોલરનું વિદેશી ચલણ વેચ્યું છે. કેન્દ્રીય બેંકે ૨૨ મેના રોજ તેના માસિક બુલેટિનમાં જાહેર કરેલા આંકડા અનુસાર આ આંકડો ૨૦૨૨ના  વર્ષની સરખામણીમાં ૧૨૦ ટકા વધારે છે. 
ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ વૈશ્વિક નાણાકીય બજારોમાં ઉથલપાથલના પગલે રૂપિયાના વિનિમય દરમાં અસ્થિરતા ઘટાડવાના પ્રયાસરૂપે આરબીઆઈએ ૨૦૨૨-૨૩માં નોંધપાત્ર ડોલર વેચ્યા હતા. યુદ્ધના કારણે નાણાકીય બજારોમાં અસ્થિરતા ઉપરાંત ૨૦૨૨-૨૩માં વૈશ્વિક કોમોડિટીના ભાવ વધવાથી આયાત બિલમાં તીવ્ર વધારો થવાને કારણે પણ રૂપિયો નોંધપાત્ર દબાણ હેઠળ રહ્યો હતો.

માસિક આંકડાઓ વિશે વાત કરીએ તો સેન્ટ્રલ બેંકે માર્ચમાં નેટ ૭૫ કરોડ ડોલરની ફોરેન કરન્સી ખરીદી હતી. ગત મહિને કુલ ૬.૯૧ અબજ ડોલરની ખરીદીની સામે ૬.૧૬ અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. વધુમાં આરબીઆઈ બુલેટિન અનુસાર ફોરવર્ડ માર્કેટમાં આરબીઆઈની બાકી પોઝીશન ૨૦૨૨-૨૩ના અંત સુધીમાં ૨૩.૬ અબજ ડોલર હતી. ફેબ્રુઆરીના અંતે આ આંકડો ૨૦.૪૭ અબજ ડોલર હતો. આરબીઆઈની મોટાભાગની ફોરવર્ડ એક્ટિવિટી ‘૩ મહિનાથી વધુ અને ૧ વર્ષ સુધી’ના બકેટમાં છે.
અર્થશાસ્ત્રીઓ આરબીઆઈના ફોરેન કરન્સી હોલ્ડિંગની ઐતિહાસિક સરેરાશ એક્વિઝિશન કોસ્ટ પ્રતિ ડોલર ૬૨-૬૫ રૂપિયાની આસપાસ ગણે છે. દરમિયાન ૨૦૨૨-૨૩માં યુએસ ડોલર સામે રૂપિયાનો સરેરાશ માસિક વિનિમય દર ૭૬.૨થી ૮૨.૭ સુધીનો હતો.
૧૯ મેના રોજ આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ડિવિડન્ડ તરીકે રૂ. ૮૭,૪૧૬ કરોડના ટ્રાન્સફરને મંજૂરી આપી હતી. 
આ સરકારને મળતા ૪૮,૦૦૦ કરોડ રૂપિયા કરતાં લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા વધારે છે. આ ડિવિડન્ડ ૨૦૨૧-૨૨માં આરબીઆઈ દ્વારા સરકારને ટ્રાન્સફર કરાયેલા રૂ. ૩૦,૩૦૭ કરોડ કરતાં લગભગ ત્રણ ગણું છે.
રૂપિયામાં સ્થિરતા લાવવા દરમિયાનગીરી કરવી પડી
 ગયા વર્ષે રૂપિયામાં સ્થિરતા લાવવા ફોરેકસ માર્કેટમાં દરમિયાનગીરી કરવાના રિઝર્વ બેન્કના નિર્ણયનો આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે  બચાવ કર્યો હતો. વિનિમય દરમાં સ્થિરતા જળવાઈ રહે તે જોવાની કેન્દ્રીય બેન્કની જવાબદારી છે.રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગયા વર્ષે ડોલરનો જંગી આઉટફલોસ રહ્યો હતો. રિઝર્વ બેન્કની દરમિયાનગીરીને કારણે ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં વિશ્વાસ ઊભો થાય છે.  ડોલરના વેચાણ અપરાંત મૂલ્યમાં ઘટાડાને કારણે ગયા વર્ષે ફોરેકસ રિઝર્વ ઘટીને ૫૨૪ અબજ ડોલર જેટલું જોવા મળ્યું હતું. જો કે હાલમાં ફોરેકસ રિઝર્વની સ્થિતિ મજબૂત છે, અને તે ૬૦૦ અબજડોલરની નજીક આવી ગયું છે. ફોરેકસ રિઝર્વમાં મજબૂતાઈ જળવાઈ રહે તેવા રિઝર્વ બેન્કના પ્રયાસો રહે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here