BSE F&Oમાં એક્સપાયરી ગુરૂવારને બદલે શુક્રવારે કરશે

0
88

– એક્સપાયરી દિવસમાં ફેરફાર ૧૫,મે ૨૦૨૩થી અમલી બનશે :

– લોટ સાઈઝમાં કરાયેલો ઘટાડો : સેન્સેક્સ, બેંકેક્સમાં એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં વધારાની અપેક્ષા

એનએસઈને ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં ટક્કર આપવાની કવાયત
મુંબઈ : બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ દ્વારા તેના ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગને વેગ આપવા અને વધુ ટ્રેડરો આ સેગ્મેન્ટમાં ટ્રેડ કરવા પ્રેરાય અને હરીફ એનએસઈને ટક્કર આપવા સાથે સેન્સેક્સ, બેંકેક્સ ઈન્ડેક્સોમાં ટ્રેડીંગને વેગ મળે એ માટે એક્સપાયરી-વલણનો અંતિમ દિવસ હવે ગુરૂવારને  બદલે શુક્રવાર કરવાનો નિર્ણય લેવાયો છે. જે સાપ્તાહિક, માસિક અને લાંબી મુદ્દતના કોન્ટ્રેક્ટસ માટે લાગુ થશે.

નેશનલ સ્ટોક એકસચેન્જ(એનએસઈ) ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગમાં અગ્રેસર રહેતું હોઈ બીએસઈ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ટ્રેડરોના કામકાજ કરવાના તુલનાત્મક નિરૂત્સાહને ધ્યાનમાં લઈને અવાર નવાર બીએસઈ દ્વારા તેના ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ વોલ્યુમ વધારવા માટેના વિવિધ પ્રયાસ થતાં આવ્યા છે.

જેના ભાગરૂપ હવે ચાલુ વર્ષે ૧૫,મે ૨૦૨૩થી બીએસઈએ તેના માસિક, સાપ્તાહિક અને લાંબી મુદ્દતના ફયુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ માટેનો એક્સપાઈરી-વલણનો અંતિમ દિવસ ગુરૂવારથી બદલીને શુક્રવાર કરવાનો નિર્ણય લીધો છે. જો શુક્રવારના ટ્રેડીંગ રજાનો દિવસ આવતો હશે તો શુક્રવારના બદલે આગલા દિવસે એક્સપાઈરી દિવસ રહેશે.

આ દરમિયાન બીએસઈ દ્વારા સેન્સેક્સના ફયુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેકટસની લોટ સાઈઝ પણ ૧૫ થી ઘટાડીને ૧૦ કરવામાં આવી છે. જ્યારે બેંકેક્સ ઈન્ડેક્સની લોટ સાઈઝ અત્યારની ૨૦થી ઘટાડીને ૧૫ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન તમામ એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સ(વિકલી, મંથલી અને લોંગ ટર્મ તારીખના) કોન્ટ્રેક્ટસ અને એસ એન્ડ પી બીએસઈ બેંકેક્સના તમામ કોન્ટ્રેકટસની એક્સપાઈરી ૧૨,મે ૨૦૨૩ના ગુરૂવારે છે, એ હવે ૧૫,મે ૨૦૨૩થી શુક્રવારે કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, બીએસઈના હરીફ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)ના નિફટી અને નિફટી બેંકની લોટ સાઈઝ અનુક્રમે ૫૦ અને  ૨૫ છે. ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસમાં બન્ને પ્રચલિત છે અને એનો એક્સપાઈરી દિવસ ગુરૂવાર છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બીએસઈના એમ.ડી. અને સીઈઓ સુદરરામને રામમૂર્તિએ જણાવ્યું હતું કે, બીએસઈ મેમ્બરો પાસેથી પ્રતિભાવ મેળવીને સેન્સેક્સ ૩૦ ડેરિવેટીવ્ઝને ફરી દાખલ કરવાની યોજના કરી રહ્યું છે. ગત સપ્તાહમાં એનએસઈ દ્વારા તેના નિફટી મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સના એક્સપાઈરી દિવસમાં ફેરફાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here