ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં મેઘમહેર, 11 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, હજુ 5 દિવસ વરસાદની આગાહી

0
166
ગુજરાતમાં સીઝનનો 59 ટકા વરસાદ નોંધાયો,ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે.ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં મોન્સૂન સક્રિય થયું છે. એની સાથે જ આગામી 5 દિવસ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.વધુમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 33.7 ડીગ્રી ભાવનગર ખાતે અને 33.2 ડીગ્રી વડોદરા ખાતે નોંધાયું હતું, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.9 ડીગ્રી ઘટીને 29.2 ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડીગ્રી વધીને 25.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 93 ટકા અને સાંજે 82 ટકા જેટલું નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here